Get The App

GDP અંદાજમાં એક જ માસમાં બીજી વખત ઘટાડો

- ભારતીય રૂપિયો તળિયે પટકાતા ગોલ્ડમેને અંદાજમાં ઘટાડો કર્યો

- ૨૦૨૬માં રિઝર્વ બેન્ક રેપો રેટમાં અડધો ટકો વધારો કરશે તેવી પણ અપેક્ષા

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
GDP અંદાજમાં એક જ માસમાં બીજી વખત ઘટાડો 1 - image

મુંબઈ : ૨૦૨૬માં ભારતના આર્થિક વિકાસ દર (જીડીપી)ના પોતાના અંદાજમાં ગોલ્ડમેન સાચ્સે  એક જ મહિનામાં બીજી વખત ઘટાડો કર્યો છે અને સાથોસાથ વર્તમાન વર્ષમાં રેપો રેટમાં અડધા ટકાના વધારાની ધારણાં પણ મૂકી છે.

ભારતના રૂપિયામાં જોરદાર ઘસારાને ધ્યાનમાં રાખી ગોલ્ડમેને તેના અંદાજમાં ઘટાડો કર્યો છે. ઈરાન યુદ્ધ પહેલા ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ગોલ્ડમેને સાત ટકા મૂકયો હતો જેને યુદ્ધ બાદ ૧૩મી માર્ચે ઘટાડી ૬.૫૦ ટકા કરાયો હતો. જો કે યુદ્ધ વધુ ખેંચાતા અંદાજમાં ફરી ઘટાડો કરી ૫.૯૦ ટકા મુકાયો હોવાનું ગોલ્ડમેનના એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

ક્રુડ તેલના ભાવ અને પૂરવઠા ખલેલના સમયગાળાની અગાઉની ધારણાં બદલાઈ જતા ભારત માટેના અંદાજમાં ઘટાડો આવી પડયો છે. ક્રુડ તેલના ઊંચા ભાવ ભારત જેવા નેટ ઊર્જા આયાતકાર દેશ સામે મુખ્ય ફોરેકસ, ફુગાવા તથા રાજકોષિય જોખમ છે. 

હોર્મુઝ ખાડી મારફત ક્રુડ તેલનો પૂરવઠો જે લગભગ અટકી પડયો છે તે એપ્રિલના મધ્ય સુધી આમ જ રહેશે અને ત્યારપછીના ૩૦ દિવસમાં તેમાં સ્થિરતા આવવાની ગોલ્ડમેન અપેક્ષા રાખી રહ્યું છે. આવી સ્થિતિમાં માર્ચમાં ક્રુડ તેલનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૧૦૫ ડોલર અને એપ્રિલમાં ૧૧૫ ડોલર રહી બાદમાં ફરી પાછો વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ૮૦ ડોલર આવી જવાની ધારણાં છે.

ભારતમાં ફુગાવો વર્તમાન વર્ષમાં જે ૩.૯૦ ટકા રહેવા ધારણાં હતી તે હવે વધી ૪.૬૦ ટકા રહેવાનો અંદાજ છે. જો કે  તે રિઝર્વ બેન્કના ૨-૬ ટકાના ટાર્ગેટની અંદર છે. 

ભારતીય રૂપિયામાં ઘસારાને કારણે  ઊભા થઈ રહેલા દબાણને ખાળવા વર્તમાન વર્ષમાં રેપો રેટમાં ૫૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થવા ગોલ્ડમેન અપેક્ષા રાખી રહી છે. ડોલર સામે રૂપિયો ઘટી હાલમાં ૯૪ની નજીક પહોંચી ગયો છે.

૨૦૨૬માં દેશની ચાલુ ખાતાની ખાધ વધી જીડીપીના ૨ ટકા પહોંચવાની શકયતા છે જે ડિસેમ્બર, ૨૦૨૫ ત્રિમાસિકમાં ૧.૩૦ ટકા રહી હતી.