Business

સોના-ચાદીમાં નવરાત્રી પૂર્વે તેજીનો ચમકારો:ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃધ્ધિ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં શનિવારે બંધ બજારે સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ 105 ડોલર પાર થતાં, તેની અસર સોના પર જોવા મળી. રૂપિયા સામે ડોલર પણ 96.83 બોલાયો. નવરાત્રી પૂર્વે કિંમતી ધાતુઓના ભાવ ઊંચકાતા ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાદીમાં નવરાત્રી પૂર્વે તેજીનો ચમકારો:ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃધ્ધિ

ક્રૂડ પણ ફરી વધી ૧૦૫ ડોલર પાર:બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વધ્યા
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોેકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં ભાવ ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃધ્ધિ થતાં નવરાત્રીના તહેવારો પૂર્વે કિંમતી ધાતુઓના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી જતાં તેની ઈમ્પેક્ટ પણ વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૧૮૩થી ૪૧૮૪ ડોલરવાળા વધી છેલ્લે ભાવ ૪૧૯૪થી ૪૧૯૫ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૧૦૧.૯૨ તથા ઉંચામાં ૧૦૨.૩૪ થઈ ૧૦૨.૨૩ રહ્યો હતો. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામદીઠ ૯૯૫ના રૂ.૧૪૮૮૩૨ વાળા વધી રૂ.૧૪૯૩૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૪૯૪૩૦ વાળા રૂ.૧૪૯૯૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૨૧૧૦૯ વાળા રૂ.૨૨૨૫૦૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૬૦.૩૫થી ૬૦.૩૬ વાળા વધી ૬૦.૮૨થી ૬૦.૮૩ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૧૦૩.૦૫ વાળા વધી ૧૦૫.૯૦ થઈ છેલ્લે ભાવ ૧૦૪.૭૨ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટ પર જહાજો પર ફરી હુમલાઓ વધ્યાના વાવડ મળ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૦.૮૫ વાળા ૯૨.૧૭ થઈ છેલ્લે ભાવ ૯૧.૮૫ ડોલર રહ્યા હતા. ગલ્ફ ઓફ મેક્સિકો ખાતે વાવાઝોડાના પગલે ક્રૂડના ઉત્પાદન ઘટયાના સમાચાર પણ મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૬.૭૪થી વધી રૂ.૯૬.૮૨થીરૂ.૯૬.૮૩ બોલાતા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૧૦૦૦ વધી રૂ.૨૨૬૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૩૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૮૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૮૮ વાળા ૧૬૯૩ ડોલર છેલ્લે રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૬૨ વાળા છેલ્લે ૧૧૫૪થી ૧૧૫૫ ડોલરના ભાવ રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૧.૮૮ ટકા પ્લસમાં રહ્યા હતા. ભારતમાં ફોરેક્સ રિઝર્વ ઘટયું છે તથા વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ફરી વધ્યા છે ત્યારે હવે સોમવારે કરન્સી બજારમાં ડોલરના ભાવ પર તેની કેવી ઈમ્પેક્ટ આવે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી.