Business

Explainer: પ્લાસ્ટિકની નોટો માટે RBIનો માસ્ટરપ્લાન, નકલી નોટોના દુષણને ડામવા કેન્દ્રની લીલી ઝંડી

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં પ્લાસ્ટિક ચલણી નોટો લાવશે. કેન્દ્ર સરકારે 10 અને 20 રૂપિયાની કુલ 200 કરોડ પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, 2027-28 સુધીમાં આ નોટો વ્યાપકપણે ચલણમાં આવશે. આ નોટો વધુ ટકાઉ, સુરક્ષિત અને નકલી નોટો પર અંકુશ લાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: પ્લાસ્ટિકની નોટો માટે RBIનો માસ્ટરપ્લાન, નકલી નોટોના દુષણને ડામવા કેન્દ્રની લીલી ઝંડી

RBI Plastic Currency : ભારતીય અર્થતંત્રમાં રોકડ વ્યવહારોને વધુ સુરક્ષિત, ટકાઉ અને સુગમ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટી નીતિગત યોજના પર કામ શરૂ કર્યું છે. ભારતમાં ટૂંક સમયમાં જ કાગળની નોટોના સ્થાને પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકની ચલણી નોટો ચલણમાં આવતી જોવા મળશે. દેશમાં ખાસ કરીને નાના મૂલ્યની નોટો (જેવી કે 10 અને 20 રૂપિયા), જેનો ઉપયોગ દૈનિક વ્યવહારોમાં સૌથી વધુ થાય છે અને જે ઝડપથી ઘસાઈ કે ફાટી જાય છે, તેના માટે આ પ્લાસ્ટિક ટેકનોલોજી અપનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

કેન્દ્ર સરકારની મંજૂરી અને RBIની યોજના

27 જુલાઈ 2026ના રોજ રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં સ્પષ્ટતા કરી હતી કે, RBI એક્ટ 1934ની કલમ 25 હેઠળ સરકાર પાસે 10 અને 20 રૂપિયાના મૂલ્યવર્ગમાં 100-100 કરોડ (કુલ 200 કરોડ) પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલ કરવાની મંજૂરી માંગતો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેને સરકારે મંજૂરી આપી દીધી છે.
એ પછી 5 ઓગસ્ટ 2026ના રોજ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ પરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માહિતી આપી હતી કે કેન્દ્રીય બેંક દેશમાં પ્લાસ્ટિક નોટો લાવવા માટેની જરૂરી તૈયારીઓ કરી રહી છે.

ફિલ્ડ ટ્રાયલ અને ચલણમાં આવવાની સમયસીમા

આ મુદ્દે RBI ગવર્નર તરફથી નીચે મુજબની માહિતી અપાઈ છે.

  • પાયલોટ પ્રોજેક્ટ અને પરીક્ષણ : આ નોટો જારી કરતા પહેલાં ભારતીય વાતાવરણ, આબોહવા અને લોકોના વપરાશની પદ્ધતિઓ જેવા મુદ્દે તેની મજબૂતાઈ અને કામગીરી ચકાસવા માટે દેશભરમાં વ્યાપક ફિલ્ડ ટ્રાયલ (Field Trials) કરવામાં આવશે.
  • ક્યારે આવશે ચલણમાં? : ફિલ્ડ ટ્રાયલના પરિણામોના મૂલ્યાંકન બાદ, કેન્દ્રીય બેંક નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં પ્લાસ્ટિક ચલણી નોટો વ્યાપકપણે ચલણમાં લાવવાનું લક્ષ્ય ધરાવે છે.

શું જૂની કાગળની નોટો બંધ થઈ જશે?

સરકાર અને નાણા મંત્રાલયે આ અંગે નીચે મુજબની સ્પષ્ટતા કરી છે.

  • કાગળની નોટો બંધ કરવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી.
  • જો પ્લાસ્ટિક નોટો જારી કરવામાં આવશે, તો પણ તે હાલની કાગળની નોટો સાથે સમાંતર રીતે (સહ-અસ્તિત્વમાં) બજારમાં ફરતી રહેશે.

પ્લાસ્ટિક નોટોના મુખ્ય ફાયદા કયા?

  • 1… વધુ ટકાઉ (Durability)- કાગળની નોટોની સરખામણીએ પ્લાસ્ટિક નોટો લાંબો સમય ચાલે છે. પાણી, પરસેવો કે ભેજથી તે જલ્દી ફાટતી નથી.
  • 2… ખર્ચમાં મોટો ઘટાડો- નાની નોટો વારંવાર વાપરવાથી ખરાબ થઈ જાય છે. પ્લાસ્ટિક નોટનું આયુષ્ય વધુ હોવાથી તેને વારંવાર છાપવાનો અને જૂની નોટો નષ્ટ કરવાનો બેંકનો ખર્ચ ઘટશે.
  • 3… નકલી નોટો પર લગામ- આ નોટ્સમાં પારદર્શકતા (Transparent Windows) અને આધુનિક સિક્યોરિટી ફીચર્સ ઉમેરી શકાશે, જેનાથી બનાવટી કે નકલી નોટો બનાવવી અશક્ય બની જશે.

પ્લાસ્ટિક નોટો અમલમાં મૂકવું ખર્ચાળ

મુખ્ય બે કારણોસર પ્લાસ્ટિક નોટો અમલમાં મૂકવું ખર્ચાળ સાબિત થાય છે.

  • 1… પ્રારંભિક છાપકામ ખર્ચ (Initial Printing Cost): પ્લાસ્ટિક નોટનું આયુષ્ય ચોક્કસપણે કાગળ કરતાં 3 થી 5 ગણું વધુ હોય છે, પરંતુ તેને બનાવવાનો શરૂઆતનો (પ્રારંભિક) છાપકામ ખર્ચ કાગળની નોટ કરતાં ઘણો વધારે હોય છે. અલબત્ત, પ્લાસ્ટિકની નોટ ચલણમાં વધુ સમય ચાલતી હોવાથી એમના છાપકામનો ખર્ચ લાંબે ગાળે વસૂલ થઈ જાય છે.
  • 2… ATM અને વેન્ડિંગ મશીન બદલવાનો ખર્ચ (Re-calibration): કાગળની સરખામણીએ પ્લાસ્ટિક નોટોની જાડાઈ અને સ્પર્શ અલગ હોય છે. તેથી દેશના તમામ ATM, કેશ ડિપોઝિટ મશીન (CDM) અને નોટ ગણવાના મશીનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર બદલવા પડશે. આ ખર્ચ બહુ મોટો હશે.

ભારતમાં પ્લાસ્ટિક નોટો અમલમાં મૂકવાનો પ્રસ્તાવ નવો નથી

ભારતીય રિઝર્વ બેંકે સૌપ્રથમ વર્ષ 2009 ની આસપાસ ₹10 ની પ્લાસ્ટિક નોટ છાપવાનો વિચાર રજૂ કર્યો હતો. 2012 માં, વિવિધ આબોહવામાં ટકાઉપણું ચકાસવા માટે પાંચ શહેરો (કોચી, મૈસુર, જયપુર, ભુવનેશ્વર અને શિમલા) માટે એક પાયલોટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ઊંચા ખર્ચ અને ATM-હેન્ડલિંગ પડકારોને કારણે તે પ્રારંભિક અજમાયશ આખરે મુલતવી રાખવામાં આવી હતી.
આવા પાયલોટ પ્રોજેક્ટ માટે વિવિધ વાતાવરણ (જેમ કે ખૂબ ગરમી, ભેજ, ઠંડી અને ઊંચાઈવાળા વિસ્તારો) ધરાવતા અલગ-અલગ 5 શહેરો પસંદ કરવામાં આવે છે, જેથી કેવા વાતાવરણમાં નોટ પર કેવી અસર થાય છે, એનો ખ્યાલ આવી શકે.

ભારતીય ચલણી સિસ્ટમનું મહત્ત્વપૂર્ણ પગલું

RBIનો આ માસ્ટરપ્લાન ભારતીય ચલણી સિસ્ટમને વધુ આધુનિક, સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કદમ છે. આ આધુનિક ચલણથી નાણાકીય બગાડ અટકશે અને કરદાતાઓના નાણાંની પણ બચત થશે.