Business

ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે

By GS Team
22 May 20261 min read
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને રૂ. ત્રણ લાખ કરોડ ડિંવિડન્ડ આપશે

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની બોર્ડની આવતી કાલે મળી રહેલી બેઠકમાં ગત નાણાં વર્ષ પેટે સરકારને રૂપિયા ૩ ટ્રિલિયનનું રેકોર્ડ ડિવિડન્ડ જાહેર કરવામાં આવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. 

પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે સરકારની તિજોરી પર આવી પડેલા ભારણ સમયે આ ડિવિડન્ડ સરકાર માટે ટેકારૂપ બની રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

રિઝર્વ બેન્ક રૂપિયા ૩ ટ્રિલિયન જેટલું  ડિવિડન્ડ  જાહેર  કરશે તેવી અપેક્ષા હોવાનું એક એનાલિસ્ટે જ  જણાવ્યું  હતું.  નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે રિઝર્વ બેન્કે સરકારને રૂપિયા ૨.૭૦ ટ્રિલિયનનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. 

ફોરેકસ કામકાજ, વ્યાજ મારફતની આવક તથા સોનાના ઊંચા ભાવને કારણે  રિઝર્વ બેન્ક પાસે બચનારી પુરાંત સરકારને ટ્રાન્સફર થવાથી સરકાર પર ઉછીના નાણાં મેળવવાનું દબાણ હળવું થશે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક હેઠળ પુરાંતની રકમ નિશ્ચિત કરવામાં આવે છે. સદર ફ્રેમવર્ક રિઝર્વ બેન્કની બેલેન્સ શીટના ૪.૫૦ ટકાથી ૭.૫૦ ટકાની રેન્જમાં   આકસ્મિક સમય માટેનું બફર જાળવવાનું ફરજિયાત છે.