Explainer: શું સામાન્ય વ્યક્તિ સ્વિસ બેંકમાં ખોલાવી શકે? જાણો નિયમો, ડિપોઝિટ અને ભારતીયો માટેની ખાસ શરતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Swiss Banking Rules for Indians : સ્વિસ બેંકનું નામ સાંભળતા જ આપણા મનમાં અઢળક સંપત્તિ, ગુપ્ત અને મજબૂત નાણાકીય સુરક્ષાનું ચિત્ર ઊભું થાય છે. ઘણાંને લાગે છે કે સ્વિસ બેંકમાં ખાતું ખોલાવવું એ ફક્ત અબજોપતિઓ માટે જ શક્ય છે, જ્યારે કેટલાક લોકો તેને સામાન્ય બેંક ખાતા જેવું સમજે છે. હકીકત આ બંનેની વચ્ચે છે. સ્વિસ બેંકો તેમની મજબૂત નાણાકીય વ્યવસ્થા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ એક વિદેશી નાગરિક તરીકે ત્યાં ખાતું ખોલાવવું બિલકુલ સરળ નથી. ઓળખની કડક તપાસથી લઈને આવકના સ્ત્રોત સુધીની અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.
ચાલો, સમજીએ કે સ્વિસ બેંકમાં ખાતું ખોલાવવા માટે કેટલા પૈસાની જરૂર પડે છે, કયા દસ્તાવેજો માંગવામાં આવે છે અને ભારતીયો માટે કયા ખાસ નિયમો લાગુ પડે છે.
ડિજિટલ બેંકોમાં ખાતું ખોલાવવા કેટલી ડિપોઝિટ જોઈએ?
પરંપરાગત બેંકોની સરખામણીમાં સ્વિસ ડિજિટલ બેંકોના નિયમો થોડા હળવા હોય છે, પરંતુ તેમાં પણ ચોક્કસ શરતો હોય છે:
- ડુકાસ્કોપી બેંક (Dukascopy Bank): આ બેંક ગ્રાહકોને ઓનલાઈન મલ્ટી-કરન્સી ખાતા ખોલવાની સુવિધા આપે છે. અહીં ખાતું ખોલાવવા કે તેની નિયમિત જાળવણી માટે કોઈ ફી લાગતી નથી. જોકે, અરજદારોએ શરૂઆતની ડિપોઝિટ જમા કરાવવી પડે છે અને વીડિયો કોલ દ્વારા ઓળખની ચકાસણી (KYC) પૂર્ણ કરવી પડે છે. આ બેંક કોઈ ચોક્કસ લઘુતમ ડિપોઝિટ રકમ જાહેર કરતી નથી.
- સ્વિસક્વોટ (Swissquote): સ્વિત્ઝર્લેન્ડ કે યુરોઝોનની બહાર રહેતા ગ્રાહકો માટે અહીં 500 CHF (સ્વિસ ફ્રેંક) ની પ્રારંભિક ડિપોઝિટ જરૂરી છે. આ રકમ અરજદારના પોતાના નામના બેંક ખાતામાંથી જ ટ્રાન્સફર થયેલી હોવી જોઈએ. પરંતુ ભારતીયો માટે અહીં એક અડચણ છે. સ્વિસક્વોટ પાસે પ્રારંભિક ડિપોઝિટ માટે પાત્ર દેશોની એક યાદી છે, જેમાં હાલમાં ભારતનો સમાવેશ થતો નથી.
આ કારણસર ભારતમાં રહેતા અરજદારોએ કોઈ પણ અરજી કરતા પહેલા પસંદ કરેલી બેંક સાથે પોતાની પાત્રતા, ડિપોઝિટની વ્યવસ્થા અને જરૂરી દસ્તાવેજોની ખાતરી કરી લેવી જોઈએ.
ખાતું ખોલાવવા માટે કેટલા પૈસાની જરૂર પડે?
જો તમે સ્વિત્ઝર્લેન્ડની પરંપરાગત બેંકોમાં ખાતું ખોલાવવા માંગતા હો, તો તમારી પાસે નોંધપાત્ર સંપત્તિ હોવી જરૂરી છે. દરેક વિદેશી ગ્રાહક માટે કોઈ એક સરખી લઘુતમ રકમ નક્કી નથી, પરંતુ બેંક મુજબ ધોરણો અલગ-અલગ હોય છે. કેટલાક ઉદાહરણ જોઈએ, જેમ કે…
- VP Bank: આ બેંક કડક મર્યાદાને બદલે માર્ગદર્શિકા તરીકે 1 મિલિયન CHF ની રોકાણપાત્ર સંપત્તિની અપેક્ષા રાખે છે.
- Lombard Odier: આ બેંકના ગ્રાહકો પાસે સામાન્ય રીતે 1 મિલિયન CHF કરતા વધુ લિક્વિડ (પ્રવાહી) સંપત્તિ હોય છે.
- Pictet: આ બેંક પોતાની લઘુતમ ડિપોઝિટ રકમ જાહેર કરતી નથી.
કયા દસ્તાવેજો અને ચકાસણીની જરૂર પડે છે?
સ્વિસ બેંકમાં ખાતું ખોલાવવા માટે તમારે તમારી ઓળખ, રહેઠાણ, આવક અને પૈસાના સ્ત્રોતની સંપૂર્ણ વિગતો આપવી પડે છે. સામાન્ય રીતે નીચેના દસ્તાવેજો માંગવામાં આવે છે:
- માન્ય પાસપોર્ટ અને સરનામાનો પુરાવો
- ટેક્સ રેસિડેન્સીના દસ્તાવેજો
- આવક અથવા સંપત્તિના સ્ત્રોતનો પુરાવો (નોકરિયાત લોકો માટે પગાર સ્લિપ અને બેંક સ્ટેટમેન્ટ, જ્યારે બિઝનેસ કરનારા માટે તેમના નાણાકીય રેકોર્ડ)
ડિજિટલ અરજીઓ માટે વીડિયો KYC નો ઉપયોગ કરી શકાય છે. ઘણા લોકોમાં એવી ગેરમાન્યતા હોય છે કે ડિપોઝિટના પૈસા ઓછામાં ઓછા 6 મહિના જૂના વ્યક્તિગત ખાતામાંથી જ આવવા જોઈએ, પરંતુ આવો કોઈ નિયમ નથી.
સ્વિત્ઝર્લેન્ડનો મની લોન્ડરિંગ વિરોધી કાયદો
સ્વિત્ઝર્લેન્ડનો સુધારેલો મની લોન્ડરિંગ વિરોધી કાયદો (Anti-Money Laundering Act) 1 ઓક્ટોબર, 2026 થી લાગુ થઈ ગયો છે. જે મુજબ, હવે માત્ર બેંકો જ નહીં, પરંતુ સ્વિત્ઝર્લેન્ડમાં રિયલ એસ્ટેટ કે કંપની બનાવવા-ચલાવવામાં મદદ કરતા વકીલો અને કન્સલ્ટન્ટ્સે પણ પોતાના ગ્રાહકોની પૂરી KYC (ઓળખ અને પૈસાના સ્ત્રોતની તપાસ) કરવી પડશે. જો કોઈ વ્યવહાર શંકાસ્પદ લાગે, તો તેમણે પણ બેંકોની જેમ જ સરકારને તેની જાણ કરવી ફરજિયાત છે.
ભારતીયો માટે RBI અને ટેક્સના ખાસ નિયમો
ભારતમાં રહેતા નાગરિકોએ સ્વિસ બેંક ખાતું ખોલાવતા પહેલા ભારતીય કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે:
- RBI ની LRS મર્યાદા: ભારતીયો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ એક નાણાકીય વર્ષ (એપ્રિલથી માર્ચ) માં વધુમાં વધુ 250,000 USD (અમેરિકન ડોલર) વિદેશમાં મોકલી શકે છે. આ માટે RBI ની અલગ પરવાનગીની જરૂર નથી, પરંતુ પૈસા ફક્ત અધિકૃત બેંક (AD Bank) મારફતે SWIFT વાયર અને Form A2 ભરીને જ મોકલી શકાય છે. આ માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની મનાઈ છે.
- TCS અને ટેક્સ રિપોર્ટિંગ: વિદેશી બેંક ખાતા કે રોકાણ માટે એક નાણાકીય વર્ષમાં ₹10 લાખથી વધુ રકમ મોકલવા પર 20% TCS (Tax Collected at Source) લાગે છે, જેને તમે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરતી વખતે રિફંડ તરીકે ક્લેમ કરી શકો છો. આ ઉપરાંત, ભારતીય નિવાસીઓએ દર વર્ષે પોતાના ITR-2 અથવા ITR-3 ના 'Schedule FA' (Foreign Assets) માં પોતાના સ્વિસ બેંક ખાતાની વિગતો જાહેર કરવી ફરજિયાત છે.
સ્વિસ બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત છે?
અધિકૃત સ્વિસ બેંકમાં જમા કરાયેલી ‘પ્રતિ ગ્રાહક, પ્રતિ બેંક’ 100,000 CHF સુધીની રોકડ સંપૂર્ણ સુરક્ષિત હોય છે. સ્વિસ બેંકોની શાખાઓ વિદેશી ગ્રાહકોને પણ આ જ સુરક્ષા પૂરી પાડે છે. જોકે, તેનો અર્થ એ નથી કે 100,000 CHF થી વધુ રકમ જમા કરવી અસુરક્ષિત છે. આ મર્યાદા માત્ર બેંક નાદાર (Bankrupt) થાય ત્યારે મળતી તાત્કાલિક કાયદેસરની ગેરંટી માટે છે. ઉદાહરણ તરીકે, જેમ ભારતમાં કોઈ પણ બેંકમાં ₹5 લાખ સુધીની જમા રકમ પર જ વીમો હોય છે, તેમ સ્વિત્ઝર્લેન્ડમાં 100,000 CHF સુધીની રોકડ રકમ બેંક ડૂબી જાય તો પણ ગ્રાહકને ઝડપથી પાછી મળી જાય છે, જ્યારે તેનાથી વધુની રોકડ રકમ બેંકની નાદારી પ્રક્રિયામાં જાય છે.
આ વીમા સુરક્ષા માત્ર બેંકમાં જમા રોકડ થાપણો માટે જ છે; તેમાં શેર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણોનો સમાવેશ થતો નથી. તેમ છતાં, મોટા રોકાણકારો અને અબજોપતિઓ ત્યાં કરોડો રૂપિયા રાખે છે કારણ કે તેઓ મોટી રકમ રોકડને બદલે શેર, બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે. સ્વિસ કાયદા મુજબ આ રોકાણો બેંકની મિલકત ન ગણાતા હોવાથી બેંક ડૂબવાના કિસ્સામાં પણ 100% સુરક્ષિત રહે છે અને તેને સરળતાથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકાય છે.




