Business

દિલ્હી ચાંદી રૂ. 15,000 ઉછળીને રૂ. 2,65,000ની ટોચે

By GS TEAM
13 Jan 20261 min read
દિલ્હી ચાંદી રૂ. 15,000 ઉછળીને રૂ. 2,65,000ની ટોચે

- વૈશ્વિક બજારની તેજી પાછળ દિલ્હી સોનું ઉછળીને રૂ. 1,44,600ની વિક્રમી સપાટીએ

અમદાવાદ : ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તથા ટ્રમ્પ વચ્ચે તણાવ વધતા વૈશ્વિક બજારમાં આજે સોનું ઉછળીને ૪૬૦૦ ડોલરને તથા ચાંદી ૮૪ ડોલરની સપાટી કૂદાવી જતાં ભારતીય સોના- ચાંદી બજારોમાં પણ આજે તોફાની તેજી જોવા મળી હતી જેમાં દિલ્હી ચાંદી રૂ. ૨,૬૫,૦૦૦ની જ્યારે સોનું રૂ. ૧,૪૪,૬૦૦ની નવી ટોચે પહોંચ્યું હતું.

વૈશ્વિક સ્તરે ઉદ્ભવેલી અનિશ્ચિતતાઓ પ્રબળ બનવા સાથે અમેરિકાના અહેવાલો પાછળ આજે વૈશ્વિક બજારમાં ફંડો દ્વારા સોના- ચાંદીમાં સેફ હેવન સ્વરૂપની માંગ વધતા ત્યાં ઝડપી આગેકૂચ જોવાઈ હતી જે મોડી સાંજે થોડાક ઘટીને સોનું ૪૫૮૩ ડોલર અને ચાંદી ૮૩.૮૭ ડોલર રહી હતી.

વૈશ્વિક બજારમાં સોના- ચાંદીની સાથે આજે પ્લેટીનમ, પેલેડીયમ અને કોપરના ભાવમાં પણ ઉછાળા નોંધાયા હતા.  આ અહેવાલો પાછળ દિલ્હી બુલિયન બજારમાં આજે નવી લેવાલી પાછળ ચાંદી રૂ. ૧૫,૦૦૦ ઉછળીને રૂ. ૨,૬૫,૦૦૦ની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગઈ હતી. બીજી તરફ સોનું પણ રૂ. ૨,૯૦૦ વધીને ૧,૪૪,૬૦૦ની નવી ટોચે પહોંચ્યું હતું. અમદાવાદ બુલિયન બજારમાં આજે ચાંદી રૂ. ૭,૦૦૦ ઉછળીને રૂ. ૨,૫૫,૦૦૦ અને સોનું રૂ. ૧,૭૦૦ ઉછળીને ૧,૪૪,૫૦૦ની ટોચે પહોંચ્યું હતું.