Business

ઘરઆંગણે સોનાચાંદી ઊંચકાયા: ડોલર સામે રૂપિયામાં ઘસારો ચાલુ

By GS Team
4 Jan 20252 mins read
This article was originally published on 4 Jan 2025
ઘરઆંગણે સોનાચાંદી ઊંચકાયા: ડોલર સામે રૂપિયામાં ઘસારો ચાલુ

મુંબઈ : વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી જતા ઘરઆંગણે પણ ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકામાં નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નીતિઓમાં ફેરબદલ પહેલા સેફ હેવન તરીકે ગોલ્ડમાં ફન્ડોની ખરીદી રહી છે. ડોલર ઈન્ડેકસ પણ બે વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. સોના પાછળ ચાંદીમાં સુધારો જોવાયો હતો. ડોલર સામે રૂપિયાનો ઘસારો સપ્તાહ અંતે પણ  ચાલુ રહ્યો હતો જ્યારે ક્રુડ તેલના ભાવમાં મક્કમતા જોવા મળી હતી. ઘરઆંગણે આયાતકારો માટે ડોલરનો એકસચેન્જ રેટમાં વધારો જાહેર કરાયો હતો. 

ઘરઆંગણે મુંબઈ બજારમાં  ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગુરુવારે રૂપિયા ૭૭૦૭૯ બંધ રહ્યા હતા તે સપ્તાહ અંતે સુધરીરૂપિયા ૭૭૫૦૪ બંધ આવ્યા હતા. ૯૯.૫૦ દસ ગ્રામના ભાવ પણ વધી રૂપિયા ૭૭૧૯૪ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૮૭૧૬૭વાળા વધી રૂપિયા ૮૮૧૨૧ બંધ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા  મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૯૯૦૦ જ્યારે ૯૯.૫૦ના ભાવ પ્રતિ દસ ગ્રામ દીઠ રૂપિયા ૭૯૭૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૮૮૦૦૦ બોલાતા હતા. સોનાચાંદી પર આયાત ડયૂટીની ગણતરી માટે ડોલરનો એકસચેન્જ રેટ રૂપિયા ૮૫.૯૫થી વધારી રૂપિયા ૮૬.૬૦ કરાતા આયાત પડતર મોંઘી પડશે. 

વિશ્વ બજારમાં સપ્તાહ અંતે ગોલ્ડ પ્રતિ ઔંસ ૨૬૫૭.૪૩ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૨૯.૮૦ ડોલર કવોટ થતી હતી. 

ડોલર સામે રૂપિયામાં સતત ઘસારો ચાલુ રહ્યો હતો અને ગુરુવારના  પ્રતિ  ડોલર ૮૫.૭૫ની સરખામણીએ શુક્રવારે ૮૫.૭૮ સપાટીએ બંધ રહ્યો હતો.  રૂપિયો નીચામાં ૮૫.૮૧ તથા ઉપરમાં ૮૫.૭૩ વચ્ચે અથડાઈ છેવટે   ૮૫.૭૮ બંધ રહ્યો હતો. ચીનની કરન્સી યુઆનમાં નબળાઈથી રૂપિયા પર દબાણ આવી રહ્યાનું કરન્સી બજારના વર્તુળો જણાવી રહ્યા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ડોલરના શકય વેચાણને કારણે રૂપિયામાં શુક્રવારે ઘટાડો મર્યાદિત રહ્યાનું સુત્રોએ જણાવ્યું હતું. ડોલર ઈન્ડેકસ પણ ઉછળીને ૧૦૯.૨૨ પોઈન્ટ સાથે બે કરતા વધુ વર્ષની ઊંચી  સપાટીએ જોવાયો હતો. અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો મર્યાદિત રહેવાના સંકેત ઉપરાંત અમેરિકાના અર્થતંત્રમાં મજબૂતાઈથી ડોલર મક્કમ જોવાઈ રહ્યો  છે.

ક્રુડ તેલના ભાવમાં મક્કમતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૭૩.૧૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૭૫.૮૭ ડોલર મુકાતુ હતું.  

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૮૫.૭૮

પાઉન્ડ

રૃ ૧૦૬.૨૬

યુરો

રૃ ૮૮.૧૪

યેન

રૃ ૦.૫૪.૫