Get The App

બજાર અસ્થિર છતાં, IPO થકી વિક્રમી ભંડોેળ એકત્ર કરાયું

- છેલ્લા ક્વાર્ટરમાં આઈપીઓ પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો થવા છતાં ૧૧૨ કંપનીઓએ આઈપીઓ દ્વારા રૂ. ૧.૮ લાખ કરોડ એકત્ર કર્યા

- નાણાકીય વર્ષ ૨૦૨૬માં પ્રાયમરી બજારમાં ઘમઘમાટ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
બજાર અસ્થિર છતાં, IPO થકી વિક્રમી ભંડોેળ  એકત્ર કરાયું 1 - image

અમદાવાદ : સેકન્ડરી માર્કેટમાં ઉથલપાથલ હોવા છતાં, નાણાકીય વર્ષ ૨૦૨૬માં પ્રાયમરી બજારમાં ઘમઘમાટ જોવા મળ્યો હતો.નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન, ૧૧૨ કંપનીઓએ આઈપીઓ  દ્વારા રૂ. ૧.૮ લાખ કરોડ એકત્ર કર્યા હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૭૮  આઈપીઓ  દ્વારા  રૂ. ૧.૬૨ લાખ કરોડ એકત્ર કરાયા હતા.

પહેલી વાર એવું બવ્યું છે કે જ્યારે આઈપીઓ ભંડોળ સતત બે વર્ષ સુધી રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર રહ્યું હોય. સામાન્ય રીતે મજબૂત વર્ષ પછી પ્રવૃત્તિઓ ધીમી પડે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના છેલ્લા ક્વાર્ટરમાં આઈપીઓ પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો થયો હોવા છતાં આ સિદ્ધિ જળવાઈ રહી હતી. છેલ્લા ક્વાર્ટરમાં ફક્ત રૂ. ૧૮,૭૭૨ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યારે નિફ્ટીમાં લગભગ ૧૫ ટકાનો ઘટાડો થયો હતો.

ભૌગોલિક રાજકીય તણાવ, ક્ડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે છેલ્લા ક્વાર્ટરમાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી. જોકે, મજબૂત સ્થાનિક સંસ્થાકીય રોકાણે બજારના ઘટાડાને મર્યાદિત કર્યો હતો, જોકે આમ છતાં વર્ષના અંત સુધીમાં બજારની અસ્થિરતામાં વધારો થયો હતો.

નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ નબળો દેખાવ કર્યો હતો. નિફ્ટી ૫.૧ ટકા અને સેન્સેક્સ ૭.૧ ટકા ઘટયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૦ પછી આ તેમનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. નબળા બજાર સેન્ટિમેન્ટ હોવા છતાં, આઈપીઓમાંથી રેકોર્ડ ભંડોળ એકત્ર કરવાથી સ્થાનિક મૂડી બજારોની વધતી જતી શક્તિ અને વિદેશી મૂડી પરની નિર્ભરતા પ્રતિબિંબિત થાય છે.

નબળા લિસ્ટિંગે રોકાણકારોના ઉત્સાહને ઓછો કર્યો હતો અને તેમણેપસંદગીયુક્ત રોકાણ વ્યૂહરચના પર વધુ ભાર મૂક્યો હતો. સરેરાશ લિસ્ટિંગ લાભ એક વર્ષ પહેલા ૩૦ ટકાની સરખામણીમાં ૮ ટકા સુધી ઘટી ગયો હતો. આમાંથી, લોન્ચ સમયે ફક્ત ૩૧ ટકા આઈપીઓએ ૧૦ ટકાથી વધુ વળતર આપ્યું હતું.

ઘણી કંપનીઓએ તેમની આઈપીઓ યોજનાઓ ચાલુ રાખી હોવા છતાં રોકાણકારોની ભાગીદારીમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૧૦ ગણાથી વધુ અરજીઓ ધરાવતા આઈપીઓની સંખ્યા ૭૨ ટકાથી ઘટીને માત્ર ૫૬ ટકા થઈ ગઈ છે. રિટેલ ભાગીદારી પણ નબળી પડી છે, સરેરાશ અરજીઓ એક વર્ષ પહેલા ૨.૧૩ મિલિયનથી ઘટીને ૧.૩ મિલિયન થઈ ગઈ છે.

ઉપલબ્ધ ડેટા મુજબ, રૂ. ૧.૭૫ લાખ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહેલી ૧૪૪ કંપનીઓને સેબીની મંજૂરી મળી છે, જ્યારે રૂ. ૧.૩૭ લાખ કરોડના મૂલ્યની ૬૩ આઈપીઓ દરખાસ્તો મંજૂરીની રાહ જોઈ રહી છે.

જાણકારોએ જણાવ્યું હતું કે, કંપનીઓ અસ્થિર અથવા પ્રતિકૂળ બજાર પરિસ્થિતિઓમાં આઈપીઓ લોન્ચ કરવાને બદલે તેને મુલતવી રાખવા તૈયાર છે. જે થોભો અને રાહ જુઓનો અભિગમ દર્શાવે છે.