Business

Explainer: E20 ફ્યુઅલ મુદ્દે સરકારનો બચાવ, ₹1 લાખ કરોડનું રોકાણ દાવ પર, જાણો વાહનોનું માઇલેજ ઘટવા છતાં કેમ જરૂરી છે ઇથેનોલ

By GS Team
14 Jul 20263 mins read
TukuTouch Logo
સરકારે E20 પેટ્રોલનો બચાવ કરતા જણાવ્યું કે, જો જૂની E10 નીતિ પરત આવીશું તો દેશનું ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ ડૂબી જશે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, ઇથેનોલ ઉત્પાદન માટે બેંકોએ ₹1 લાખ કરોડની લોન આપી છે. E20 થી માઇલેજ ઘટશે, પરંતુ ₹1.90 લાખ કરોડની વિદેશી હૂંડિયામણ બચશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: E20 ફ્યુઅલ મુદ્દે સરકારનો બચાવ, ₹1 લાખ કરોડનું રોકાણ દાવ પર, જાણો વાહનોનું માઇલેજ ઘટવા છતાં કેમ જરૂરી છે ઇથેનોલ

E20 fuel: Less mileage vs massive national savings: E20 પેટ્રોલ બાબતે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરવાથી વાહનની માઇલેજ ઘટે છે અને એન્જિનને નુકસાન થાય છે. આ વિવાદ વચ્ચે હવે સરકારે E20 નીતિનો આક્રમક રીતે બચાવ કર્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, જો આપણે E20 છોડીને ફરી જૂના E10 (10% ઇથેનોલ) પર જઈશું, તો દેશનું ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ ડૂબી જશે. ચાલો સમજીએ કે આખો મામલો શું છે.

₹1 લાખ કરોડનું રોકાણ દાવ પર

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઇથેનોલના ઉત્પાદન અને તેને લગતી માળખાગત સુવિધા ઊભી કરવા માટે વાર્ષિક આશરે ₹1 લાખ કરોડની લોન અને આર્થિક મદદ પૂરી પાડી છે.
જો સરકાર હવે જનતાના દબાણમાં આવીને કે મનસ્વી રીતે ફરી E10 પેટ્રોલ તરફ પાછી વળે, તો આ જંગી રોકાણ સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ શકે છે. સરકારે સવાલ ઉઠાવ્યો છે કે જો આપણે પાછા ફરીશું, તો આ વધારાની ઉત્પાદન ક્ષમતાનું શું થશે? આ પ્રોજેક્ટમાં જોડાયેલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, નવા ઉદ્યોગસાહસિકો અને ફાઇનાન્સિયલ સંસ્થાઓના પૈસા ડૂબી જશે, જે દેશના અર્થતંત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

માઇલેજ ઘટશે અને કિંમત પણ વધુ, છતાં કેમ બચાવ?

  • મોંઘું ઉત્પાદન: અત્યારના ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોની સરખામણીએ E20 પેટ્રોલનું ઉત્પાદન કરવું શુદ્ધ પેટ્રોલ કરતાં હાલમાં વધુ મોંઘું પડી રહ્યું છે.
  • માઇલેજમાં ઘટાડો: E20 ફ્યુઅલના કારણે કેટલાક વાહનોમાં ઇંધણની બચત એટલે કે માઇલેજમાં 3% થી 5% નો ઘટાડો થઈ શકે છે.

વાહનમાં ખરાબીની વાત તદ્દન ખોટી હોવાનો દાવો

મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઇથેનોલના કારણે વાહનના ભાગો કે એન્જિનને નુકસાન થાય છે તેવો દાવો કરવો તદ્દન ખોટો અને ભ્રામક છે. લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે આ પગલું અનિવાર્ય છે.

₹1.90 લાખ કરોડની વિદેશી હૂંડિયામણની બચત

ખાદ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અશ્વિની શ્રીવાસ્તવે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP) ના ફાયદા ગણાવતા કહ્યું કે, આ યોજનાથી માત્ર ખાંડ ઉદ્યોગ મજબૂત નથી થયો, પણ દેશના ખેડૂતોની આવકમાં પણ મોટો વધારો થયો છે.

  • ઓઈલની આયાતમાં ઘટાડો: વર્ષ 2014-15 થી 2026 વચ્ચે, પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાને કારણે ભારતે કાચા તેલની આયાતમાં 3.1 કરોડ ટનથી વધુનો ઘટાડો કર્યો છે.
  • ડોલરની બચત: આના કારણે દેશે ₹1.90 લાખ કરોડથી વધુનું મૂલ્યવાન વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે.
  • પર્યાવરણને ફાયદો: આ ગાળા દરમિયાન વાહનોના ધુમાડાથી થતા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં આશરે 9.3 કરોડ ટનનો ઘટાડો નોંધાયો છે, જે પ્રદૂષણ નિયંત્રણમાં મોટી સિદ્ધિ છે.

સબસિડી નાબૂદ થઈ, ઉદ્યોગ સ્વનિર્ભર બન્યો

સરકારે માહિતી આપી છે કે વર્ષ 2014-15 થી 2020-21 વચ્ચે કેન્દ્ર સરકારે ખાંડ મિલોને ટકી રહેવા માટે આશરે ₹14,600 કરોડની સબસિડી આપી હતી. પરંતુ વર્ષ 2021-22 થી મોટો ફેરફાર થયો છે. હવે ખાંડ મિલો વધારાની ખાંડને સીધી ઇથેનોલ ઉત્પાદનમાં ડાયવર્ટ કરી રહી છે. પરિણામે, ખાંડ ઉદ્યોગ નફાકારક બન્યો છે અને સરકારે આપવી પડતી નિકાસ સબસિડી હવે સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. અહીં ખાંડને ડાયવર્ટ કરવાનો અર્થ એ છે કે શેરડીના રસ અને કાકવી (Molasses) ને ખાંડ બનાવવાના બદલે સીધા ઇથેનોલ પ્લાન્ટ તરફ વાળવામાં આવે છે.

પ્રજાની નારાજગી છતાં સરકાર E20 નીતિને વળગી રહેશે

ટૂંકા ગાળા માટે વાહનચાલકોને કદાચ 3% થી 5% માઇલેજનો ફટકો પડી શકે છે, પરંતુ દેશની લાંબાગાળાની આર્થિક સુરક્ષા, પર્યાવરણની જાળવણી અને ₹1 લાખ કરોડના દેશી રોકાણોને બચાવવા માટે સરકાર E20 નીતિ પર મક્કમ રહેવા માંગે છે.