Business

પ્રીમિયમ ફોનની માંગ વધી, બજેટ ફોનનું વેચાણ ઘટયું

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ફોન અપગ્રેડ કરવાની મહત્ત્વાકાંક્ષા અને સરળ ધિરાણ ઉપલબ્ધતાને કારણે, ₹15,000 થી ઓછી કિંમતના ફોનના વેચાણમાં લગભગ 50% નો મોટો ઘટાડો નોંધાયો છે. સ્માર્ટફોનની સરેરાશ વેચાણ કિંમત વધીને આશરે ₹30,000 થઈ ગઈ છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર, એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં શિપમેન્ટ વાર્ષિક ધોરણે 10% ઘટયું છે. લોકો હવે મોંઘા અને પ્રીમિયમ ફોન ખરીદી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રીમિયમ ફોનની માંગ વધી, બજેટ ફોનનું વેચાણ ઘટયું

ફોન અપગ્રેડ કરવાની મહત્ત્વાકાંક્ષા અને સરળ ધિરાણ ઉપલબ્ધતાની અસર
રૂ. ૧૫,૦૦૦ થી ઓછી કિંમતના ફોનના વેચાણ વોલ્યુમમાં લગભગ ૫૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયો : સ્માર્ટફોનની સરેરાશ વેચાણ કિંમત વધીને આશરે રૂ. ૩૦,૦૦૦ થઈ ગઈ
અમદાવાદ : ભારતનું સ્માર્ટફોન માર્કેટ બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે, અને સૌથી સસ્તા સેગમેન્ટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. કાઉન્ટર પોઇન્ટ રિસર્ચ અનુસાર, એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં શિપમેન્ટ વાર્ષિક ધોરણે ૧૦% ઘટયું છે, જે છેલ્લા છ વર્ષમાં જૂન ક્વાર્ટરનો સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડાની સૌથી મોટી અસર બજેટ સેગમેન્ટ પર પડી છે. રૂ. ૧૫,૦૦૦ થી ઓછી કિંમતના ફોનના વેચાણ વોલ્યુમમાં લગભગ ૫૦ ટકા નો મોટો ઘટાડો નોંધાયો છે.
સ્માર્ટફોનની સરેરાશ વેચાણ કિંમત વધીને આશરે રૂ. ૩૦,૦૦૦ થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉની સરખામણીએ લગભગ ૨૦% વધુ છે. ભારતીયો ઓછો ખર્ચ કરી શકતા હોવાથી ઓછા ફોન ખરીદી રહ્યા છે એવું નથી, જે લોકો ખરીદી રહ્યા છે તેઓ પહેલા કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે.
ડેટા દર્શાવે છે કે તે ત્રિમાસિક ગાળામાં કુલ સ્માર્ટફોન વેચાણ ૪.૮ કરોડ (૪૮ મિલિયન) યુનિટે પહોંચ્યું હતું, જે વાર્ષિક ધોરણે ૪.૩% વધુ હતું. જોકે સમગ્ર ૨૦૨૫ વર્ષ માટે શિપમેન્ટ ૧૫.૨ કરોડ (૧૫૨ મિલિયન) યુનિટ પર સ્થિર રહ્યું હતું. બજાર સંખ્યાની દ્રષ્ટિએ મોટું નથી થઈ રહ્યું, પરંતુ લોકો મોંઘા અને પ્રીમિયમ ફોન તરફ વળી રહ્યા છે.
રિઝર્વ બેંકનો ડેટા દર્શાવે છે કે અન્ય રિટેલ લોન,જેમાં કાર, હોમ અને ક્રેડિટ કાર્ડ લોન સામેલ નથી, તેમાં જાન્યુઆરીથી જૂન સુધી દર મહિને વાર્ષિક ધોરણે ૨૩-૨૪% નો ઝડપી વધારો થયો છે.
જોકે આ બધી રકમ માત્ર ડિવાઇસ પાછળ નથી વપરાઈ, પરંતુ હાઈ-એન્ડ ફોનનો મોટો હિસ્સો ઈએમઆઈ (હપ્તેથી) પર ખરીદવામાં આવી રહ્યો છે, જેમાં બેંકો અને એનબીએફસી (નોન-બેંકિંગ ફાઇનાન્સર્સ) સીધા સ્ટોર કાઉન્ટર પર જ બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી રહ્યા છે.
જેન ઝેડ હજુ પણ બજારનું મુખ્ય લક્ષ્યાંક છે. આ એવો વર્ગ છે જેને ૨૦૨૫-૨૬ના આવકવેરા ઘટાડાનો સીધો લાભ મળ્યો છે, જેમાં વાર્ષિક રૂ. ૧૨.૭૫ લાખથી ઓછી કમાણી કરતા પગારદાર કર્મચારીઓ માટે ટેક્સ શૂન્ય કરી દેવામાં આવ્યો હતો.
એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન સેગમેન્ટ તદ્દન વિપરીત ચિત્ર રજૂ કરે છે. લોકો માટે ફોન ખરીદવાની ક્ષમતા (પરવડે તેવી સ્થિતિ) ઝડપથી ઘટી રહી છે.
રૂ. ૧૦,૦૦૦ના ફોન માટે મેમરીનો ખર્ચ લગભગ ચાર ગણો વધીને રૂ. ૪,૫૦૦ થઈ ગયો છે, અને ઉત્પાદકો પાસે આ વધારાનો થોડો બોજ ગ્રાહકો પર નાખવા સિવાય કોઈ વિકલ્પ નથી.
કાઉન્ટરપોઇન્ટના અંદાજ મુજબ, જૂનના અંત સુધીમાં શિપમેન્ટમાં રૂ. ૧૫,૦૦૦થી ઓછી કિંમતના ફોનનો હિસ્સો ઘટીને માત્ર ૨૭% રહ્યો છે, જે એક વર્ષ પહેલાં લગભગ ૪૬% હતો.
સ્માર્ટફોન પ્રાઈસ બેન્ડ વૃદ્ધિ દર પર નજર

-
Q1FY26
Q2FY26
રૂ. ૧૫૦૦૦ સુધી
-૨૮
-૪૭
રૂ. ૧૫થી ૩૦૦૦૦
+૩૦
+૨૪
રૂ.૩૦ હજારથી ઉપર
+૩
+૧૬
ઓવરઓલ માર્કેટ
-૨
-૧૦