ઈલોન મસ્કની ટેસ્લાએ રૅકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ

Tesla CEO Elon Musk Salary Package: વિશ્વની અગ્રણી ઈ-કાર કંપની ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કને અનેક દેશોની જીડીપી કરતાં વધુ વાર્ષિક સેલેરી પેકેજ મળ્યું છે. ગઈકાલે છ નવેમ્બર, 2025ના રોજ યોજાયેલી ટેસ્લાની એજીએમમાં શેરહોલ્ડર્સે કંપનીના સીઈઓ મસ્કને 1 લાખ કરોડ ડૉલર (રૂ. 8.36 લાખ કરોડ)નું વાર્ષિક સેલેરી પેકેજ આપવાના પ્રસ્તાવ પર મંજૂરી આપી હતી. કંપનીના ઓસ્ટિન કારખાનામાં આ મામલે થયેલા મતદાનમાં બહુમતી મળી હતી. આ સાથે આ સેલેરી પેકેજ કોઈપણ કોર્પોરેટ લીડરને અત્યારસુધીમાં આપવામાં આવેલાં પેકેજની તુલનાએ સૌથી વધુ છે.
અનેક દેશોની જીડીપી કરતાં વધુ
ઈલોન મસ્કનું આ વાર્ષિક સેલેરી પેકેજ યુરોપના અનેક દેશોની જીડીપી કરતાં વધુ છે. આઈએમએફ અનુસાર, 1 લાખ કરોડ ડૉલર કે તેથી ઓછો જીડીપી ધરાવતા દેશોમાં નેધરલૅન્ડ, પોલૅન્ડ, સ્વિટ્ઝરલૅન્ડ, બેલ્જિયમ, સ્વિડન સહિતના દેશો સામેલ છે. નેધરલૅન્ડનો જીડીપી 1.27 લાખ કરોડ ડૉલર, પોલૅન્ડનો 980 અબજ ડૉલર, સ્વિટ્ઝરલૅન્ડનો જીડીપી 947 અબજ ડૉલર, બેલ્જિયમનો જીડીપી 685 અબજ ડૉલર, સ્વિડન 620 અબજ ડૉલર, આર્યલૅન્ડ 599 અબજ ડૉલર, ઓસ્ટ્રિયા 534 અબજ ડૉલર, નોર્વે 504 અબજ ડૉલર અને ડેનમાર્ક 450 અબજ ડૉલર રહ્યો હતો.
ઈલોન મસ્કની નિષ્ફળતા બદલ 1 લાખ કરોડ ડૉલર
એક સક્રિય સંગઠન "ટેસ્લા ટેકડાઉન"એ આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. કંપનીના ઓટો સેલ્સમાં તાજેતરના નોંધાયેલા ઘટાડા તરફ ધ્યાન દોરતાં તેઓએ કહ્યું, નિષ્ફળતા માટે ઈલોન મસ્કને એક લાખ કરોડ ડૉલર (આશરે રૂ. 8,36,00,00 કરોડ) આપવામાં આવ્યા છે. વેચાણ સતત ઘટી રહ્યા છે, સલામતીના જોખમો વધી રહ્યા છે, અને તેમની રાજકીય વિચારધારા ગ્રાહકોને દૂર કરી રહી છે. આ નેતૃત્વ નથી, તે વિશ્વની સૌથી મોંઘી પાર્ટનરશીપ ટ્રોફી છે. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક સમયથી ટેસ્લાના વિવિધ મોડલ પર સુરક્ષાના માપદંડો પર સવાલો ઉઠ્યા છે. તેમજ તેની ઓટો સિસ્ટમમાં પણ ખામી હોવાની અનેક ફરિયાદો નોંધાઈ છે.

