FPIની રૂ.7171 કરોડની વેચવાલી : સ્મોલ, મિડ કેપમાં ગાબડાં : સેન્સેક્સ 528 પોઈન્ટ તૂટી 77620

મુંબઈ : વૈશ્વિક મોરચે ચાઈનામાં કન્ઝયુમર ભાવો નબળા પડતાં ડિફલેશનની ચિંતા વધતાં અને બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશીની તૈયારીએ વૈશ્વિક વેપારમાં પડકારો વધવાની શકયતા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વધવાના ભયે વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈની સાથે ભારતીય શેર બજારોમાં આજે વિદેશી ફંડોએ શેરોમાં સતત વેચવાલ બનતાં અવિરત વ્યાપક કડાકો બોલાયો હતો. શેરોમાં રોકાણકારોની મૂડીના સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત થઈ રહેલા ધોવાણ અને હવે નેગેટીવ વળતરના દિવસો દેખાવા લાગતાં બજારમાં ગભરાટરૂપી વેચવાલી વધતી જોવાઈ હતી. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આજે આઈટી જાયન્ટ ટીસીએસના એકંદર સારા પરિણામ છતાં આઈટી શેરોમાં ઓફલોડિંગ અને ઓઈલ-ગેસ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર શેરોમાં નવા ગાબડાં પડયા હતા. સેન્સેક્સ ૫૨૮.૨૮ પોઈન્ટ તૂટીને ૭૭૬૨૦.૨૧ અને નિફટી સ્પોટ ૧૬૨.૪૫ પોઈન્ટ ગબડી ૨૩૫૨૬.૫૦ બંધ રહ્યા હતા. આ સાથે સતત થઈ રહેલા ધોવાણે બજારના સમીક્ષકો ખરાબ સંજોગોમાં નિફટીમાં નીચામાં ૨૨૫૦૦ અને સેન્સેક્સમાં ૭૪૫૦૦ સુધીની શકયતા જોવા માંડયા હતા.
ટીસીએસનો નફો ૧૨ ટકા વધ્યા છતાં શેર રૂ.૭૧ તૂટી રૂ.૪૦૩૬ : સિગ્નિટી, ડિ-લિન્ક, ડાટામેટિક્સ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ટીસીએસનો ત્રિમાસિક નફો ૧૨ ટકા વધીને આવ્યા છતાં શેરમાં વેચવાલીએ રૂ.૭૦.૮૫ ઘટીને રૂ.૪૦૩૬.૬૫ રહ્યો હતો. સિગ્નિટી રૂ.૬૭.૮૦ તૂટીને રૂ.૧૬૬૭.૫૦, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૫૩૧.૦૫, ડાટામેટિક્સ રૂ.૨૧.૬૫ ઘટીને રૂ.૬૬૧.૯૦, ઝેગલ રૂ.૧૬ ઘટીને રૂ.૫૧૬.૨૫, કોફોર્જ રૂ.૨૭૧.૨૦ તૂટીને રૂ.૯૨૭૬.૮૦, ઈમુદ્રા રૂ.૨૧.૮૫ ઘટીને રૂ.૯૨૩.૬૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૬૪.૧૫ તૂટીને રૂ.૧૧,૭૧૯.૭૫, રામકો સિસ્ટમ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૪૦૪.૭૫, વિપ્રો રૂ.૫.૩૫ ઘટીને રૂ.૨૯૨.૧૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૭૯.૮૩ પોઈન્ટ ગબડીને ૪૨૯૯૨.૪૪ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૨૦ પોઈન્ટ તૂટયો : સુઝલોન, આઈનોક્સ વિન્ડ, લાર્સન, કેઈન્સ તૂટયા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે લાર્સન એન્ડ ટુબ્રો સહિતમાં ઓફલોડિંગે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૧૯.૬૨ પોઈન્ટ તૂટીને ૬૫૩૫૫.૬૯ બંધ રહ્યો હતો. સુઝલોન એનજીૅ રૂ.૨.૧૩ ઘટીને રૂ.૫૭.૯૧, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૯૫ ઘટીને રૂ.૧૬૩, કેઈન્સ રૂ.૨૩૫.૭૦ તૂટીને રૂ.૬૭૨૮.૨૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૭૭.૭૫ તૂટીને રૂ.૬૪૮૨.૩૦, ભેલ રૂ.૫.૬૫ ઘટીને રૂ.૨૧૬.૪૦, એનબીસીસી રૂ.૨.૧૭ ઘટીને રૂ.૮૭.૭૨, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૬૭.૫૦ ઘટીને રૂ.૩૫૨૮.૬૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૬.૮૫ ઘટીને રૂ.૩૧૦૭.૧૦ રહ્યા હતા.
ક્રુડના ભાવ ઘટતાં ઓઈલ ઈન્ડિયા રૂ.૨૫ તૂટી રૂ.૪૬૭ : ઓએનજીસી, ગેઈલ, ઓએનજીસીમાં પ્રોફિટ બુકિંગ
અમેરિકામાં ગેસોલીનનો સ્ટોક વધીને આવતાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવી બ્રેન્ટ ક્રુડના ૭૬.૫૩ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૭૩.૬૬ ડોલર નજીક આવી જતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી મોટી વેચવાલી થઈ હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૨૪.૭૫ તૂટીને રૂ.૪૬૬.૮૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૭.૪૫ ઘટીને રૂ.૧૮૩.૧૦, અદાણી ટોટલ ગેસ રૂ.૨૨.૨૫ તૂટીને રૂ.૬૮૧.૯૫, ઓએનજીસી રૂ.૮.૧૫ ઘટીને રૂ.૨૬૩.૧૦, બીપીસીએલ રૂ.૬.૬૫ ઘટીને રૂ.૨૮૦.૧૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૩૨.૨૫, એચપીસીએલ રૂ.૬.૧૫ ઘટીને રૂ.૩૮૪.૯૫ રહ્યા હતા.
એચડીએફસી બેંક રૂ.૨૬ ઘટીને રૂ.૧૬૬૭ : ધની સર્વિસિઝ, સ્પન્દના, સ્ટેટ બેંક, કેનેરામાં પ્રોફિટ બુકિંગ
બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરોમાં પણ ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. એચડીએફસી બેંક રૂ.૨૬.૪૦ તૂટીને રૂ.૧૬૬૭.૭૫, યશ બેંક રૂ.૧૮.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૭૬૦.૩૫, કેનેરા બેંક રૂ.૧.૩૫ ઘટીને રૂ.૯૫.૭૫, એક્સિસ બેંક રૂ.૧૩.૪૫ ઘટીને રૂ.૧૦૬૧.૫૫, ધની સર્વિસિઝ રૂ.૬.૫૪ તૂટીને રૂ.૯૫.૭૪, સ્પન્દના સ્ફૂર્તિ રૂ.૨૫.૨૦ તૂટી રૂ.૪૫૦.૮૦, હુડકો રૂ.૧૧.૨૦ તૂટીને રૂ.૨૨૭.૨૦, પોલીસી બઝાર રૂ.૮૩.૯૦ ઘટીને રૂ.૧૯૧૯, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૮૫૨.૫૫ ઘટીને રૂ.૧૮,૧૨૪.૦૫ રહ્યા હતા.
રિયાલ્ટી શેરોમાં ઓફલોડિંગ : સિગ્નેચર, ફિનિક્સ, શોભા ડેવલપર્સ, લોઢા ડેવલપર્સ, પ્રેસ્ટિજ ઘટયા
શેરોમાં મંદી સાથે રિયાલ્ટી ક્ષેત્રે પણ માંગ મંદ પડવાની આશંકાએ રિયાલ્ટી કંપનીઓના શેરોમાં નવેસરથી ગાબડાં પડયા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૨૩૨.૮૦ પોઈન્ટ તૂટીને ૭૭૯૫.૩૬ બંધ રહ્યો હતો. સિગ્નેચર રૂ.૫૩.૩૫ તૂટી રૂ.૧૩૦૮.૮૦, ફિનિક્સ રૂ.૫૯.૫૦ તૂટીને રૂ.૧૬૩૭.૦૫, શોભા ડેવલપર્સ રૂ.૪૯.૭૦ ઘટીને રૂ.૧૩૮૩.૭૦, લોઢા ડેવલપર્સ રૂ.૪૩.૬૦ ઘટીને રૂ.૧૩૦૭.૯૦, પ્રેસ્ટિજ રૂ.૪૬.૦૫ ઘટીને રૂ.૧૫૨૦.૫૦, ડીએલએફ રૂ.૨૨.૨૫ ઘટીને રૂ.૭૮૦, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૩.૩૦ ઘટીને રૂ.૧૧૮૪.૧૦ રહ્યા હતા.
ફંડો સાથે રિટેલ ઈન્વેસ્ટરોનું પેનીક સેલિંગ થતાં સ્મોલ, મિડ કેપ શેરો વ્યાપક ગાબડાં : ૨૮૨૬ શેરો નેગેટીવ
સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડોની સાથે ખેલંદાઓ, રિટેલ ઈન્વેસ્ટરોનું પેનીક સેલિંગ થતાં ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૧૧૪૪ અને ઘટનારની સંખ્યા ૨૮૨૬ રહી હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૧૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૩૫.૪૯ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીના કડાકા સાથે અનેક શેરોમાં હેમરિંગે ભાવો પત્તાના મહેલની માફક તૂટવાના પરિણામે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૬ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૪૩૯.૫૯ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૭૧૭૧ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૬૪૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં રૂ.૭૧૭૦.૮૭ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૫૩૭.૦૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૭૦૭.૯૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૭૬૩૯.૬૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૬,૭૨૭.૬૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૦૮૮ કરોડની વેચવાલી થઈ હતી.




