Get The App

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી 1 - image

Elon Musk Net Worth: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમની કંપની 'સ્પેસએક્સ' (SpaceX) શેરબજારમાં લિસ્ટ થતાં જ તેના શેરોમાં ભારે તેજી જોવા મળી છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, સ્પેસએક્સના સ્ટોકમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે એલોન મસ્કની કુલ સંપત્તિ (નેટવર્થ) વધીને 1.27 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે. નવાઈની વાત એ છે કે મસ્કે માત્ર એક જ દિવસમાં 164 અબજ ડૉલર કમાયા છે, જે દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટની આખી જિંદગીની કુલ સંપત્તિ 148 અબજ ડૉલર કરતાં પણ ઘણી વધારે છે.

વૈશ્વિક અમીરોની યાદીમાં મસ્કનો દબદબો

આ રેકોર્ડબ્રેક વધારા સાથે એલોન મસ્ક દુનિયાના અન્ય અમીરો કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. વૈશ્વિક અમીરોની યાદીમાં હવે ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ 314 બિલિયન ડૉલર સાથે બીજા નંબરે, સર્ગેઈ બ્રિન 292 બિલિયન ડૉલર સાથે ત્રીજા નંબરે અને એમેઝોનના જેફ બેઝોસ 267 બિલિયન ડૉલર સાથે ચોથા નંબરે છે. મસ્ક અને બીજા નંબરના અમીર વચ્ચે હવે એટલો મોટો તફાવત છે જેને પાર કરવો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

ઇતિહાસનો સૌથી મોટો IPO અને શેરમાં તેજી

એલોન મસ્કની સંપત્તિ આટલી ઝડપથી વધવાનું મુખ્ય કારણ સ્પેસએક્સનો બ્લોકબસ્ટર આઈપીઓ (IPO) છે, જેને ઇતિહાસનો સૌથી મોટો IPO માનવામાં આવી રહ્યો છે. કંપનીએ શરૂઆતમાં 135 ડૉલર પ્રતિ શેરના ભાવે શેર વેચીને બજારમાંથી રેકોર્ડ 75 અબજ ડૉલર એકઠા કર્યા હતા. શુક્રવારે નાસ્ડેક (Nasdaq) બજારમાં લિસ્ટિંગના પહેલા જ દિવસે શેરમાં 19% નો ઉછાળો આવ્યો હતો, જ્યારે સોમવારે ટ્રેડિંગના બીજા દિવસે શેર વધુ 19.6% વધીને 192.46 ડૉલર પર બંધ થયો હતો. આ ધમાકેદાર પ્રદર્શનને કારણે સ્પેસએક્સ બજાર કિંમતની દ્રષ્ટિએ અમેરિકાની છઠ્ઠી સૌથી મોટી કંપની બની ગઈ છે.

સ્પેસએક્સમાં મસ્કની હિસ્સેદારી ફાઇનાન્સિયલ ગ્રોથનું એન્જિન

સરકારી ફાઇલિંગ મુજબ, એલોન મસ્ક પાસે સ્પેસએક્સના આશરે 4.8 બિલિયન શેર અને 350 મિલિયન સ્ટોક ઓપ્શન્સ છે. કંપનીમાં તેમની આશરે 38% ની ઇક્વિટી ભાગીદારી જ તેમની સંપત્તિ વધારવાનું મુખ્ય એન્જિન સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ મસ્કે દાવો કર્યો છે કે સ્પેસએક્સ વર્ષ 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડૉલરની કમાણી (રેવન્યુ) કરી શકે છે. જો કે, વર્ષ 2025 માં કંપનીની આવક 18.7 અબજ ડૉલર હતી અને કંપનીએ હજુ સુધી કોઈ નફો કર્યો નથી, તેમ છતાં રોકાણકારોને મસ્કના વિઝન પર પૂરો ભરોસો છે.

ગ્લોબલ ઇન્ડેક્સમાં સામેલ થવાની તૈયારી અને એનાલિસ્ટ્સની સલાહ

સ્પેસએક્સના શેરની ભારે માંગને જોતા તેને ટૂંક સમયમાં જ વૈશ્વિક શેરબજારના મોટા ઇન્ડેક્સ જેવા કે 'નેસ્ડેક 100' (Nasdaq 100) માં સામેલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જૂન મહિનાના અંત સુધીમાં વૈશ્વિક સૂચકાંકો જેવા કે FTSE રસેલ અને MSCI માં પણ આ કંપનીનો સમાવેશ થઈ જશે. જેના કારણે મોટા મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETFs માટે આ સ્ટોક ખરીદવો ફરજિયાત બનશે અને શેરમાં હજુ વધુ તેજી આવી શકે છે.

આ પણ વાંચો: Explainer: મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર્મચારી રાતોરાત કરોડપતિ, જાણો ભારતીયો રોકાણ કરી શકશે કે નહીં!

જો કે, બજારના નિષ્ણાતો અને પોર્ટફોલિયો મેનેજર્સે સામાન્ય રોકાણકારોને થોડી સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે સ્પેસએક્સ હજુ નવી પબ્લિક કંપની બની છે અને તેનું વેલ્યુએશન ખૂબ ઊંચું છે, તેથી આગામી સમયમાં આ શેરમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. મસ્કની આ સંપત્તિ ઓક્ટોબરમાં 500 બિલિયન ડૉલર હતી, જે ડિસેમ્બરમાં 600 બિલિયન ડૉલર અને હવે સ્પેસએક્સના લિસ્ટિંગ બાદ સીધી 1.27 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે.