Business

રિયલ લાઇફ હીરો નાના પાટેકરની વિદાય, ફિલ્મના પોસ્ટર રંગવાથી લઈને કારગિલ યુદ્ધમાં ફરજ બજાવવા સુધીની રોમાંચક સફર

By GS Team
8 Oct 20264 mins read
TukuTouch Logo
હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 8 ઑક્ટોબરના રોજ ગોવાની મણિપાલ હૉસ્પિટલમાં 75 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. કારગિલ યુદ્ધ(1999)માં ભારતીય સેના સાથે મેજર તરીકે 60 દિવસ સેવા આપનારા તેઓ એકમાત્ર બોલિવૂડ સ્ટાર હતા. રાષ્ટ્રીય રાઇફલ શૂટર નાના પાટેકરે દ્રાસ, સોપોર, બારામુલા અને લેહ સેક્ટરમાં ફરજ બજાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રિયલ લાઇફ હીરો નાના પાટેકરની વિદાય, ફિલ્મના પોસ્ટર રંગવાથી લઈને કારગિલ યુદ્ધમાં ફરજ બજાવવા સુધીની રોમાંચક સફર
AI તસવીર

Nana Patekar, The Only Bollywood Star Who Served in Kargil War: હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાના દમદાર અભિનય અને બુલંદ અવાજથી દર્શકોના દિલો પર રાજ કરનારા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 8 ઑક્ટોબરના રોજ 75 વર્ષની વયે ગોવાની મણિપાલ હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું. સવારે 5:20 વાગ્યે છાતીમાં તીવ્ર દુખાવા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા. નાના પાટેકર માત્ર રૂપેરી પડદાના જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનના પણ સાચા હીરો હતા. 80 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિના માલિક હોવા છતાં તેમનું જીવન અત્યંત સાદું હતું. ચાલો, વિશ્વનાથ પાટેકરમાંથી 'નાના' બનવા સુધીની તેમની સંઘર્ષમય, પ્રેરણાદાયક અને અકથિત વાતો પર એક નજર કરીએ.

બાળપણ સંઘર્ષમાં વિત્યું, 'નાના' નામ કઈ રીતે મળ્યું?

નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ-જંજીરામાં એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો. તેમનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું. બાળપણમાં તેમની નાની બહેન તેમને પ્રેમથી 'નાના' કહેતી હતી, જે બાદમાં તેમની કાયમી ઓળખ બની ગઈ. તેમના પાસપોર્ટ-આધાર કાર્ડમાં પણ આજ નામ રહ્યું. પિતાનો વ્યવસાય બંધ થવાને કારણે પરિવારની આર્થિક સ્થિતિ બગડી, જેના કારણે નાનાએ માત્ર 13 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરવું પડ્યું. તેઓ શાળા છૂટ્યા પછી ચુનાભટ્ટી સુધી રોજ 8 કિલોમીટર જવાના અને 8 કિલોમીટર આવવાના એમ 16 કિલોમીટર ચાલીને ફિલ્મના પોસ્ટરો તથા ઝેબ્રા ક્રોસિંગ રંગવાનું કામ કરતા. આકરી મહેનત બદલ તેમને મહિનાના માત્ર 35 રૂપિયા અને દિવસમાં માત્ર એક સમયનું ભોજન મળતું હતું.

750 રૂપિયામાં લગ્ન કરેલા, સાદગીભર્યું જીવન જીવતા

નાના પાટેકરે 1978માં થિયેટર કલાકાર નીલકંઠી પાટેકર સાથે લગ્ન કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેમના લગ્નનો કુલ ખર્ચ માત્ર 750 રૂપિયા હતો. તે સમયે નીલકંઠી એક બૅંકમાં અધિકારી તરીકે મહિને 2500 રૂપિયા કમાતા હતા, જ્યારે નાનાને એક નાટકના શો માટે માત્ર 50 રૂપિયા મળતા હતા. સુપરસ્ટાર બન્યા પછી પણ તેમણે ક્યારેય વૈભવી જીવનશૈલી અપનાવી નહીં. તેઓ અંધેરીમાં 750 ચોરસ ફૂટના 1BHK ફ્લેટમાં રહેતા હતા, જે તેમણે વર્ષો પહેલાં 1.1 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ફિલ્મોથી દૂર રહીને તેઓ પુણે નજીક પોતાના 10 એકરના ફાર્મહાઉસમાં ખેતી કરતા, ટ્રેક્ટર ચલાવતા, ભેંસો ચરાવતા અને મિત્રો માટે જાતે રસોઈ બનાવતા હતા.

કારગિલ યુદ્ધમાં જોડાયા, સેના પ્રત્યે અપાર સમર્પણ દર્શાવ્યું

નાના પાટેકરની દેશભક્તિ ફક્ત 'પ્રહાર', 'ક્રાંતિવીર' અને 'તિરંગા' જેવી ફિલ્મો સુધી મર્યાદિત નહોતી. તેઓ દાયકાઓ સુધી ભારતીય સૈન્ય સાથે જોડાયેલા રહ્યા હતા.

  • 1988માં તેઓ ટેરિટોરિયલ આર્મીમાં જોડાયા હતા અને તેમને માનદ કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા.
  • 1991માં આવેલી ફિલ્મ 'પ્રહાર' માટે તેમણે 3 વર્ષ સુધી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે આકરી કમાન્ડો તાલીમ લીધી હતી.
  • 1999માં કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે તેઓ એકમાત્ર એવા અભિનેતા હતા જેમણે સરહદ પર લડવા જવાની જીદ પકડી હતી. લશ્કરી અધિકારીઓએ ના પાડી ત્યારે તેમણે તત્કાલીન સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ પાસેથી સીધી પરવાનગી લીધી. રાષ્ટ્રીય સ્તરના રાઇફલ શૂટર રહી ચૂકેલા નાનાએ મેજર તરીકે 60 દિવસ સુધી દ્રાસ, સોપોર, બારામુલા અને લેહ સેક્ટરમાં ક્વિક રિએક્શન ટીમ સાથે સેવા આપી હતી. આ ફરજ દરમિયાન તેમણે 20 કિલો વજન ગુમાવ્યું હતું. 25 વર્ષની ગૌરવપૂર્ણ સેવા બાદ તેઓ 2013માં નિવૃત્ત થયા હતા.

અંગત જીવનના પડકારો અને દુર્ઘટનાઓ, નાનાના જીવનમાં અનેક આઘાતો આવ્યા

  • તેમના પિતા બીમાર હતા, ત્યારે સારવાર માટે પૈસા ન હોવાથી તેઓ હૉસ્પિટલ અને સ્ટેજ વચ્ચે દોડધામ કરીને નાટકો કરતા રહ્યા.
  • 1980માં તેમના મોટા પુત્ર દુર્વાસાનું બાળવયે અવસાન થઈ ગયેલું, જે તેમના માટે અત્યંત પીડાદાયક હતું.
  • બાદમાં નાના પુત્ર મલ્હારના જન્મથી જીવનમાં ખુશીઓ પરત ફરી, પરંતુ નાનાએ તેને બોલિવૂડમાં લોન્ચ કરવા માટે ક્યારેય પોતાના સ્ટારડમનો ઉપયોગ કર્યો નહીં. હાલ મલ્હાર આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે.
  • ફિલ્મ 'પરિન્દા'ના ક્લાઇમેક્સ સીનના શૂટિંગમાં તેઓ ખરેખર દાઝી ગયા હતા, જેના કારણે તેમને 60 દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું અને 6 મહિના આરામ કરવો પડ્યો હતો.

ખરા અર્થમાં ખેડૂતોના મસીહા

નાના પાટેકરે પોતાના માટે 1.5 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદવાનો ઇન્કાર કરીને તે જ પૈસા ખેડૂતો પાછળ વાપર્યા હતા. એ અર્થમાં નાના પાટેકર સાચા અર્થમાં પરોપકારી હતા. દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની મદદ માટે તેમણે 2015માં અભિનેતા મકરંદ અનાસપુરે સાથે મળીને 'નામ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી હતી. તેમણે વિદર્ભ, લાતુર અને ઉસ્માનાબાદમાં આત્મહત્યા કરનારા ખેડૂતોના 160થી વધુ પરિવારને આર્થિક સહાય પૂરી પાડી અને ખેડૂતોની વિધવાઓને સિલાઈ મશીન ભેટમાં આપીને તેમને આત્મનિર્ભર બનાવ્યા.

માતા માટે સોનું ખરીદતા

માતા પ્રત્યેના પ્રેમને લીધે દરેક ફિલ્મની કમાણીમાંથી માતા માટે સોનું ખરીદનારા અને જરૂરિયાતમંદો માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેનારા નાના પાટેકરની વિદાયથી ભારતીય સિનેમાએ એક પ્રતિભાશાળી કલાકાર અને ભારતે એક સાચો દેશભક્ત ગુમાવ્યો છે. વાસ્તવિક જીવનના આ હીરોને હંમેશા યાદ રાખવામાં આવશે.

નાના પાટેકરના જીવનની રસપ્રદ વાતો

  • મહાન દિગ્દર્શક સત્યજીત રે નાના પાટેકરની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત હતા અને તેમની સાથે કામ કરવા ઇચ્છતા હતા. અફસોસ કે એમની ઇચ્છા અધૂરી રહી ગઈ.
  • સુભાષ ઘઈની સુપરહિટ ફિલ્મ ‘ખલનાયક’માં સંજય દત્તની ભૂમિકા માટે મૂળ પસંદગી નાના પાટેકર હતા.
  • નાના પાટેકર સારા ચિત્રકાર પણ હતા. તેઓ મુંબઈ પોલીસ માટે સ્કેચ આર્ટિસ્ટ તરીકે કામ કરતા હતા, જેમાં તેઓ શંકાસ્પદ વ્યક્તિઓના સ્કેચ બનાવીને પોલીસને મદદ કરતા હતા.
  • દેશમાં ફક્ત બે એવા અભિનેતા છે જેમણે 'શ્રેષ્ઠ અભિનેતા', 'શ્રેષ્ઠ સહાયક અભિનેતા' અને 'શ્રેષ્ઠ ખલનાયક' એમ ત્રણેય શ્રેણીમાં ફિલ્મફેર ઍવૉર્ડ્સ જીત્યા છે. એક નાના પાટેકર અને બીજા ઈરફાન ખાન. આ બંને અભિનેતાએ નેશનલ ઍવૉર્ડ્સ પણ જીત્યા છે અને પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’થી પણ સન્માનિત થયા છે.