Business

Explainer: '100% શુદ્ધ'ના લેબલ લગાવીને છેતરપિંડી કરતી કંપનીઓ પર FSSAIનો સકંજો, અનેક અગ્રણી બ્રાન્ડ્સ પર તવાઈ

By GS Team
4 Aug 20265 mins read
TukuTouch Logo
FSSAI એ '100% શુદ્ધ' દાવા કરતી ફૂડ અને દારૂ બ્રાન્ડ્સ સામે કડક કાર્યવાહી કરી છે. ડાબર ઇન્ડિયાને '100% શુદ્ધતા'ના ભ્રામક દાવા બંધ કરવા આદેશ કર્યો છે. ડાબર હોમમેડ કોકોનટ મિલ્કમાં મિશ્ર ઘટકો હોવા છતાં 100% શુદ્ધતાનો દાવો કરાયો હતો. આ ઉપરાંત, ડિયાજિઓ અને ઇનબ્રુ બેવરેજીસ જેવી દારૂ બ્રાન્ડ્સ પર પણ કૃત્રિમ ફ્લેવરિંગ બદલ પ્રતિબંધ મૂકાયો છે. ગ્રાહકોને ઘટકોની યાદી વાંચીને અને FSSAI લોગો ચકાસીને સાચી શુદ્ધતા ઓળખવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: '100% શુદ્ધ'ના લેબલ લગાવીને છેતરપિંડી કરતી કંપનીઓ પર FSSAIનો સકંજો, અનેક અગ્રણી બ્રાન્ડ્સ પર તવાઈ

Beware the label: 100% pure is rarely 100% true: આપણે સુપર માર્કેટ કે કરિયાણાની દુકાનમાંથી ‘100% શુદ્ધ’ (100% Pure), ‘100% કુદરતી’ (100% Natural) કે ‘100% ઓર્ગેનિક’ (100% Organic) લખેલું પેકેટ ખરીદીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે આ વસ્તુ સંપૂર્ણપણે કેમિકલ, ભેળસેળ કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગરની એકદમ તાજી હશે. પરંતુ શું વ્યાપારી સ્તરે પેક થયેલો ખોરાક ખરેખર 100% શુદ્ધ હોઈ શકે?
તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા લેવામાં આવેલા કડક નિર્ણયોએ પેકેજ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીના આ ‘100% ના ખેલ’નો પર્દાફાશ કર્યો છે. FSSAI નું સ્પષ્ટ માનવું છે કે પેકેજ્ડ ફૂડ પર કરાતા આવા દાવા અચકાસણીય, અતિશયોક્તિપૂર્ણ અને ગ્રાહકોને છેતરનારા હોય છે.

અગ્રણી બ્રાન્ડ્સ સામે FSSAI નો આદેશ

પ્રસિદ્ધ ફૂડ બ્રાન્ડ ડાબર ઇન્ડિયા (Dabur India) સામે FSSAI એ સખત પગલાં લીધાં છે. FSSAI એ કંપનીને ‘100% શુદ્ધતા’ ના ગેરમાર્ગે દોરનારા દાવા સાથે ઉત્પાદનોનું વેચાણ અને જાહેરાતો તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

શું હતી ગરબડ?

  • • ડાબર હોમમેડ કોકોનટ મિલ્ક: આ એક કમ્પાઉન્ડ ફૂડ (એકથી વધુ ઘટકો ધરાવતું ઉત્પાદન) હોવા છતાં તેના પર ‘100% શુદ્ધતા’ નો દાવો કરવામાં આવ્યો હતો, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
  • • ડાબર હિમાલયન ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગર અને ડાબર ઓર્ગેનિક હની: આ પ્રોડક્ટ્સ પર યોગ્ય FSSAI ઓર્ગેનિક મંજૂરી વિના જ 'જૈવિક ભારત' નો લોગો વાપરવામાં આવ્યો હતો.

નિયમનકારની કાર્યવાહી કરાઈ

અગાઉ નોટિસ આપવા છતાં સંતોષકારક સુધારો ન થતાં FSSAI એ ડાબરને આવા તમામ ઉત્પાદનોનું વેચાણ અટકાવીને 15 દિવસની અંદર કાર્યવાહી રિપોર્ટ (ATR - Action Taken Report) રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

દારૂની જાણીતી બ્રાન્ડ્સ પર પણ પ્રતિબંધ

FSSAI ખાદ્યપદાર્થો ઉપરાંત 'Alcoholic Beverages Safety and Standards Regulations' હેઠળ દારૂની ગુણવત્તાનું પણ નિયમન કરે છે. યોગ્ય એજિંગ અને કુદરતી ઘટકોને બદલે કૃત્રિમ ફ્લેવરિંગનો ઉપયોગ કરવા બદલ FSSAIએ ડિઆજિઓ (Diageo)ની ભારતીય યુનિટ દ્વારા બનાવવામાં આવતી 'એન્ટિક્યુટી બ્લુ વ્હિસ્કી', 'રોયલ ચલેન્જ વ્હિસ્કી' અને 'મેકડોવેલ્સ નંબર 1 રમ' સામે પ્રતિબંધનો આદેશ અપાયો છે.
ઇનબ્રુ બેવરેજીસ (Inbrew Beverages)ની 'બેગપાઇપર લક્ઝરી વ્હિસ્કી', 'ઓલ્ડ કાસ એક્સએક્સએક્સ રમ' અને મહારાષ્ટ્રમાં મોહન રોકી સ્પ્રિંગવોટર દ્વારા બનતી 'ઓલ્ડ મોંક'ના ત્રણ લોકપ્રિય વેરિયેન્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રેગ્યુલેટરના જણાવ્યા મુજબ, આ કંપનીઓ રમ કે વ્હિસ્કીમાં કુદરતી પ્રક્રિયા કે મોલાસીસ અને માલ્ટ જેવા ઘટકોના ઉપયોગને બદલે સીધી કૃત્રિમ ફ્લેવર ઉમેરી રહી હતી, જેને કારણે આ ઉત્પાદનો 'સબ-સ્ટાન્ડર્ડ' સાબિત થયા છે.

'100%' ના દાવા અંગે FSSAI ના કડક નિયમો (2018)

FSSAI ના ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (જાહેરાત અને દાવાઓ) રેગ્યુલેશન્સ, 2018’ અનુસાર કંપનીઓ ગમે તે શબ્દોનો ઉપયોગ કરી શકતી નથી.

  1. 100% શુદ્ધ (100% Pure): આ શબ્દ ફક્ત એવા ખાદ્યપદાર્થ માટે વાપરી શકાય જેમાં ફક્ત એક જ ઘટક હોય અને તેમાં પ્રોસેસિંગ દરમિયાન કંઈપણ ઉમેરવામાં કે ઘટાડવામાં ન આવ્યું હોય. પેકેજિંગ અને શેલ્ફ-લાઈફ વધારવાની પ્રક્રિયાઓને કારણે વ્યાપારી ઉત્પાદનોમાં આવું થવું અત્યંત દુર્લભ છે.
  2. 100% કુદરતી (100% Natural): આ દાવો માત્ર એ જ પ્રોડક્ટ્સ પર કરી શકાય જે સીધી પ્રકૃતિમાંથી મેળવેલી હોય અને તેના પર માત્ર ન્યૂનતમ પ્રક્રિયા (જેમ કે ધોવું કે કાપવું) થઈ હોય. પ્રિઝર્વેટિવ્સ, કૃત્રિમ રંગ કે ફ્લેવર ઉમેર્યા હોય તો '100% નેચરल' લખવું ગેરકાયદેસર છે.
  3. સંયોજન ખોરાક (Compound Foods): જો કોઈ પ્રોડક્ટમાં બે કે તેથી વધુ ઘટકો (જેમ કે સ્વાદવાળો રસ, નેચરલ એસેન્સ કે નારિયેળનું દૂધ) હોય, તો તેના પર '100% શુદ્ધ' લખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
  4. 100% ઓર્ગેનિક અને 'જૈવિક ભારત' લોગો: ફક્ત NPOP અથવા PGS-India દ્વારા પ્રમાણિત કંપનીઓ જ ઓર્ગેનિક હોવાનો દાવો કરી શકે છે. યોગ્ય મંજૂરી વિના 'જૈવિક ભારત' લોગો છાપવો એ કાનૂની ગુનો છે.

માર્ગદર્શિકાનું સંક્ષિપ્ત વિશ્લેષણ

  • દાવાનો પ્રકાર : FSSAI માર્ગદર્શિકા અને શરતો – શું 100% લખવું કાયદેસર છે?
  • 100% શુદ્ધતા : ફક્ત એક જ ઘટક ધરાવતી, ભેળસેળ કે પ્રોસેસિંગ વગરની વસ્તુ માટે – ચકાસણી વગર પ્રતિબંધિત
  • 100% કુદરતી : શૂન્ય રસાયણો, શૂન્ય પ્રિઝર્વેટિવ્સ અને ન્યૂનતમ પ્રક્રિયા જરૂરી – પુરાવા વિના પ્રતિબંધિત
  • 100% ઓર્ગેનિક : NPOP/PGS-India પ્રમાણપત્ર અને 'જૈવિક ભારત' નોંધણી જરૂરી – મંજૂરી વિના ગેરકાયદે
  • કમ્પાઉન્ડ પ્રોડક્ટ્સ : એક કરતાં વધુ ઘટકો હોય તો 100% ગુણવત્તાનો દાવો કરી શકાય નહીં – સંપૂર્ણપણે પ્રતિબંધિત

ઈ-કોમર્સ અને એનર્જી ડ્રિંક્સ પર વધતી તપાસ

FSSAI એ માત્ર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ જ નહીં, પણ ક્વિક-કોમર્સ ડિલિવરી પ્લેટફોર્મ્સ પર પણ તપાસ કડક બનાવી છે.

  • સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart): જુલાઈ 2026 માં FSSAI એ સ્વિગી ઇન્સ્ટામાર્ટને FSS એક્ટ 2006 ના ઉલ્લંઘન બદલ 9 નોટિસ જારી કરી હતી. ગ્રાહકો દ્વારા બગડેલી, સડેલી અને એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળવાની ફરિયાદો બાદ આ કાર્યવાહી કરાઈ હતી.
  • બ્લિંકિટ (Blinkit): નબળી ગુણવત્તાવાળા ઈંડા અને દૂષિત દહીં અંગેની ફરિયાદો બાદ બ્લિંકિટ સામે પણ તપાસ શરૂ કરાઈ છે.
  • અન્ય બ્રાન્ડ્સ: છેલ્લા 3-4 મહિનામાં FSSAI એ લોટ્ટે ઇન્ડિયા, ફર્ન્સ એન પેટલ્સ અને કુબેરા ફૂડ્સ જેવી કંપનીઓ ઉપરાંત રેડ બુલ, સ્ટિંગ, હેલ અને મોન્સ્ટર સહિત 6 એનર્જી ડ્રિંક બ્રાન્ડ્સને ભ્રામક લેબલિંગ માટે નોટિસ મોકલી છે.

ગ્રાહકો સાચી શુદ્ધતા કેવી રીતે ઓળખે?

  1. આગળના પેકેજિંગના કેચફ્રેઝથી બચો: પેકેટના આગળના ભાગે લખેલા '100% શુદ્ધ' કે '100% સ્વસ્થ' જેવા શબ્દો મોટાભાગે માર્કેટિંગ ગિમિક હોય છે. એ સાચા માનવા નહીં.
  2. પાછળ આપેલી ઘટકોની યાદી (Ingredients List) વાંચો: ઘટકો તેમના પ્રમાણના ઉતરતા ક્રમમાં લખેલા હોય છે. જો ‘100% જ્યુસ’ માં ખાંડ, સાઇટ્રિક એસિડ કે પ્રિઝર્વેટિવ્સ લખેલા હોય, તો સમજી લેવું કે દાવો ખોટો છે.
  3. FSSAI નંબર અને લોગો ચકાસો: ઓર્ગેનિક વસ્તુઓ પર ‘જૈવિક ભારત’ નો લોગો અને કંપનીનો 14-અંકનો FSSAI લાયસન્સ નંબર અચૂક ચેક કરો.

ભ્રામક દાવાની ફરિયાદ કોને, કઈ રીતે કરવી?

જો તમને કોઈ પેકેજ્ડ ફૂડ પર ‘100% શુદ્ધતા’ના ભ્રામક દાવા, નબળી ગુણવત્તા કે અયોગ્ય લેબલિંગ જણાય, તો એક જાગૃત ગ્રાહક તરીકે તમે FSSAI ની 'Food Safety Connect' એપ અથવા foscos.fssai.gov.in પોર્ટલ પર પ્રોડક્ટના ફોટો સાથે સીધી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.
આ ઉપરાંત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનના ટોલ-ફ્રી નંબર 1915 પર કોલ કરીને, 8800001915 પર WhatsApp કે SMS કરીને અથવા consumerhelpline.gov.in પર ઈ-ફરિયાદ દાખલ કરીને પણ યોગ્ય કાનૂની કાર્યવાહી કરાવી શકો છો.