Elon Musk SpaceX IPO Nasdaq 2026 : દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઇલોન મસ્કનું નામ પડતાં જ કંઈક અસાધારણ થવાનો અંદેશો આવે છે. ઇલેક્ટ્રિક કારને લોકપ્રિય બનાવવાથી લઈને મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાના સપના જોનારા મસ્ક હવે શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે. તેમની રોકેટ અને સેટેલાઇટ કંપની ‘સ્પેસ એક્સ’ (SpaceX) વોલ સ્ટ્રીટ પર તેનો બ્લોકબસ્ટર IPO (Initial Public Offering) આવી ગયો છે. આ માત્ર એક સામાન્ય કંપનીનું લિસ્ટિંગ નથી, પરંતુ એક એવી ઐતિહાસિક તક છે જે કંપનીના હજારો કર્મચારીઓનું નસીબ રાતોરાત બદલી નાંખ્યું છે અને ટૂંક સમયમાં વૈશ્વિક બજારના સમીકરણો પણ ફેરવી નાખશે.
400 કર્મચારીઓ તો 10 કરોડ ડૉલરથી પણ વધુના માલિક
સામાન્ય રીતે કંપનીઓ પોતાના કર્મચારીઓને માત્ર આકર્ષક પગાર આપતી હોય છે, પરંતુ સ્પેસએક્સની વ્યૂહરચના શરૂઆતથી જ અલગ રહી છે. કંપનીએ તેના કર્મચારીઓને પગારની સાથે કંપનીમાં નોંધપાત્ર હિસ્સો (શેર્સ) આપ્યો હતો. હવે જ્યારે કંપની પબ્લિક થઈ ગઈ છે, ત્યારે આ સ્ટ્રેટેજી કર્મચારીઓ માટે લાઈફ-ચેન્જિંગ સાબિત થઈ છે.
એક અહેવાલ અનુસાર, સ્પેસએક્સ લિસ્ટ થતાની સાથે જ તેના 4,400 થી વધુ વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ તરત જ કરોડપતિ બની ગયા છે. આ તમામ લોકો પાસે ઓછામાં ઓછા 10 લાખ ડૉલરના શેર હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, તેમાંથી આશરે 400 કર્મચારીઓ એવા છે, જેમની સંપત્તિ 10 કરોડ ડૉલરને પાર થઈ ગઈ છે!
ઉદાહરણ તરીકે: વર્ષ 2011 માં જ્યારે સ્પેસએક્સ એક ખૂબ જ નાની કંપની હતી, ત્યારે તેમાં જોડાયેલા ટ્રેવર હાઇસે જણાવ્યું કે તેમને તે સમયે 1 લાખથી વધુ શેર મળ્યા હતા. આજે 135 ડૉલરના IPO ભાવે ગણતરી કરીએ તો તેમના શેરનું મૂલ્ય ઓછામાં ઓછું 1.35 કરોડ ડૉલર થઈ ગયું છે.
આંકડાની રીતે વિશ્વનો સૌથી મોટો IPO
વિગત આંકડાકીય માહિતી
પ્રતિ શેર કિંમત (Price Band) 135 ડૉલર પર સેટ કરાઈ હતી.
કુલ શેર કંપનીએ કુલ 55.56 કરોડ શેર ઓફર કર્યા હતા.
કુલ ફંડિંગ લક્ષ્ય IPO દ્વારા 75 અબજ ડૉલર ભેગા કરવાની યોજના સફળ રહી છે.
કંપનીનું કુલ મૂલ્યાંકન આ આંકડા સાથે કંપનીનું મૂલ્ય આશરે 1.75 ટ્રિલિયન ડૉલર (રૂ. 1,66,250 અબજ)ની આસપાસ પહોંચી ગયું છે.
મસ્કનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે: આ લિસ્ટિંગ પછી પણ મસ્ક પાસે Class B શેર દ્વારા આશરે 82.4% વૉટિંગ રાઈટ્સ રહ્યા છે, જેથી કંપની પર તેમનું જ સંપૂર્ણ નિયંત્રણ છે. સામાન્ય જનતાને Class A શેર મળ્યા છે, જેમાં પ્રતિ શેર 1 જ વોટ હોય છે, જ્યારે Class Bમાં પ્રતિ શેર 10 વોટ હોય છે.
રિટેલ હિસ્સો: સામાન્ય રોકાણકારો માટે આ IPO માં 30% શેર અનામત રખાયા હતા, જ્યારે વ્યક્તિગત રોકાણકારો માટે 25% હિસ્સો અલગ રખાયો હતો.
ઑલ પ્રાઇમરી ઇશ્યૂ: આ IPO સંપૂર્ણપણે 'ઓલ-પ્રાઇમરી ઇશ્યૂ' હતો. આનો અર્થ એ થાય કે કંપનીએ માર્કેટમાં તદ્દન નવા શેર બહાર પાડીને ભંડોળ એકત્ર કર્યું છે. આમાં જૂના રોકાણકારો કે પ્રમોટર્સ તેમના હિસ્સામાંથી એક પણ શેર વેચી શક્યા નથી. આથી, IPO દ્વારા એકત્ર થયેલી તમામ રકમ સીધી કંપનીના ખાતામાં ગઈ છે. અલબત્ત, લિસ્ટિંગ બાદ લોક-ઈન પીરિયડ પૂરો થતાં જ કર્મચારીઓ પોતાના શેર ઓપન માર્કેટમાં વેચી શકશે.
ભારતીય રોકાણકારો માટે રોકાણના વિકલ્પ
આટલા મોટા આઈપીઓનું નામ સાંભળીને ભારતીય રોકાણકારોના મનમાં પણ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે કે શું હવે તેઓ આ શેર ખરીદી શકશે?
જવાબ છે: ના. સીધી રીતે નહીં.
ભારતમાં આઈપીઓ માટે જે રીતે ASBA એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બ્લોક સિસ્ટમનો સિસ્ટમનો ઉપયોગ થાય છે, તેવી કોઈ સીધી વ્યવસ્થા યુએસ આઈપીઓ માટે વિદેશી છૂટક રોકાણકારોને મળતી નથી. એટલે કે
ભારતમાં આઈપીઓ ભરતી વખતે રોકાણકારના પૈસા બેંકમાં જ સુરક્ષિત રહે છે અને તેવી કોઈ સિસ્ટમ અમેરિકાના આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છતા ભારતીય કે અન્ય વિદેશી રોકાણકારો માટે ઉપલબ્ધ નથી. તેથી લિસ્ટિંગના સમયે ભારતીયો સીધા શેર ના ખરીદી શકે, પરંતુ લિસ્ટિંગ પછી આ બે રસ્તા ખુલ્લા રહેશે.
1. સેકન્ડરી માર્કેટ અને LRS: કંપની જ્યારે Nasdaq પર SPCX ટિકર હેઠળ લિસ્ટ થઈ જશે ત્યારે ભારતીય રોકાણકારો આંતરરાષ્ટ્રીય બ્રોકર્સ દ્વારા શેર ખરીદી શકશે. આરબીઆઈની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ ભારતીય નાગરિકો વર્ષે 250,000 ડોલર સુધી વિદેશમાં રોકાણ માટે મોકલી શકે છે.
2. ફીડર ફંડ્સ અને ETF: ભારતીય રોકાણકારો યુએસ માર્કેટના ઇન્ડેક્સ ફંડ્સ (જેવા કે S&P 500 કે Nasdaq 100 ETF) અથવા વૈશ્વિક મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પરોક્ષ રીતે સ્પેસ એક્સમાં નાનો હિસ્સો મેળવી શકશે, કારણ કે લિસ્ટિંગ પછી ઘણાં ફંડ્સ પોતાની સ્ટ્રેટેજીમાં આ સ્ટોક ઉમેરશે.
સિક્કાની બીજી બાજુ: નિષ્ણાતોની ચેતવણી અને જોખમો
ભલે આ IPO ને લઈને બજારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, પરંતુ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને વિશ્લેષકો રોકાણકારોને સાવધ રહેવાની સલાહ આપી રહ્યા છે. વૈશ્વિક રિસર્ચ ફર્મ 'મોર્નિંગ સ્ટાર'ના મતે સ્પેસએક્સનું મૂલ્યાંકન હાલ ‘વધારે પડતું’ (Overvalued) છે. રોકાણકારોએ નીચેના જોખમો ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે...
નાણાકીય ખોટ: કંપની હજુ પણ ચોખ્ખો નફો કરી રહી નથી. વર્ષ 2025માં 1,867 crore ડૉલર (રૂ. 1.77 લાખ કરોડ)ની આવક થવા છતાં કંપનીએ 494 કરોડ ડૉલર (રૂ. 47,000 કરોડ)ની ખોટ કરી હતી.
એક જ વ્યક્તિ પર વધુ પડતી નિર્ભરતા: સમગ્ર કંપની ઇલોન મસ્ક પર નિર્ભર છે, જેઓ ટેસ્લા અને એક્સ (Twitter) જેવા અન્ય ઘણા મોટા વ્યવસાયો એકસાથે સંભાળે છે.
સરકારી કરારો પર આધાર: કંપનીની નાણાકીય વર્ષ 2024-25 ની આવકનો લગભગ પાંચમો ભાગ યુએસ ફેડરલ એજન્સીઓ (જેમ કે NASA) પાસેથી આવ્યો હતો.
ટેકનિકલ અને જિયોપોલિટિકલ જોખમો: સેટેલાઈટ બિઝનેસમાં આંતરરાષ્ટ્રીય વિવાદો (જેમ કે બ્રાઝિલમાં સ્ટારલિંકની સંપત્તિ ફ્રીઝ થવી) નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય, સ્ટારશિપ પ્રોજેક્ટના અમલીકરણમાં પણ જોખમ છે; વર્ષ 2025 સુધીની 12 ફ્લાઈટ્સમાંથી 3 નિષ્ફળ રહી છે.
કેશ બર્ન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કંપની હાલમાં ભારે ખર્ચ કરી રહી છે.
ભારતીયો માટે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ યોગ્ય
સ્પેસએક્સના IPO એ ઇતિહાસ રચી દીધો છે અને આ સાથે જ મસ્ક વિશ્વના પ્રથમ 'ટ્રિલિયોનેર' બની ગયા છે. કર્મચારીઓ માટે આ સપનું સાકાર થવા જેવી બાબત છે, પરંતુ સામાન્ય રોકાણકારો માટે, ખાસ કરીને ભારતીયો માટે, માત્ર 'હાઇપ' જોઈને દોડી જવું યોગ્ય નથી. આ માટે યોગ્ય એન્ટ્રી પોઇન્ટ પસંદ કરવો વધુ હિતાવહ રહેશે કારણ કે, બજારના નિયમ મુજબ ‘આંધળી દોટ સ્વાસ્થ્ય અને સંપત્તિ બંને માટે હાનિકારક’ નીવડી શકે છે!


