સોના-ચાંદી તૂટયા પછી ફરી ઉંચકાયા: ક્રૂડમાં ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં બેતરફી વ્યાપક ઉછળકૂદ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં તૂટયા પછી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી ઉછળકૂદ બતાવતા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે ડોલર ઉછળતાં તથા રૂપિયો ગબડતાં તેની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસ ના નીચામાં ૩૯૬૦ તથા ઉંચામાં ૪૦૩૪ ડોલર થઈ ૪૦૩૨થી ૪૦૩૩ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૩૮૮૭૬ ખુલ્યા પછી રૂ.૧૪૧૦૬૫ બંધ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૯૪૩૪ ખુલી રૂ.૧૪૧૬૩૨ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૨૧૩૫૫ ખુલ્યા પછી રૂ.૨૨૫૪૩૦ના મથાળે બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસદીઠ નીચામાં ૫૭.૧૭ તથા ઉંચામાં ભાવ ૬૦.૦૭ થઈ ૫૯.૦૬થી ૫૯.૦૭ ડોલર રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૪૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૨૭૦૦૦ બોલાતા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૫૩૫ તથા ઉંચામાં ૧૫૭૪ થઈ ૧૫૭૨થી ૧૫૭૩ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના આરંભમાં રૂ.૫૫૦૪૬ ખુલ્યા પછી રૂ.૫૬૦૧૮ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૨૦૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૫ ટકા માઈનસમાં રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં જૂન અંતે પૂરા થયેલા ત્રણ મહિનામાં ક્રૂડતેલના ભાવમાં નોંધાયેલો ઘટાડો છ વર્ષનો સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૩.૫૩ ડોલર તથા નીચામાં ૭૧.૬૨ થઈ ૭૨.૩૧ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૦.૧૯ તથા નીચામાં ભાવ ૬૮.૨૨ થઈ ૬૯.૦૩ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે વાતચીત હવે કેવી આગળ વધે છે તેના પર બજારની નજર હતી.









