Business

FPIની પુન: 'એન્ટ્રી' : સેન્સેક્સમાંં 1436ો પોઈન્ટનો ઉછાળો

By GS Team
3 Jan 20253 mins read
This article was originally published on 3 Jan 2025
FPIની પુન: 'એન્ટ્રી' : સેન્સેક્સમાંં 1436ો પોઈન્ટનો ઉછાળો

વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે જ ચાઈનીઝ બજારોમાં ખુલતાની સાથે ધબડકો

મુંબઈ : વર્ષ ૨૦૨૫ની ભારતીય શેર બજારોમાં ગઈકાલે તેજી સાથે શુભ શરૂઆત થયા બાદ આજે બીજા દિવસે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની વેચવાલી અટકીને ફરી ઈન્ડિયા એન્ટ્રી થઈ શેરોમાં મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સાથે ફ્રન્ટલાઈન ફાઈનાન્સ-બેંકિંગ, ઓટોમોબાઈલ, આઈટી શેરોમાં મોટી ખરીદી થતાં  તેજીનું ઘોડાપૂર સર્જાયું હતું. વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે આતંકવાદી હુમલાઓના કારણે ટેન્શને જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકા અને બીજી તરફ ચાઈનીઝ શેર બજારો આજે વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે ખુલતાની સાથે ધડાકાભેર તૂટી વર્ષ ૨૦૧૬ બાદની સૌથી ખરાબ શરૂઆત બતાવતાં વિદેશી રોકાણકારોનું ભારતીય બજારોમાં રોકાણ આકર્ષણ વધવાના અંદાજોએ આજે આક્રમક તેજી જોવાઈ હતી. સેન્સેક્સ  ઈન્ટ્રા-ડે ૮૦૦૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૮૦૦૩૨.૮૭ સુધી પહોંચી અંતે ૧૪૩૬.૩૦ પોઈન્ટ ઉછળી ૭૯૯૪૩.૭૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ  ઉપરમાં ૨૪૨૨૬.૭૦ સુધી જઈ અંતે ૪૪૫.૭૫ પોઈન્ટ ઉછળીને ૨૪૧૮૮.૬૫ બંધ રહ્યા હતા. 

 ચાઈનાના શાંઘાઈ શેર બજારનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૧૪.૫૧ પોઈન્ટ તૂટીને ૩૮૨૦.૪૦, હોંગકોંગનો હેંગસેંગ ૪૩૬.૬૩ પોઈન્ટ તૂટીને ૧૯,૬૨૩.૩૨, જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૮૬.૬૨ પોઈન્ટ તૂટીને ૩૯૮૯૪.૫૪ રહ્યા હતા. યુરોપના બજારોમાં પણ સાંજે નરમાઈ  રહી હતી.

ઓટો શેરો ઉછળ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના ડિસેમ્બર મહિનાના વેચાણ વૃદ્વિના આંકડા સારા આવતાં ઓટો શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ઓલ રાઉન્ડ તોફાની તેજી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૧૧.૮૦ પોઈન્ટની છલાંગે ૫૪૨૧૨.૬૬ બંધ રહ્યો હતો.  મારૂતી સુઝુકી રૂ.૬૧૬.૩૫ ઉછળી રૂ.૧૧,૮૩૭.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૨૯.૩૦ ઉછળી રૂ.૩૨૧૦,બજાજ ઓટો રૂ.૩૩૧.૯૦ ઉછળી રૂ.૯૦૭૨.૫૦,  ટાટા મોટર્સ રૂ.૧૫.૭૦ વધીને રૂ.૭૬૪.૯૫ રહ્યા હતા.

ફાઈનાન્સ શેરો ઉછળ્યા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ફંડોએ આજે ફરી આક્રમક લેવાલી શરૂ કરતાં વ્યાપક તેજીનું તોફાન સર્જાયું હતું. બજાજ ફિનસર્વ રૂ.૧૨૩.૯૦ ઉછળી રૂ.૧૭૦૦.૬૦,  બજાજ ફાઈનાન્સ રૂ.૪૫૧.૦૫ વધીને રૂ.૭૩૮૭.૭૦, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૧૨૮.૨૫ વધીને રૂ.૩૦૪૫, એસબીઆઈ કાર્ડ રૂ.૨૫.૩૫ વધીને રૂ.૭૦૩ રહ્યા હતા.

બેંકેક્સ ૬૪૩ પોઈન્ટ ઉછળ્યો 

બેંકિંગ શેરોમાં આક્રમક ખરીદીએ ફંડોની પસંદગીની આક્રમક ખરીદી થઈ હતી. કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૭.૯૫ વધીને રૂ.૧૮૩૬, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૩.૬૫ વધીને રૂ.૯૯૨.૮૫, એક્સિસ બેંક રૂ.૧૩.૫૫ વધીને રૂ.૧૦૮૫.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૭૦ વધીને રૂ.૮૦૧.૦૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૯૦ વધીને રૂ.૧૭૯૩.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૪૨.૯૫ પોઈન્ટ ઉછળી ૫૮૫૫૫.૮૩ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૧૦૦૦ ઉછળ્યો 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે ઘટાડે ફંડોએ આક્રમક ખરીદી કરતાં અનેક શેરોના ભાવો ઉછળવા સાથે બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૦૦.૧૫ પોઈન્ટની છલાંગે ૪૪૨૫૯.૫૭ બંધ રહ્યો હતો. ઈન્ફોસીસ રૂ.૭૫ વધીને રૂ.૧૯૫૭.૬૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૫૮.૨૫ વધીને રૂ.૧૯૭૧.૪૦, ટીસીએસ રૂ.૭૧.૪૫ વધીને રૂ.૪૧૮૪.૨૫ રહ્યા હતા.

કન્ઝયુમર શેરોમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમા ંપણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૩૦૭.૨૧ પોઈન્ટની છલાંગે ૬૫૯૮૭.૮૬ બંધ રહ્યો હતો. ટાઈટન કંપની રૂ.૧૩૭.૩૫ ઉછળી રૂ.૩૩૯૧.૪૦, બ્લુ સ્ટાર રૂ.૨૭.૧૦ વધીને રૂ.૨૨૯૧.૬૫ રહ્યા હતા.

ઓઈલ શેરોમાં તેજી

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત મજબૂત થતાં રહી આજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧.૦૬ ડોલર ઉછળી ૭૫.૭૦ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧.૦૪ ડોલર વધીને ૭૨.૭૬ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની સિલેક્ટિવ ખરીદી રહી હતી. ઓએનજીસી રૂ.૯ વધીને રૂ.૨૪૬, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦ વધીને રૂ.૧૩૪૧.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૧૬.૩૮ પોઈન્ટ વધીને ૨૬,૪૨૫.૧૨ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં તેજી 

ચાઈનાના નબળા સમાચારો છતાં સ્થાનિકમાં મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની પસંદગીની લેવલી રહી હતી. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૮૮.૮૧ પોઈન્ટ વધીને ૨૯૧૪૮.૦૫ બંધ રહ્યો હતો.  કોલ ઈન્ડિયા રૂ.૬.૪૫ વધીને રૂ.૩૯૨.૯૫, હિન્દાલ્કો રૂ.૭.૫૫ વધીને રૂ.૬૦૦.૬૦, નાલ્કો રૂ.૨.૩૫ વધીને રૂ.૨૧૬.૫૦, ટાટા સ્ટીલ રૂ.૧.૪૦ વધીને રૂ.૧૩૮.૧૫ રહ્યા હતા.

DIIની રૂ.૨૨ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની એકધારી વેચવાલી અટકીને ફરી ભારતીય શેર બજારોમાં ખરીદદાર બન્યા સાથે આજે  ગુરૂવારે કેશમાં રૂ.૧૫૦૬.૭૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૩,૪૦૨.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૯૬.૧૦કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૨.૧૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૧૭૬.૫૮કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૧૫૪.૪૪ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૬ લાખ કરોડ વધી

મહારથીઓ, લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ઓપરેટરોની આજે ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજીએ શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૦૪ લાખ કરોડ વધીને રૂ.૪૫૦.૪૭  લાખ કરોડ પહોંચી ગયું હતું.