એકધારી વેચવાલી બાદ એફઆઈઆઈની જુલાઈ માસમાં ઈક્વિટીમાં નવી ખરીદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અનિશ્ચિતતા વચ્ચે વિદેશી રોકાણકારોના વ્યૂહમાં બદલાવ
મુંબઈ : સતત બે મહિના સુધી ભારતીય ઈક્વિટીસમાં વેચવાલીનો મારો ચલાવ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈસ) જુલાઈમાં નેટ ખરીદદાર રહ્યા હતા. વિદેશી રોકાણકારોએ જુલાઈમાં રૂપિયા ૨૦૧૯૯ કરોડની નેટ ખરીદી કરી હતી જે જૂનમાં રૂપિયા ૪૯૩૪૧ કરોડનો નેટ આઉટફલોસ રહ્યો હતો.
ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોનું મુખ્ય આકર્ષણ કન્ઝયૂમર સર્વિસીઝ, હેલ્થકેર તથા કન્ઝયૂમર ડયૂરેબલ્સમાં રહ્યું છે. બીજી બાજુ વિદેશી રોકાણકારોએ કેપિટલ ગુડસ, ટેલિકોમ તથા ઓટોમોબાઈલ્સમાંથી રોકાણ પાછા ખેંચવાનો વ્યૂહ બનાવ્યો હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
ભારતીય ઈક્વિટીસ સંદર્ભમાં વિદેશી રોકાણકારો આક્રમક ખરીદી કરવાને બદલે સાવચેતીપૂર્ણ રીતે આગળ વધી રહ્યા હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. ભારતમાં રિટેલ માગ મજબૂત જોવા મળી રહી છે જેને પરિણામે એફઆઈઆઈ કન્ઝયૂમર ડયૂરેબલ્સ તથા કન્ઝયૂમર સર્વિસીઝમાં રોકાણ વધારી રહી છે.
ગ્રામ્ય માગના ટેકા સાથે ભારતની ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) માર્કેટમાં જૂન ત્રિમાસિક ગાળામાં મૂલ્યની દ્રષ્ટિએ ૬.૮૦ ટકા વધારો થયો છે જે માર્ચ ત્રિમાસિકમાં ૩.૬૦ ટકા જોવા મળ્યો હતો.
આરોગ્ય બાબતે લોકોમાં આવી રહેલી જાગૃતિને પરિણામે આરોગ્ય સંભાળ પાછળ ઉપભોગતાના ખર્ચમાં પણ વધારો થયો છે જેનો લાભ હેલ્થકેર ક્ષેત્રને થઈ રહ્યો હોવાની ગણતરીએ એફઆઈઆઈ તેમાં નાણાં ઠાલવી રહી છે.
હાલની ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે કંપનીઓ ખાસ કરીને માળખાકીય તથા કેપિટલ ગુડસ ક્ષેત્રની કંપનીઓ મૂડીખર્ચ કરવાનું ટાળી રહી છે, અથવા તેમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે. બીજી બાજુ ઉપભોગતા રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓ પાછળ સતત નાણાં ખર્ચી રહ્યા હોવાથી વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ વ્યૂહમાં બદલાવ જોવાઈ રહ્યો હોવાનું રિપોર્ટમાં નોધવામાં આવ્યું છે.









