Business

ખર્ચનું દબાણ અને અપેક્ષાથી વધુ સારા પ્રતિસાદને પગલે FCNR સ્કીમ મુદત પહેલા બંધ કરાઈ

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
રિઝર્વ બેન્કે FCNR-B સ્કીમ અપેક્ષાથી વધુ પ્રતિસાદ અને વધતા ખર્ચને કારણે વહેલી બંધ કરી. મુંબઈમાં આ સ્કીમ 30 સપ્ટેમ્બરને બદલે 31 ઓગસ્ટે સમાપ્ત થઈ. 13 ઓગસ્ટ સુધીમાં 52.30 અબજ ડોલરનો પ્રવાહ આવ્યો, છતાં રૂપિયામાં ખાસ સુધારો થયો નથી. નિષ્ણાતોના મતે, ઊંચો ખર્ચ મુખ્ય કારણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખર્ચનું દબાણ અને અપેક્ષાથી વધુ સારા પ્રતિસાદને  પગલે FCNR સ્કીમ મુદત પહેલા બંધ કરાઈ

આ સ્કીમના પગલે ડોલરનો જંગી પ્રવાહ ઠલવાયો હોવા છતાં રૂપિયામાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો નથી
મુંબઈ : અપેક્ષા કરતા જોરદાર પ્રતિસાદ અને સ્કીમને જાળવવા પાછળના ખર્ચમાં વધારાને પરિણામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર) બેન્ક સ્કીમને મુદત પહેલા જ બંધ કરી દેવાનો અચાનક નિર્ણય લેવો પડયો હોવાનો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. મૂળ મુદત પ્રમાણે સદર સ્કીમ ૩૦ સપ્ટેમ્બર સુધીની હતી. પરંતુ ૧૪ ઓગસ્ટે રિઝર્વ બેન્કે તેને ૩૧ ઓગસ્ટ સુધી જ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
૧૩ ઓગસ્ટ સુધીમાં સદર સ્કીમ હેઠળ ૫૨.૩૦ અબજ ડોલરનો ઈન્ફલો જોવા મળ્યો હતો.
હજુ એક સપ્તાહ પહેલા જ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્કીમ વહેલી બંધ કરવાની કોઈ યોજના નહીં હોવાનું જાહેર કર્યુ હતું. જો કે નિષ્ણાતોના મત પ્રમાણે સ્કીમ હેઠળ મેળવાયેલા ડોલરની જાળવણી પેટે ઊચા ખર્ચ તથા અપેક્ષા કરતા વધુ સારા પ્રતિસાદને કારણે સ્કીમ વહેલી બંધ કરી દેવાઈ છે.
ખર્ચની અસર સિવાય મને અન્ય કોઈ કારણ જણાતું નથી એમ એક ખાનગી બેન્કના ટ્રેઝરી વિભાગના વડાએ જણાવ્યું હતું.
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ આસમાને જતા ભારતીય રૂપિયા પર દબાણ આવ્યું છે અને ચૂકવણીની સમતુલા પણ લથડી ગઈ હતી જેને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે ડોલર પ્રવાહ વધારવા કેટલીક શરતો સાથે એફસીએનઆર - બી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી હતી.
આ સ્કીમનો લાભ લઈ બેન્કોએ પણ નોંધપાત્ર ડોલર ઊભા કર્યા હતા. ડોલર ડીપોઝિટસ પરની વ્યાજ મર્યાદા રિઝર્વ બેન્કે કાઢી નાખી હતી. બેન્કોએ એફસીએનઆર-બી થાપણના દર ૭.૮૦ ટકા સુધી વધારી દીધા હતા જે ખર્ચાળ સાબિત થઈ શકે છે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતં.
૩૦ સપ્ટેમ્બરના સ્કીમ બંધ થવા સુધીમાં ૭૦ અબજ ડોલર એકત્રિત થવાની અપેક્ષા રખાતી હતી.
બિનનિવાસી ભારતીયોને પ્રોત્સાહિત કરી વધુ ડોલર આકર્ષવા જૂનમાં લેવાયેલો નિર્ણય જો માત્ર રૂપિયામાં વિશ્વાસ વધારવા માટે જ લેવાયો હશે તો તે ઘણો જ ખર્ચાળ હોવાનું કહી શકાશે એમ આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે તાજેતરમાં જણાવ્યું હતું.
એફસીએનઆર ડીપોઝિટ એક જોતા ઉધારમાં લીધેલા ડોલર છે અને પાકતી મુદતે તે પરત કરવાના રહેશે. ખરેખર તો આપણે વિશ્વાસ પ્રસ્થાપિત થાય તેવા પ્રવાહની આવશ્યકતા છે. ફોરેન ડાયરેકટ અને પોર્ટફોલિઓ ઈન્વેસ્ટમેન્ટ જેવા વિશ્વાસ વધારતા પગલાંની આપણને જરૂરિયાત છે.
સ્કીમ હેઠળ ડોલરના પ્રવાહ છતાં રૂપિયામાં ખસા મજબૂતાઈ જોવા મળી નથી જ્યારે ૨૦૧૩માં લેવાયેલા આવા જ પ્રકારના પગલાંને કારણે રૂપિયો સાત ટકા સુધર્યો હતો. હાલમાં રૂપિયો હજુ પણ ૯૫.૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. ૧૪ જૂનના રોજ તે ૯૫.૧૫ આસપાસ હતોે.