શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં E2W અપનાવવાની ગતિ ધીમી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશનમાં અડધાથી વધુ હિસ્સો ગ્રામીણ ભારતનો
અમદાવાદ : દેશમાં ટુ-વ્હીલરના કુલ રજિસ્ટ્રેશનમાં અડધાથી વધુ હિસ્સો ગ્રામીણ ભારતનો છે, પરંતુ શહેરોની સરખામણીએ ત્યાં ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) અપનાવવાની ગતિ નોંધપાત્ર રીતે ધીમી છે તેમ ઓટોમોટિવ ઇન્ટેલિજન્સ ફર્મ જેટો ડાયનેમિક્સના એક વિશ્લેષણમાં જણાવાયું હતું.
જાન્યુઆરી-જૂન ૨૦૨૬ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં થયેલા કુલ રજિસ્ટ્રેશનમાં પેટ્રોલ ટુ-વ્હીલરનો હિસ્સો ૯૪ ટકા રહ્યો હતો, જ્યારે ઇલેક્ટ્રિક વર્ઝન માત્ર ૫.૯ ટકા નોંધાયા હતા. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની પહોંચ શહેરી બજારોમાં ૧૦.૭ ટકા અને મેટ્રો શહેરોમાં ૧૦.૯ ટકા રહી હતી.
આમ છતાં, ટુ-વ્હીલરના કુલ રજિસ્ટ્રેશનમાં ગ્રામીણ ભારતનો હિસ્સો ૫૫ ટકા રહ્યો હતો, જ્યારે તેની સામે શહેરી બજારોનો હિસ્સો ૩૨ ટકા અને મેટ્રો શહેરોનો હિસ્સો ૧૩ ટકા હતો.
ડેટા દર્શાવે છે કે ગ્રામીણ ભારત એકસમાન ટુ-વ્હીલર માર્કેટ નથી અને વિવિધ રાજ્યોમાં ગ્રાહકોની પસંદગીમાં મોટો તફાવત જોવા મળે છે.
રાજસ્થાન એન્ટ્રી-લેવલ મોટરસાઇકલ તરફ વધુ ઝુકાવ ધરાવે છે, જ્યાં ગ્રામીણ મોટરસાઇકલ રજિસ્ટ્રેશનમાં ૭૪.૧ ટકા હિસ્સો ૧૦૦-૧૧૦ સીસી સેગમેન્ટનો છે. આ જ સેગમેન્ટમાં ઉત્તર પ્રદેશમાં આ હિસ્સો ૬૦.૪ ટકા અને મધ્ય પ્રદેશમાં ૫૬.૧ ટકા છે.
બીજી તરફ, મહારાષ્ટ્ર તદ્દન અલગ ચિત્ર રજૂ કરે છે: ત્યાં ૧૦૦-૧૧૦ સીસી મોટરસાઇકલનો હિસ્સો માત્ર ૩૪.૩ ટકા છે, જ્યારે ૧૨૫ સીસી બાઇક્સ ૩૦ ટકા અને ૧૫૦-૨૦૦ સીસી મોટરસાઇકલ ૨૫.૧ ટકા યોગદાન આપે છે.
સ્કૂટરની માંગ પણ દર્શાવે છે કે ગ્રામીણ લોકોની પસંદગી માત્ર એન્ટ્રી-લેવલ વાહનો પૂરતી સીમિત નથી. ગ્રામીણ સ્કૂટર બજાર લગભગ સમાન રીતે વહેંચાયેલું છે, જેમાં ૯૦-૧૧૦ સીસી મોડલ્સનો હિસ્સો ૪૯ ટકા અને ૧૨૫ સીસી મોડલ્સનો હિસ્સો ૪૯.૩ ટકા છે.
કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં મુખ્યત્વે ૧૨૫ સીસી સ્કૂટરનું બજાર છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ૯૦-૧૧૦ સીસી મોડલ્સ તરફ વધુ ઝુકાવ જોવા મળે છે.




