Business

ભારે વરસાદ, પૂરથી પાકને નુકસાન છતાં, અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક

By GS Team
19 Sep 20252 mins read
This article was originally published on 19 Sep 2025
ભારે વરસાદ, પૂરથી પાકને નુકસાન છતાં, અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક

અમદાવાદ : ભારે વરસાદ અને પૂરને કારણે પાકને મોટાપાયે થયેલા નુકસાનના અહેવાલો છતાં કેન્દ્ર સરકારે ઉત્પાદન વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ૨૦૨૫-૨૬ માટે ખાદ્ય અનાજ ઉત્પાદનમાં વધારો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તેમ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની માંગને પહોંચી વળવા માટે દેશમાં પૂરતા પ્રમાણમાં બીજ ઉપલબ્ધ છે. રવિ પાક માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ૩ ઓક્ટોબરથી શરૂ થશે. ૨૦૨૪-૨૫ માટે ૩૪૧.૫ મિલિયન ટન ખાદ્યાન્ન ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે ૨૦૨૫-૨૬ માટે ૩૬૨.૫ મિલિયન ટન છે. 

જોકે, ૨૦૨૪-૨૫માં કુલ ખાદ્યાન્ન ઉત્પાદન ૩૫૩.૯ મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. ડાંગર, ઘઉં, મકાઈ, મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકોમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાયું છે. ખાદ્યાન્ન ઉત્પાદનની સાથે સાથે દેશમાં ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં પણ ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

રવિ પાક માટે પૂરતા બીજ ઉપલબ્ધ છે. વાવણીના લક્ષ્યાંક માટે ૨૨.૯ મિલિયન ટન બીજની જરૂર છે, અને હાલ તે  વધુ, લગભગ ૨૫ મિલિયન ટન બીજ ઉપલબ્ધ છે.  વરસાદ અને અન્ય પરિસ્થિતિઓને કારણે પાકની પેટર્ન બદલાય છે. આ વર્ષે સારો વરસાદ પડયો છે, જેના કારણે વાવણીમાં વધારો થયો છે. ખાતરોની વધારાની માંગનું આ કારણ હોઈ શકે છે. 

સરકાર પીડિતોને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કેટલાક રાજ્યો ખાસ કરીને પૂરથી પ્રભાવિત થયા છે, જેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, આસામ અને આંશિક રીતે હરિયાણાનો સમાવેશ થાય છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહાય પૂરી પાડવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં

 દેશમાં ચોખા અને ઘઉંનું ઉત્પાદન વૈશ્વિક સ્તરે છે, ત્યારે કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે વધુ પ્રયાસોની જરૂર છે. આ દિશામાં એક રોડમેપ વિકસાવવામાં આવશે. પ્રતિ હેક્ટર ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવશે. રાજ્યોમાં પાકવાર ચર્ચાઓ અંગે તેમણે કહ્યું કે અત્યાર સુધી કપાસ અને સોયાબીનનું ઉત્પાદન વધારવા માટે મોટા પાયે બેઠકો યોજાઈ છે, રવિ પાક અભિયાન અને ત્યારબાદ અન્ય વિવિધ પાકોનું ઉત્પાદન વધારવા માટે વધુ નક્કર પગલાં લેવામાં આવશે.