Business

વિદેશી રોકાણકારોની STT, LTCG દૂર કરવા રજૂઆત

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં સરકારે દેશમાં મૂડીપ્રવાહ વધારવા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) સાથે બેઠક યોજી હતી. FPIsએ KYC ધોરણો અને ટેક્સ રિફંડ પ્રક્રિયા સરળ બનાવવા રજૂઆત કરી. વિદેશી ફંડોએ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) નાબૂદ કરવાની માંગ કરી. રાહતના પગલે બોન્ડ બજારમાં નવું રોકાણ જોવા મળી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી રોકાણકારોની STT, LTCG દૂર કરવા રજૂઆત

દેશમાં મૂડીપ્રવાહ વધારવા સરકારની એફપીઆઈ સાથે બેઠક
વિદેશી ફન્ડોએ નો યોર કલાયન્ટસ (કેવાયસી) ધોરણોને અને ટેકસ રિફન્ડ પ્રક્રિયાને સરળ બનાવવા કરેલી રજૂઆત : રાહતના પગલે બોન્ડ બજારમાં નવું રોકાણ
મુંબઈ : ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા તથા ક્રુડ તેલના ઊંચા ભાવને પરિણામે રૂપિયા પર આવેલા દબાણને ધ્યાનમાં રાખી ભારત સરકાર વિદેશમાંથી ડોલર પ્રવાહ વધારવા વિવિધ ઉપાયો કરી રહી છે. આ ઉપાયોના ભાગરૂપ સરકારે ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) સાથે ચર્ચાસત્ર શરૂ કર્યુ છે.ભારતમાં સક્રિય એફપીઆઈસમાંથી કેટલાક એફપીઆઈસના પ્રતિનિધિઓ સાથે સરકારી અધિકારીઓએ વર્તમાન સપ્તાહમાં બેઠક કરી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન સપ્તાહમાં યોજાઈ ગયેલી બેઠકમાં વિદેશી રોકાણકારોની વિવિધ માગોમાં મુખ્ય માગ વેરામાં કપાત સંદર્ભની હતી એમ બેઠકમાં હાજર સરકારી સુત્રોએ જણાવ્યું હતું. વેરા કપાતમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (એલટીસીજી) ટેકસ તથા સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી) નાબૂદ થાય તેમ વિદેશી રોકાણકારો ઈચ્છી રહ્યા છે.
૨૦૧૭ સુધી લિસ્ટેડ સિક્યુરિટીઝને એલટીસીજી ટેકસમાંથી મુક્તિ અપાયેલ હતી. જો કે ૨૦૧૭થી તેને ફરી લાગુ કરાયો છે અને તેનો દર પણ ૧૦ ટકાથી વધારી ૨૦૨૪ના બજેટમાં ૧૨.૫૦ ટકા કરાયો છે. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં સરકારે એફએન્ડઓ પરના એસટીટી દરમાં જોરદાર વધારો કર્યો છે. ફ્યુચર્સ પરનો એસટીટી ૦.૦૨ ટકા પરથી ૧૫૦ ટકા વધારી ૦.૦૫ ટકા કર્યો છે.
સરકારે તાજેતરમાં ડેબ્ટ સિક્યુરિટીઝમાં વિદેશી ફન્ડોને નફા પર ટેકસની ચૂકવણીમાંથી મુક્તિ આપી છે. આ નિર્ણયને કારણે બોન્ડ બજારમાં નવા ઈન્વેસ્ટમેન્ટમાં વધારો જોવા મળી રહ્યો છે, એમ સદર બેઠકમાં વિદેશી રોકાણકારો વતિ રજૂઆત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
આવોજ નિર્ણય જો ઈક્વિટીસ માટે લેવાશે તો તેમાં જંગી ઈન્ફલોસ આવશે એવી પણ ખાતરી ઉચ્ચારવામાં આવી હતી.
વિદેશી ફન્ડોએ નો યોર કલાયન્ટસ (કેવાયસી) ધોરણોને સરળ બનાવવા સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને સૂચન કર્યુ હતું. એક ફન્ડના રજિસ્ટ્રેશન વખતે ડિજિટલ દસ્તાવેજો સ્વીકારવા સેબીને વિનંતી કરવામાં આવી હોવાનું પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. એફપીઆઈ માટે ટેકસ રિફન્ડ પ્રક્રિયાને સરળ બનાવવા પણ સરકારને અનુરોધ કરાયો હતો.