Business

વૈશ્વિક આંચકાઓને ધ્યાનમાં રાખી આયાત નિર્ભરતા ઘટાડવા કવાયત

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
ડોલર સામે રૂપિયાના દબાણને ઘટાડવા, કેન્દ્ર સરકાર આયાત નિર્ભરતા ઓછી કરવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા વ્યૂહ રચી રહી છે. વડાપ્રધાન કાર્યાલયે મંત્રાલયોને ઊંચી આયાતવાળી વસ્તુઓની યાદી બનાવવા સૂચવ્યું છે. ₹398 બિલિયન જેટલી આયાત સ્થાનિક ઉત્પાદકો પૂરી પાડી શકે છે, જેમાં ઈલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સ અને સેમિકન્ડક્ટર્સનો સમાવેશ થાય છે. સરકારે ₹1.90 ટ્રિલિયનની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક આંચકાઓને ધ્યાનમાં રાખી આયાત નિર્ભરતા ઘટાડવા કવાયત

ઊંચી આયાતની વસ્તુઓનું ઘરઆંગણે ઉત્પાદન વધારવા વ્યૂહ
મુંબઈ : ડોલર સામે રૂપિયા પર આવી રહેલા દબાણને ધ્યાનમાં રાખી સરકાર દેશમાં આયાત નિર્ભરતા ઘટાડવા ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરા પાડવાના માર્ગો શોધી રહી છે. વડા પ્રધના કચેરીએ કેટલાક મંત્રાલયોને એવા માલસામાનની યાદી તૈયાર કરવા સૂચના આપી છે જેની આયાત ઊંચી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
આ આયાત ઘટાડી ઘરઆંગણે ઉત્પન્ન થતા સમાન પ્રકારના માલ ખરીદવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા વિચારાઈ રહ્યું છે.
ભારતની અંદાજે ૭૭૫ અબજ ડોલરની આયાતમાંથી ૩૯૮ અબજ ડોલર જેટલી આયાત એવી છે જે સ્થાનિક ઉત્પાદકો પૂરી પાડી શકે એમ છે. આમાંથી ટેકસટાઈલથી સોલાર પેનલ્સના ઉત્પાદનમાં મહત્વના કાચા માલ તરીકે જે આઈટમ્સ વપરાય છે તેનો આંક ૫૧ અબજ ડોલર થવા જાય છે જેને તાત્કાલિક ઉકેલ માટે હાથ ધરાશે. ઘરઆંગણે ઉત્પાદન વધારવા સરકાર સબ્સિડીસ તથા અન્ય પ્રોત્સાહનો વિચારી રહી છે.
વાણિજ્ય મંત્રાલય ૧૦૦ કરતા વધુ માલસામાનની યાદી તૈયાર કરી રહ્યું છે જેની મોટી માત્રામાં દેશમાં આયાત થાય છે. ખાસ કરીને ઈલેકટ્રોનિકસ, કેમિકલ્સ, ખાતર, સેમીકન્ડકટર્સ વગેરેની ભારત મોટેપાયે આયાત કરે છે.
આયાત પર નિયંત્રણ લાવવા સરકાર એન્ટી ડમ્પિંગ ડયૂટી જેવા પગલાં લેતી રહે છે, તેમ છતાં ચોક્કસ ક્ષેત્રોમાં હજુપણ વિદેશી માલસામાનનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
બુધવારે લીધેલા એક કેબિનેટ નિર્ણયમાં સરકારે ચીપ તથા સ્માર્ટફોનનું ઘરઆંગણે ઉત્પાદન વધારવા રૂપિયા ૧.૯૦ ટ્રિલિયનની વધુ નાણાંકીય સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘરઆંગણે ખાતરનું ઉત્પાદન વધારવા પણ સરકાર પ્રયત્નશીલ છે.
ભારત તેના કાચા માલ માટે ચીન પર વધુ આધાર રાખે છે જેને પરિણામે આ દેશ ખાતેથી કોઈપણ પૂરવઠા ખલેલના કિસ્સામાં દેશના ઉદ્યોગો સામે પડકારભરી સ્થિતિ ઊભી થાય છે. ગયા વર્ષ દેશના ઓટો તથા ટેકનોલોજી ઉદ્યોગે આનો અનુભવ કર્યો હતો. પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ભારતની આયાત નિર્ભરતા કેટલી ઊંચી છે તેનો સરકારને અંદાજ મળી ગયો છે.