સોના-ચાંદીમાં મોડી સાંજે તેજીનો ચમકારો : ક્રૂડ તૂટયું : ડોલરમાં વધ્યા ભાવથી ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં જોબગ્રોથના ડેટા નબળા આવવાની અસર
કિંમતી ધાતુઓની ટેરીફ વેલ્યુમાં કરવામાં આવેલો ઘટાડો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે કિંમતી ધાતુઓના ભાવમાં વિશ્વ બજાર પાછળ બેતરફી વધઘટ દેખાઈ હતી. દરમિયાન, દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈંમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યાના સમાચાર હતા. આના પગલે ઘરઆંગણે સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો ઘટાડો થયાના સમાચાર મળ્યા હતા.
આવી ટેરીફ વેલ્યુ સરકારે ડોલરના સંદર્ભમાં સોના માટે ૧૦ ગ્રામદીઠ ૧૩૭૩થી ઘટાડી ૧૩૩૯ ડોલર કરી છે જ્યારે ચાંદીમાં આવી ટેરીફ વેલ્યુ કિલોના ૨૦૨૮થી ઘટાડી સરકારે ૧૯૬૫ ડોલર કર્યાના સમાચાર હતા. જો કે સામે સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જ દર રૂ.૯૬.૮૦થી વધારી રૂ.૯૬.૯૫ કર્યાના સમાચાર પણ મળ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૨૬૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૧૭૬થી ૪૧૭૭ વાળા નીચામાં ભાવ ૪૧૩૩ તથા ઉંચામાં ભાવ ૪૧૯૬ થઈ ૪૧૮૦થી ૪૧૮૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૧.૦૩થી ૬૧.૦૪ ડોલરવાળા નીચામાં ભાવ ૬૦.૨૧ ડોલર તથા ઉંચામાં ભાવ ૬૧.૫૫ થઈ ૬૦.૯૯ થી ૬૧.૦૦ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે જીએસટી વગર સોનાના ભાવ રૂ.૫૦૦થી ૭૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૮૧૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૮૭૦૦ બોલાતા હતા મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૦૦ વધી રૂ.૨૨૧૦૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૦૩ ડોલર ઉપર ગયા પછી ભાવ ઘટી ૯૯.૩૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૩.૫૧ થઈ ૮૯.૩૨ ડોલર રહ્યા હતા. મોડી સાંજે વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૨૧૦થી ૪૨૧૧ ડોલર રહ્યા હતા. ચાંદીના ભાવ ૬૧.૬૪થી ૬૧.૬૫ ડોલર રહ્યા હતા. આના પગલે મુંબઈ હાજર બજારમાં મોડી સાંજે સોનાના ભાવ વધી રૂ.૧૪૯૩૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૯૯૦૦ બોલાતા થયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી રૂ.૨૨૩૦૦૦ મોડી સાંજે પાર કરી ગયા હતા. અમેરિકામાં નોન-ફાર્મ પરોલના જોબગ્રોથના આંકડા નબળા આવ્યા હતા તથા સપ્ટેમ્બરનો આવો જોબગ્રોથ માત્ર ૨૯ હજારનો આવ્યો હતો. ત્યાં બેરોજગારીનો દર પણ વધ્યો હોવાના સમાચાર હતા.
વિશ્વ બજારમાં મોડી સાંજે પ્લેટીનમના ભાવ ૧૭૪૩ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૧૯૭ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ ૦.૬૭ ટકા ઉંચા બોલાતા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૯૫.૩૧વાળા ઘટી રૂ.૯૫.૧૧ રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૨.૧૩ થયા ૧૦૧.૮૦ રહ્યો હત.




