Business

જુલાઈમાં પણ એફઆઈઆઈની ભારતીય ઈક્વિટીમાં નેટ લેવાલી

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ભારતીય ઇક્વિટીઝમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની ખરીદી જુલાઈમાં પણ ચાલુ રહી છે. FIIs મુખ્યત્વે કન્ઝ્યુમર સર્વિસીઝ, મેટલ્સ અને માઇનિંગ, તથા હેલ્થકેર સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે. જુલાઈ 21 સુધીમાં FIIsનો નેટ ઇન્ફ્લો રૂપિયા 15390 કરોડ રહ્યો હતો. ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને સારા કંપની પરિણામોને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુલાઈમાં પણ એફઆઈઆઈની ભારતીય ઈક્વિટીમાં નેટ લેવાલી

કન્ઝયૂમર સર્વિસીઝ, મેટલ્સ તથા માઈનિંગ અને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં આકર્ષણ
મુંબઈ : જૂનના પાછલા પખવાડિયા બાદ જુલાઈમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદી જોવા મળી છે. ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈ મુખ્યત્વે કન્ઝયૂમર સર્વિસીઝ, મેટલ્સ તથા માઈનિંગ અને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં નાણાં ઠાલવી રહ્યાનું સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા પરથી જણાય છે.
દેશના આર્થિક નિર્દશાંકોમાં મજબૂતાઈ ઉપરાંત જૂન ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામો પ્રોત્સાહક રહેતા જુલાઈમાં એફઆઈઆઈની ખરીદી જળવાઈ રહી હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
જુલાઈ ૨૧ સુધીમાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈનો નેટ ઈન્ફલોસ રૂપિયા ૧૫૩૯૦ કરોડ રહ્યો હતો જે જૂનના પાછલા પખવાડિયામાં રૂપિયા ૧૪૦૨૦ કરોડ જોવા મળ્યો હતો. જોકે જૂનમાં એકંદરે નેટ વેચવાલ રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી તણાવ ઊભો થતા જુલાઈના કેટલાક દિવસોમાં વિદેશી રોકાણકારોની વેચવાલી પણ જોવા મળી છે. આ ઉપરાંત ટ્રમ્પે વિવિધ દેશો પર નવેસરથી ટેરિફ લાગુ કરવાનું શરૂ કરતા શેરબજારમાં રોકાણકારોનું માનસ ખરડાવાની શકયતા નકારાતી નથી.
ઓટોમોબાઈલ, ઓટો કમ્પોનેન્ટસ તથા કેપિટલ ગુડસ જેવા ક્ષેત્રોમાં એફઆઈઆઈનું ઓફ્ફલોડિંગ જોવાઈ રહ્યું છે. ભારતીય ઈક્વિટીસમાં દરેક ક્ષેત્રમાં રોકાણ કરવાને બદલે વિદેશી રોકાણકારો નિશ્ચિત ક્ષેત્રને પસંદ કરી રહ્યા છે. ભારતના સ્ટોકસના વેલ્યુએશન પણ હાલમાં આકર્ષક સ્તરે છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક પડકારો વચ્ચે મજબૂત જોવા મળી રહ્યું છે, જેને કારણે પણ વિદેશી રોકાણકારો ઊભરતા દેશોમાં ભારતને પ્રાધાન્ય આપી રહ્યા છે.
નાણાં વર્ષ ૨૦૨૬માં વિદેશી રોકાણકારોની ભારતીય ઈક્વિટિસમાં ૨૦ અબજ ડોલરની વેચવાલી આવી હતી.
રિઝર્વ બેન્ક તથા ભારત સરકાર દેશમાં વિદેશી મૂડી પ્રવાહ આકર્ષવા વિવિધ પગલાં લઈ રહી છે તેને જોતા પણ ભારતના અર્થતંત્ર સંદર્ભમાં એફઆઈઆઈના વિશ્વાસમાં વધારો થયો છે.