Business

એન્ટી ડમ્પિંગ ડયૂટીની બાકી પડેલી ભલામણોના અમલ નહીં થતા નુકસાન

By GS Team
28 May 20262 mins read
એન્ટી ડમ્પિંગ ડયૂટીની બાકી પડેલી ભલામણોના અમલ નહીં થતા નુકસાન

મુંબઈ : ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ  (ડીજીટીઆર) દ્વારા ભલામણ કરાયેલી એન્ટી ડમ્પિંગ ડયૂટીના અમલ કરવામાં નહીં આવતા ઘરેલુ ઉદ્યોગને વર્ષે રૂપિયા ૧૧૯૩૮ કરોડનું નુકસાન થઈ રહ્યું છે જ્યારે આ ડયૂટી જો લાગુ કરવામાં આવે તો આયાત ઘટવાથી દેશની તિજોરીને વર્ષે રૂપિયા ૨૮૫૪૦ કરોડ  (૩ અબજ ડોલર)ના ફોરેકસની બચત થઈ શકે છે. 

૭૨૮.૪૯ અબજ ડોલરની વિક્રમી સપાટીએથી ભારતનું ફોરેેકસ રિઝર્વ હાલમાં નોંધપાત્ર ઘટી ૬૮૮ અબજ ડોલર પર આવી ગયું છે, તેવા સમયે આ રિપોર્ટ આવી પડયો છે.

ડીજીટીઆર દ્વારા એન્ટી ડમ્પિંગ ડયૂટી બાબત તપાસ કરીને તે અંગે તે નાણાં મંત્રાલયને રિપોર્ટ સોંપે છે અને રિપોર્ટમાં કરાયેલી ભલામણ પ્રમાણે નાણાં મંત્રાલય અમલ કરે છે.

ડીજીટીઆર દ્વારા કરાયેલી ૫૬ જેટલી ભલામણનો નાણાં મંત્રાલયે અમલ કર્યોે નથી જેને કારણે વાર્ષિક રૂપિયા ૧૧૯૩૮ કરોડની આર્થિક ખોટ થઈ રહી હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેે. 

ભલામણોનો અમલ કરવામાં આવે તો, ઘરેલુ ઉદ્યોગો જ માગને પૂરી કરી શકે છે અને આયાત પર નિર્ભર રહેવું ન પડે. આમ આયાત પેટે વાર્ષિક રૂપિયા ૨૮૫૪૦ કરોડની બચત થઈ શકે છે. 

૨૦૨૦ સુધી ડીજીટીઆરની ૯૯ ટકા ભલામણોનો અમલ થતો હતો. તાજેતરના વર્ષોમાં દેશમાં સસ્તા આયાતી માલને કારણે ઘરેલુ ઉદ્યોગને નુકસાન થવા લાગતા એન્ટી ડમ્પિંગ ડયૂટી માટે ભલામણમાં પણ વધારો થયો છે. 

સંબંધિત ઉદ્યોગની ફરિયાદને આધારે ડીજીટીઆર ડયૂટી લાગુ કરવા ભલામણ કરતું હોય છે. 

સેન્ટર ફોર ડોમેસ્ટિક ઈકોનોમી પોલિસી  રિસર્ચ દ્વારા ડબ્લ્યુટીઓના અભ્યાસ માટે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ૨૧ પ્રોડકટસનો અભ્યાસ કરાયો હતો જેની માટે ડીજીટીઆર દ્વારા ભલામણ કરવામાં આવી હતી, પરંતુ તેના પરનો અમલ બાકી છે. 

ભારત દ્વારા એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવાનો નિર્ણય એકદમ જ સાવચેતીપૂર્ણ લેવાતો હોવાનો પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.