Business

હાલ તુરત સેબી મ્યુ. ફંડ પોર્ટફોલિયો અને ડિમેટ એકાઉન્ટો ફ્રીઝ નહીં કરે

By GS Team
11 Jun 20242 mins read
This article was originally published on 11 Jun 2024
હાલ તુરત સેબી મ્યુ. ફંડ પોર્ટફોલિયો અને  ડિમેટ એકાઉન્ટો ફ્રીઝ નહીં કરે

મુંબઈ : રોકાણકારોએ તેમના નોમીની એટલે વારસદાર તરીકેની વિગત રજૂ નહીં કરી હોય તો પણ તેમના મ્યુચ્યુઅલ ફંડ  પોર્ટફોલિયો અને ડિમેટ એકાઉન્ટો ફ્રીઝ નહીં કરવાનો નિર્ણય મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આજે લીધો છે.

રોકાણકારોની અનુકૂળતા માટે થયેલી રજૂઆતોના આધાર પર સેબીએ લીધેલો નિર્ણય

સેબીએ આ નિર્ણય વર્તમાન રોકાણકારો અને યુનિટ ધારકો માટે બજારના સહભાગીઓની રજૂઆતોના આધાર પર લીધો છે, જેમાં અનુપાલનમાં સરળતા અને રોકાણકારોની સુવિધાની જરૂરીયાતને ધ્યાનમાં લેવામાં આવી છે. ફિઝિકલ સ્વરૂપે સિક્યુરિટીઝ ધરાવતા રોકાણકારો ડિવિડન્ડ, વ્યાજ ચૂકવણી પ્રાપ્ત કરવાને લાયક-માન્ય રહેશે એમ સેબીના સર્કયુલરમાં જણાવાયું છે.

અત્રે નોંધનીય છે કે, સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે તેમના  નોમીનેશનો અપડેટ કરવા કે પૂર્ણ કરવા માટેની મુદ્દત ગત વર્ષે ડિસેમ્બરમાં વધારીને ૩૦, જૂન ૨૦૨૪ સુધી કરી હતી. રોકાણકારો કે યુનિટધારક તેમણે નોમિનેશનની પસંદગી રજૂ કરવામાં આવી ન હોય તો પણ તેમના મ્યુચ્યુઅલ ફંડ રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટો (આરટીએ) પાસેથી કોઈપણ સર્વિસ વિનંતી મુજબ લઈ શકશે. જો કે તમામ નવા રોકાણકારો કે યુનિટધારકોએ જોઈન્ટ ડિમેટ એકાઉન્ટ તેમ જ મ્યુચ્યુઅલ ફંડના ફોલિયો સિવાય ફરજીયાતપણે ચોઈસ ઓફ નોમિનેશન આપવું પડશે.

સેબીએ તમામ વર્તમાન રોકાણકારો અને યુનિટધારકોને તેમના માલિકી હિતમાં ચોઈસ ઓફ નોમીનેશન આપવા અરજ કરી છે. જેનાથી તેમની સિક્યુરિટીઝનું સરળ ટ્રાન્સમિશન તેમ જ સિક્યુરિટીઝ માર્કેટમાં દાવા વગરની સંપતિના વિવાદને રોકવાનું સુનિશ્ચિત થઈ શકશે. જે રોકાણકારો અને યુનિટ ધારકો કે જેમણે હજુ સુધી ચોઈસ ઓફ નોમીનેશન આપ્યું નથી, તેમને પખવાડિક ધોરણે  એસએમએસ અને ઈમેઈલ થકી જાણ કરવામાં આવશે.