મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anil Ambani: શુક્રવારે સત્તાવાર સૂત્રોએ માહિતી આપી કે ₹68 કરોડની કથિત નકલી બૅન્ક ગેરંટીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવર વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ત્રીજી ધરપકડ કરી છે. જેના કારણે, શુક્રવારે અનિલ અંબાણી ગ્રૂપની કંપનીઓના શેર્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જેમાં શેર 5 ટકા સુધી તૂટી ગયા હતા.
નકલી બૅન્ક ગેરંટી કેસમાં થઈ છે ધરપકડ
સત્તાવાર સૂત્રો અનુસાર, પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ(PMLA) હેઠળ ગુરુવારે અમરનાથ દત્તા નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી, જેને સ્પેશિયલ કોર્ટે ચાર દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલ્યા છે. આ ધરપકડ પહેલાં, તપાસ એજન્સીએ રિલાયન્સ પાવરના પૂર્વ CFO અશોકકુમાર પાલ અને ઓડિશા સ્થિત બિસ્વાલ ટ્રેડલિન્ક કંપનીના MD પાર્થ સારથી બિસ્વાલની પણ આ તપાસના ભાગરૂપે ધરપકડ કરી છે.
શું છે આખો મામલો?
આ સમગ્ર મામલો ₹68.2 કરોડની 'નકલી' બૅન્ક ગેરંટી સાથે સંબંધિત છે, જે લિસ્ટેડ કંપની રિલાયન્સ પાવરની સહાયક કંપની (અગાઉ મહારાષ્ટ્ર એનર્જી જનરેશન લિમિટેડ તરીકે જાણીતી) રિલાયન્સ એનયુ બીઇએસએસ લિમિટેડ દ્વારા સોલાર એનર્જી કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ(SECI)ને જમા કરવામાં આવી હતી.
અનિલ અંબાણી ગ્રૂપનો બચાવ અને કેસની વિગત
રિલાયન્સ ગ્રૂપએ જણાવ્યું કે, અનિલ અંબાણી સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી બોર્ડ ઑફ રિલાયન્સ પાવર લિમિટેડમાં નથી અને તેમનો આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી. બીજી તરફ, EDએ આરોપ લગાવ્યો છે કે બિસ્વાલ ટ્રેડલિન્ક બિઝનેસ ગ્રૂપ્સ માટે 'નકલી' બૅન્ક ગેરંટી ઉપલબ્ધ કરાવવાનું નેટવર્ક ચલાવતી હતી. આ મની લોન્ડરિંગ કેસ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા નવેમ્બર 2024માં નોંધાયેલી FIR પર આધારિત છે, જેમાં આરોપ છે કે બિસ્વાલ ટ્રેડલિન્ક 8 ટકા કમિશન પર 'નકલી' બૅન્ક ગેરંટી આપવામાં સામેલ હતી.
આ પણ વાંચો: ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 5% ગગડી ગયા
શુક્રવારે BSEમાં અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 5% ઘટીને ₹174.85 પર પહોંચી ગયા. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં આ શેર્સમાં 25%થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તેનું 52 અઠવાડિયાનું હાઇ લેવલ ₹425 હતું. આ ઉપરાંત, રિલાયન્સ પાવરના શેર પણ શુક્રવારે તૂટ્યા અને ₹40ની નીચે ₹39.95 પર રહ્યા હતા.









