Business

ભૌગોલિક રાજકીય પ્રતિકુળતાએ ડિસેમ્બરમાં જ્વેલરીની નિકાસમાં દસ ટકા ઘટાડો

By GS Team
18 Jan 20252 mins read
This article was originally published on 18 Jan 2025
ભૌગોલિક રાજકીય પ્રતિકુળતાએ ડિસેમ્બરમાં જ્વેલરીની નિકાસમાં દસ ટકા ઘટાડો

મુંબઈ : ૨૦૨૪ના ડિસેમ્બરમાં ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે ૧૦.૨૯ ટકા ઘટી ૧૯૬.૭૯ કરોડ ડોલર રહી હતી. ૨૦૨૩ના ડિસેમ્બરમાં આ આંક ૨૧૯.૩૮ કરોડ ડોલર રહ્યો હતો એમ એમ જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું હતું. કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસમાં પણ ગયા મહિને ઘટાડો જોવા મળ્યો છે. 

ભૌગોલિકરાજકીય તાણને પરિણામે વૈશ્વિક બજારમાં જેમ અને જ્વેલરી કરતા ખરીદદારો સોનાની ખરીદી તરફ વધુ વળી રહ્યા છે.

આ ઉપરાંત આજની પેઢીની પસંદગીમાં પણ બદલાવે જેમ એન્ડ જ્વેલરીના વેચાણ પર અસર કરી છે. આજની પેઢી દૈનિક ધોરણે પહેરવા માટે કિંમતી ધાતુમાં હળવાવજનની જ્વેલરીને વધુ પસંદ કરી રહી છે. દરમિયાન કટ અને પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ પણ ગયા મહિને ૧૦.૩૬ ટકા ઘટી ૭૭.૩૧ કરોડ ડોલર રહી હતી જે ૨૦૨૩ના ડિસેમ્બરમાં ૮૬.૨૪ કરોડ ડોલર જોવા મળી હતી. ભારત ખાતેથી ડાયમન્ડસની વૈશ્વિક માગ નબળી પડતા દેશમાં ડાયમન્ડના વેપાર પર અસર પડી છે. ડાયમન્ડની નિકાસ ઘટવા પાછળનું કારણ કૃત્રિમ ડાયમન્ડસ તરફથી વધી રહેલી સ્પર્ધા પણ એક કારણ રહેલું છે. 

રફ ડાયમન્ડસની આયાત ડિસેમ્બરમાં ૨૨ ટકા ઘટી રૂપિયા ૬૬૦૬૬.૪૯ કરોડ રહી હતી. વિશ્વ બજારમાં પોલિશ્ડ તથા કટ ડાયમન્ડસની માગ નીચી રહેતા ભારત દ્વારા રફ ડાયમન્ડસની આયાત નીચી રહી હોવાનું કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

લેબોરેટરીમાં વિકસાવાયેલા પોલિશ્ડ ડાયમન્ડસની કુલ નિકાસ ગયા મહિને રૂપિયા ૬૭૦.૭૭ કરોડ રહી હતી, જે ગયા વર્ષના ડિસેમ્બરની સરખામણીએ ૫.૪૮ ટકાની નીચી હતી. 

જો કે હમાસ તથા ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિમાં દેશમાંથી ડાયમન્ડસ તથા જેમ અને જવેલરીની નિકાસમાં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.