દિપિન્દર ગોયલે છોડ્યું 'Eternal'નું CEO પદ: હવે નવા સાહસો અને હાઈ-રિસ્ક પ્રોજેક્ટ્સ પર કરશે કામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Deepinder Goyal resigns as Eternal CEO: ઝોમેટો અને બ્લિન્કિટની પેરેન્ટ કંપની 'ઈટર્નલ' (Eternal)માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સ્થાપક અને સીઈઓ દિપિન્દર ગોયલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ વાઇસ ચેરમેનની ભૂમિકા સંભાળશે. આગામી 1 ફેબ્રુઆરીથી બ્લિન્કિટના સ્થાપક અલ્બિન્દર ઢિંડસા આ જવાબદારી સંભાળશે.
શા માટે દિપિન્દર ગોયલે પદ છોડ્યું?
દિપિન્દર ગોયલે તેમનું પદ છોડવા પાછળનું મુખ્ય કારણ તેમના નવા અને સાહસિક વિઝનને ગણાવ્યું છે. તેમણે શેરધારકોને પત્ર લખીને બહુ જ સ્પષ્ટતાથી સમજાવ્યું છે કે, હાલમાં તેમનું મન એવા પ્રોજેક્ટ્સ અને વિચારોમાં પરોવાયેલું છે જેમાં જોખમનું પ્રમાણ ઘણું વધારે છે અને જેમાં સતત નવા પ્રયોગો કરવાની જરૂર છે. ગોયલના મતે, 'ઈટર્નલ' હવે એક પબ્લિક લિસ્ટેડ કંપની છે, જેની જવાબદારી હજારો રોકાણકારો પ્રત્યે હોય છે. આવા કિસ્સામાં, ખૂબ જ જોખમી પ્રયોગો કંપનીની અંદર રહીને કરવાને બદલે સ્વતંત્ર રીતે બહાર રહીને કરવા વધુ ઉચિત છે, જેથી મુખ્ય કંપનીના બિઝનેસ પર તેની કોઈ નકારાત્મક અસર ન પડે.
હવે અલ્બિન્દર ઢિંડસા સંભાળશે 'ઈટર્નલ'ની કમાન
બીજી તરફ, કંપનીના ભાવિ નેતૃત્વ વિશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે હવેથી કંપનીના તમામ રોજબરોજના અને ઓપરેટિંગ નિર્ણયોની જવાબદારી અલ્બિન્દર ઢિંડસા સંભાળશે. અલ્બિન્દરની ક્ષમતા પર ભાર મૂકતા ગોયલે કહ્યું કે, બ્લિન્કિટને ખરીદવાથી લઈને તેને આર્થિક રીતે સધ્ધર બનાવવામાં અલ્બિન્દરનું મહત્ત્વની યોગદાન રહ્યું છે. તેમની આ જ કાર્યક્ષમતા સાબિત કરે છે કે તેઓ માત્ર બ્લિન્કિટ જ નહીં, પણ સમગ્ર 'ઈટર્નલ' ગ્રૂપને સફળતાપૂર્વક આગળ લઈ જવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ ફેરફાર સાથે દિપિન્દર ગોયલ હવે તેમના નવા સંશોધનો અને 'ડીપ-ટેક' સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
લીડરશિપ ટ્રાન્ઝિશન: શેર હોલ્ડિંગમાં ફેરફાર
આ ટ્રાન્ઝિશનના ભાગરૂપે, દિપિન્દર ગોયલે તેમના તમામ અનવેસ્ટેડ સ્ટોક ઓપ્શન્સ(ESOPs) પરત કરી દીધા છે, જે હવે કંપનીના એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પૂલમાં જશે.
ફૂડ ડિલિવરી બાદ હવે 'ડીપ-ટેક' પર ફોકસ
દિપિન્દર ગોયલ છેલ્લા એક વર્ષથી વિજ્ઞાન અને અત્યાધુનિક ટેકનોલોજી(Deep-Tech)માં રસ લઈ રહ્યા છે. તેમના નવા સાહસો મુખ્યત્વે માનવ સ્વાસ્થ્ય અને ભવિષ્યની ટેકનોલોજી પર આધારિત છે.
તેમણે LAT એરોસ્પેસ નામના સ્ટાર્ટઅપમાં અંદાજે ₹165 કરોડ ($20 મિલિયન) જેવું મોટું રોકાણ કર્યું છે, જે અંતરિક્ષ ક્ષેત્રે કામ કરે છે. આ ઉપરાંત, માનવ આયુષ્ય વધારવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે તેમણે 'Continue' નામનું રિસર્ચ કેન્દ્ર શરૂ કર્યું છે. એટલું જ નહીં, તેમણે 'Temple' નામનું એક અનોખું ગેજેટ પણ બનાવ્યું છે, જે ઘડિયાળની જેમ પહેરી શકાય છે અને તે મગજમાં લોહીના પરિભ્રમણ પર સતત નજર રાખે છે. ટૂંકમાં, ગોયલ હવે પૃથ્વીથી લઈને અંતરિક્ષ અને માનવ શરીરના રહસ્યો ઉકેલવા તરફ આગળ વધી રહ્યા છે.
2008થી 2026 સુધીની સફર
દિપિન્દર ગોયલે 2008માં પંકજ ચઢ્ઢા સાથે મળીને 'ફૂડીબે'(Foodiebay) તરીકે આ કંપનીની શરૂઆત કરી હતી, જે પાછળથી ઝોમેટો બની. એક સમયે રેસ્ટોરન્ટના મેનૂ બતાવતી આ એપ આજે ભારતની સૌથી મોટી ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની બની ગઈ છે.
રસપ્રદ વાત એ છે કે, ગોયલે અગાઉ એક પોડકાસ્ટમાં પણ સંકેત આપ્યો હતો કે તેઓ પ્રોડક્ટ સાઈડ પર કામ કરવા વધુ ઈચ્છુક છે અને મોટી સંસ્થા ચલાવવા કરતા ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે કામ કરવામાં તેમને વધુ રસ છે.









