IPOઓ થકી એકત્રિત થયેલું ભંડોળ 17 વર્ષની ટોચે

મુંબઈ : સેકન્ડરી બજારની સાથોસાથ દેશમાં ઈક્વિટી પ્રાઈમરી માર્કેટમાં પણ નવા રેકોર્ડસ જોવા મળી રહ્યા છે. પ્રાઈમરી માર્કેટસના પ્રાપ્ત આંકડા પર નજર નાખીએ તો વર્તમાન સપ્તાહના ત્રણ મળીને ૨૦૨૪ના પ્રથમ છ મહિનાના અંત સુધીમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મારફત ૩૭ કંપનીઓએ રૂપિયા ૩૨૦૦૦ કરોડજેટલી રકમ ઊભી કરી લીધી હશે. આ અગાઉ ૨૦૦૭ના પ્રથમ છ મહિનામાં ૫૪ કંપનીઓએ આઈપીઓ મારફત રૂપિયા ૨૦૮૩૦ કરોડ જેટલી રકમ ઊભી કરી હતી.
આમ વર્તમાન વર્ષના પ્રથમ છ મહિના આઈપીઓની દ્રષ્ટિએ ૧૭ વર્ષ બાદ શ્રેષ્ઠ રહ્યા છે. ૨૦૦૭માં શેરબજારમાં આવેલી તેજી દરમિયાન ૫૪ કંપનીઓએ મૂડીબજારમાંથી રૂ. ૨૦,૮૩૩ કરોડ એકત્ર કર્યા હતા. પરંતુ ૨૦૨૨માં આઇપીઓ માર્કેટ તેની સર્વોચ્ચ સપાટીએ હતું, જ્યારે ૧૬ કંપનીઓએ ઇશ્યૂ દ્વારા રૂ. ૪૦,૩૧૧ કરોડ એકત્ર કર્યા હતા. તેમાં સરકારી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)નો આઇપીઓ પણ સામેલ હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ છે. આ ક્ષેત્રે ચાલુ વર્ષે ૨૦૨૨ પછીનો બીજો શ્રેષ્ઠ આંકડો મળ્યો છે.
જો આપણે ૨૦૨૨ના આંકડાઓમાંથી એલઆઇસી આઇપીઓ માટે મળેલી રકમને કાઢી નાખીએ, તો ૨૦૨૪ એ આઇપીઓ માર્કેટ માટે ઇશ્યુની સંખ્યા અને એકત્ર કરાયેલી રકમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, ભારતીય અને વિદેશી રોકાણકારોએ પુષ્કળ રોકડ ઠાલવી હતી, જેના કારણે ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તુલનામાં રોકાણમાં ચાર ગણો વધારો નોંધાયો હતો.
૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી પહેલા વિશ્વ બજાર પાછળ ભારતીય ઈક્વિટીસમાં પણ મોટી તેજી જોવા મળી હતી.
ગયા વર્ષના પ્રથમ છ મહિનાની સરખામણીએ વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં ઊભી કરાયેલી રકમનો આંક ચાર ગણો છે. વિદેશી તથા ઘરઆંગણેના રોકાણકારો તરફથી લિક્વિડિટીના ટેકાને પરિણામે આ શકય બન્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
વર્તમાન વર્ષના પ્રારંભથી જ દેશની સેકન્ડરી માર્કેટમાં મજબૂત રેલી જોવા મળી છે જેને કારણે પ્રાઈમરી બજારમાં પોઝિટિવ માનસ જોવા મળી રહ્યું છે. સેકન્ડરી માર્કેટની તેજી ઉપરાંત રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારાને પગલે કંપનીઓ પણ આઈપીઓ મારફત નાણાં ઊભા કરવા માટે હાલના સમયને સાનુકૂળ માની રહી છે.
ચૂંટણીના વર્ષની વાત કરીએ તો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે પ્રથમ છ મહિનામાં આઠ કંપનીઓએ રૂપિયા ૫૫૦૯ કરોડ જેટલી રકમ ઊભી કરી હતી અને ૨૦૧૪માં માત્ર એક જ આઈપીઓ જોવા મળ્યો હતો અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના વર્ષમાં બે ભરણાં મારફત રૂપિયા ૩૦૨ કરોડ ઊભા કરાયા હોવાનું પણ રિપોર્ટમાં નોધવામાં આવ્યું છે.




