Get The App

VIDEO : વસઈના સમુદ્રમાં 'ઉકળતું પાણી', કુદરતી ગેસ લીકેજ કે પાઇપલાઇન ફાટી તે દિશામાં સઘન તપાસ શરુ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : વસઈના સમુદ્રમાં 'ઉકળતું પાણી', કુદરતી ગેસ લીકેજ કે પાઇપલાઇન ફાટી તે દિશામાં સઘન તપાસ શરુ 1 - image


Mysterious incident in Vasai Sea, Maharashtra : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના સમુદ્રમાં વસઈ પાસે છેલ્લા થોડા દિવસોથી એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના બની રહી છે. સમુદ્રના એક વિશાળ વિસ્તારમાં જાણે પાણી ઉકળી રહ્યું હોય એમ પરપોટા નીકળી રહ્યા છે. શાંત સમુદ્રજળ વચ્ચે ખળભળતા ફીણવાળા પાણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ ઘટનાની તાત્કાલિક તપાસ શરુ કરાઈ છે.

નિષ્ણાતોના મતે આ ઘટનાના સંભવિત કારણો 

1. કુદરતી મિથેન ગેસ લીકેજ: આ સૌથી પ્રબળ શંકા છે. ધરતીની સપાટીની નીચે, સમુદ્રતળમાં, કુદરતી રીતે મિથેન ગેસના ભંડાર હોય છે. જો કોઈ ભૂકંપીય હલચલને લીધે સમુદ્રતળમાં તિરાડ પડે તો પેટાળમાં ધરબાયેલો મિથેન ગેસ મુક્ત થાય અને પરપોટાના રૂપમાં સમુદ્ર સપાટી પર દેખાઈ શકે છે, જે પાણી ઉકળતું હોય એવો દેખાવ સર્જે છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રનો સમુદ્ર કિનારો ટેક્ટોનિક પ્લેટોની સરહદ પર આવેલો હોવાથી અહીં આવી ઘટનાની શક્યતા છે.

2. તેલ કે ગેસ પાઇપલાઇન લીકેજ: આ વિસ્તાર તેલ અને ગેસ ઉલેચતા ‘મુંબઈ હાઇ’ ક્ષેત્રની નજીક છે. સમુદ્રપેટાળમાંથી કાઢેલો તેલ અને ગેસ જમીન પર પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવામાં આવેલી છે. કોઈ જૂની પાઇપલાઇન ફાટી ગઈ હોય અને તેમાંથી ગેસ લીક થઈ રહ્યો હોય તો આ પ્રકારની હલચલ પેદા થઈ શકે છે.

3. સમુદ્રતળની ભૂગર્ભીય હલચલ: સમુદ્રતળ પર સેંકડો-હજારો વર્ષોથી જમા થયેલા ‘સેડિમેન્ટ્સ’(નરમ માટી અને કીચડની ગાદી)માં ક્યારેક મોટી હલચલ થાય ત્યારે સેડિમેન્ટ્સમાં કેદ રહેલા મિથેન જેવા કુદરતી વાયુઓ છૂટા પડે છે અને પરપોટાના રૂપમાં સમુદ્રની સપાટી પર ઉભરી નીકળે છે.

4. દરિયાઈ હાઇડ્રેટ્સનું અસ્થિર થવું: સમુદ્રતળમાં બરફ જેવા સ્વરૂપમાં પણ મિથેન ગેસ હોય છે, જેને ‘હાઇડ્રેટ્સ’ કહેવાય છે. તાપમાન વધારો થાય કે દબાણ ઘટે ત્યારે આ હાઇડ્રેટ્સ ઓગળીને ગેસ મુક્ત કરી શકે છે.

સંભવિત જોખમને કારણે માછીમારોને ચેતવ્યા 

આ અસામાન્ય ઘટનાની ખબર મળતાં જ પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તપાસ શરુ કરાઈ છે. આ વિસ્તારમાંથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પસાર થાય છે. અહીં મોટી માત્રામાં માછીમારી પણ થાય છે. તેથી નૌકાયાન અને સ્થાનિક માછીમારો માટે જોખમ છે. સમુદ્રના પાણીમાં થઈ રહેલી રહસ્યમય હલચલનું કારણ ન જણાતા માછીમારોને તે વિસ્તારમાં ન જવાની સલાહ અપાઈ છે. તપાસ માટે ભારત સરકારે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ(INCOIS)ની એક વિશેષ ટીમ મોકલી છે, જે તેનું વૈજ્ઞાનિક કારણ શોધવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો : તેલંગાણામાં એક બાદ એક 600 કૂતરાઓના મોતથી ખળભળાટ! ઝેર અપાયું હોવાનો આરોપ, FIR નોંધાઈ

તપાસ કેવી રીતે થશે?

INCOISની ટીમ ‘ભારતીય કોસ્ટ ગાર્ડ’, ‘રાષ્ટ્રીય સમુદ્રશાસ્ત્ર સંસ્થા’ (NIO - National Institute Of Oceanography) અને ‘ઓએનજીસી’ સાથે મળીને કામ કરશે. તેઓ સોનાર ટૅક્નોલૉજીથી સજ્જ સર્વેક્ષણ જહાજો મોકલીને સમુદ્રતળની તપાસ કરશે. પાણીના નમૂના લઈને તેમાં ઓગળેલા મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓનું પરીક્ષણ કરશે. આ ઉપરાંત ઘટના સ્થળે કોર્ડિનેટ્સની નજીકમાં કોઈ પાઇપલાઇન લીકેજ તો નથી તેની પણ તપાસ કરાશે. 

ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે

વિશ્વમાં અન્ય સ્થળોએ પણ આવી ઘટનાઓ જોવા મળી ચૂકી છે. સપ્ટેમ્બર 2024માં ઉત્તર સમુદ્રના બાલ્ટિક સમુદ્ર વિસ્તારમાં (ફિનલૅન્ડ અને એસ્ટોનિયા વચ્ચે) 'નોર્ડ સ્ટ્રીમ 1' (Nord Stream 1) નામની કુદરતી ગેસની મુખ્ય પાઇપલાઇન ફાટી હતી, જેના કારણે ભારે માત્રામાં મિથેન ગેસ સમુદ્રમાં મુક્ત થયો હતો. આ ગેસ સમુદ્રની સપાટી પર આવતાં પાણીમાં મોટામોટા પરપોટા સર્જાયા હતા અને ખળભળતું પાણી ઉકળતું હોય એવું દેખાતું હતું. વસઈની ઘટનામાં પણ જો એમ જ બન્યું હોય તો એ દેશના દરિયાઈ ક્ષેત્રમાં મોજૂદ તેલ-ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભા કરે છે.

માછીમારો અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થશે

પાલઘર જિલ્લાના હજારો માછીમારોનું જીવન સમુદ્ર પર આધારિત છે. આ ઘટનાથી તેમની માછીમારી અસરગ્રસ્ત થઈ શકે છે. જો ગેસ લીકેજ હોય તો તેનાથી સમુદ્રી જીવો અને પર્યાવરણને નુકસાન થવાનો પણ ભય રહેલો છે. તેથી જ આનું કારણ ઝડપથી જાણીને તેનું નિવારણ કરવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : ફરી પલટશે રાજ ઠાકરે? ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા હરીફને જ ગળે લગાવવાની તૈયારી