સ્માર્ટફોન સહિત ઈલેકટ્રોનિકસ ચીજવસ્તુની માગ વધશે

મુંબઈ : નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં આવક વેરા રાહત મર્યાદામાં કરેલા વધારાને કારણે દેશમાં સ્માર્ટફોન્સ, લેપટોપ્સ તથા ટેબ્લેટસ માટેની માગમાં વધારો થવાની અપેક્ષા છે. રાહતને પરિણામે કરદાતા ખાસ કરીને યુવા કરદાતાની ખરીદશક્તિમાં વધારો થવાની આશા રાખવામાં આવી રહી છે.
રૂપિયા ૧૨.૭૫ લાખ સુધીની આવક ને વેરામાંથી અપાયેલી મુક્તિને પરિણામે કરદાતા ખાસ કરીને યુવા કરદાતાના હાથમાં ખર્ચવા માટે વધુ નાણાં બચશે જે સ્માર્ટફોન્સ, લેપટોપ્સ તથા ટેબ્લેટસ જેવા ઈલેકટ્રોનિકસ સાધનો પાછળ વપરાશે તેવો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
કરદાતાના હાથમાં ખર્ચવા માટે વધુ નાણાં ઉપલબ્ધ બનશે જે ઉપભોગ માગમાં વધારો કરાવશે . સામાન્ય રીતે યુવા વર્ગ ઈલેકટ્રોનિકસ ચીજવસ્તુઓ ખરીદવામાં વધુ રસ ધરાવતો હોય છે, એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોેનિકસ એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
રૂપિયા ૧૨ લાખ સુધીની આવકને વેરા મુક્તિ અપાઈ હોવાથી હવેથી આટલી આવક સુધીની કરદાતાને ટીડીએસ કપાશે નહીં જેનો પણ કરદાતાને લાભ થઈ રહેશે, એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું. કરદાતાની ખરીદશક્તિમાં વધારો થશે.
નવી વેરા પદ્ધતિમાં રૂપિયા ૧૨.૭૫ લાખ સુધીની આવકને વેરામાંથી અપાયેલી રાહત મધ્યમ વર્ગને લાભ કરાવશે અને તેમના દ્વારા ઉપભોગ ખર્ચમાં વધારો થશે.
આવક વેરામાં રાહતને પગલે કરદાતાના હાથમાં વધુ રૂપિયા એક લાખ કરોડ ઉપલબ્ધ બનશે જે નાણાં વર્ષ ૨૦૨૫માં વ્યક્તિગત આવક વેરાની વસૂલીના અંદાજે ૧૦ ટકા જેટલા થવા જાય છે. તાજેતરના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારમાં ઉપભોગ માગ મંદ જોવા મળતી હતી તેમાં હવે વધારો જોવા મળવાની અપેક્ષા છે.
શહેરી વિસ્તારો ખાસ કરીને પ્રથમ તથા દ્વીતિય શ્રેણીના શહેરોમાં ઊંચી આવક સાથેનો યુવા વર્ગ મોટી સંખ્યામાં વસે છે. આ વર્ગ તરફથી માગમાં વધારો જોવા મળશે એમ એક એફએમસીજી કંપનીના માર્કેટિંગ મેનેજરે જણાવ્યું હતું.




