Business

ક્રૂડ ૪ ટકા વધીને ૧૦૯ ડોલર : સોનું નરમ, ચાંદીમાં રૂા. ૫૦૦૦નું ગાબડું

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
હોર્મુઝ સહિતના શિપિંગ માર્ગો પરના વિક્ષેપોને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ 4% વધીને 109 ડોલર થયું. તેની અસર અમદાવાદના સોના-ચાંદી બજારમાં જોવા મળી, જ્યાં ચાંદીમાં 5000 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો અને 228000 રૂપિયા થઈ. સોનું પણ 500 રૂપિયા ઘટીને 156500 રૂપિયા થયું. મધ્યપૂર્વ તણાવ અને ભૂ-રાજકીય જોખમો બજારો પર હાવી રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ ૪ ટકા વધીને ૧૦૯ ડોલર : સોનું નરમ, ચાંદીમાં રૂા. ૫૦૦૦નું ગાબડું

હોર્મુઝ સહિતના શિપિંગ માર્ગો પર વિક્ષેપોના અહેવાલ પાછળ ક્રૂડ ઑઇલમાં આગેકૂચ
અમદાવાદ : વૈશ્વિક બજારોમાં ગતિવિધિ પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદીમાં રૂા. ૫૦૦૦નું ગાબડું નોંધાયું જ્યારે સોનું નરમ રહ્યું હતું. આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ ૪ ટકા વધીને ૧૦૯ ડોલર પહોંચ્યું હતું.
વૈશ્વિક સ્તરે મધ્યપૂર્વ તણાવની આજે પણ વૈશ્વિક બજારો પર અસર જોવાઈ હતી. હોર્મુઝ સહિતના અન્ય શિપિંગ માર્ગોની આસપાસ ચાલુ રહેલા વિક્ષેપો અને સુરક્ષા મુદ્દાઓમાં ભૂ-રાજકીય જોખમમાં વધારો કર્યો હતો. તેની સીધી અસર ક્રૂડ ઓઇલના પુરવઠા અને ઇન્વેન્ટરી પર જોવાતા ક્રૂડના ભાવ ઝડપથી ઉંચકાયા હતા જ્યારે વૈશ્વિક સોના- ચાંદીમાં પીછેહઠ જોવા મળી હતી. આ ઉપરાંત આગામી સમયમાં યુ.એસ. ફેડરલ રિઝર્વની બેઠક પર પણ બજારોની નજર મંડાયેલી હતી. અને સાવચેતીભર્યું વલણ અપનાવાયું હતું.
આ ગતિવિધિ પાછળ વૈશ્વિક બજારમાં આજે યુ.એસ. ક્રૂડ ઑઇલ ૪ ટકા વધીને ૧૦૪.૨૦ ડોલર પહોંચ્યું હતું જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૪ ડૉલર વધીને ૧૦૮.૯૨ ડોલર પહોંચ્યું હતું.
વૈશ્વિક બજારોમાં સોનું ઘટીને ૪૨૯૨ ડોલર અને ચાંદી ઘટીને ૬૩.૨૨ ડોલર મુકાતુ હતું જો કે, મોડી સાંજે સોનું વધુ ઘટીને ૪૨૬૯ ડોલર ઉતરી આવ્યું હતું.
અત્રે અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે આજે આ અહેવાલો પાછળ ચાંદી રૂા. ૫૦૦૦ તૂટીને રૂા. ૨૨૮૦૦૦ મુકાતી હતી જ્યારે સોનું ૯૯.૯ રૂા. ૫૦૦ તૂટીને રૂા. ૧૫૬૫૦૦ અને સોનું ૯૯.૫ રૂા. ૫૦૦ ઘટીને ૧૫૬૨૦૦ મુકાતું હતું.