Business

સતત ત્રીજા મહિને ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની સરેરાશ કરતા પણ નીચો

By GS Team
11 Jun 20261 min read
સતત ત્રીજા મહિને ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની સરેરાશ કરતા પણ નીચો

મુંબઈ : મેમાં સતત ત્રીજા મહિને નવા ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની માસિક સરેરાશ કરતા નીચો રહ્યો છે. ભારતીય ઈક્વિટી બજારમાં વોલેટિલિટી વચ્ચે રિટેલ રોકાણકારો હાલમાં મૂડી બજાર પ્રત્યે ઓછા આકર્ષાઈ રહ્યાનું આના પરથી સંકેત મળી રહ્યા છે.

૨૦૨૫માં દર મહિને સરેરાશ ૨૫ લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા હતા જ્યારે વર્તમાન વર્ષમાં મેમાં સતત ત્રીજા મહિને ઉમેરાનો આંક ગયા વર્ષની સરેરાશ કરતા નીચો રહ્યો છે. મેમાં ૨૩ લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા હોવાનું સિક્યુરિટીઝ   એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા જણાવે છે.

ભારતીય ઈક્વિટીમાં સતત વોલેટિલિટી ઉપરાંત ભૌગોલિક રાજકીય તાણને કારણે રોકાણકારોનું મૂડી બજાર તરફ આકર્ષણ ઓછું થઈ રહ્યું છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

અમેરિકા, ઈરાન તથા ઈઝરાયેલને સંડોવતા તાજેતરના યુદ્ધને કારણે ક્રુડના ભાવ ઊંચે ગયા છે, જેને પરિણામે ફુગાવા તથા રાજકોષિય દબાણની ચિંતા ઊભી થઈ છે. હજુ થોડાક સમય સુધી આવી જ સ્થિતિ જોવા મળશે. ભૌગોલિકરાજકીય તાણ ઉપરાંત કંપનીઓની નબળી કામગીરી તથા ફુગાવાને કારણે બચતમાં થઈ રહેલા ઘટાડા જેવા કારણોસર રોકાણકારો મૂડી  બજારથી હાલમાં દૂર રહેશે.આ ઉપરાંત રોજગારને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાને પરિણામે પણ નવા યુવાવર્ગનું  મૂડી બજાર પ્રત્યે આકર્ષણ ઓછું થયું છે. 

ડીમેટ ખાતાની એકંદર સંખ્યા ૨૨.૯૦ કરોડ રહી છે.