ક્રૂડ ઉછળી 80 ડોલર, ત્રણ માસની ટોચે : ખાનગીમાં રૂપિયાએ 86ની સપાટી ગુમાવી

વૈશ્વિક સોનાના ભાવ ઉછળી ઉંચામાં ૨૭૦૦ ડોલર નજીક પહોંચ્યા!

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. વૈશ્વિક સોનું ઉછળી ઉંચામાં ઔંશના ૨૭૦૦ ડોલર નજીક પહોંચ્યું હતું. વિશ્વબજારમાં સોનાના ભાવ ૨૬૭૯થી ૨૬૮૦ વાળા વધી ૨૬૯૮થી ૨૬૯૯ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૨૬૮૯થી ૨૬૯૦ ડોલર રહ્યા હતા. ફંડો એકટીવ હતા.
ક્રૂડતેલ ઉછળતાં વૈશ્વિક સોના પર તેની પોઝીટીવ અસર દેખાઈ હતી. દરમિયાન, ઘરઆંગણે૨ કરન્સીમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૯૬ વાળા વધુ વધી રૂ.૮૬ પાર કરી રૂ.૮૬.૧૬થી ૮૬.૧૭ સુધી બોલાયાના નિર્દેશો હતા. આ જોતાં સોમવારે ખુલતી બજારે ડોલરના ભાવ ઉંચા ખુલવાની શક્યતા જાણકારો બતાવતા હતા.
વિશ્વબજાર વધતાં તથા ઘરઆંગણે રૂપિયો નબળો પડતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૭૭૦૬ વાળા રૂ.૭૭૮૦૦ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૮૦૧૮ વાળા રૂ.૭૮૧૦૦ બોલાઈ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૯૦૨૬૮ વાળા રૂ.૯૦૩૫૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔશના ૩૦.૩૨ વાળા વધી ૩૦.૬૬ થઈ છેલ્લે ૩૦.૪૦થી ૩૦.૪૧ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૯૬૨ વાળા ૯૭૧ થઈ ૯૬૫થી ૯૬૬ ડોલર બોલાઈ રહ્યા હતા.પેલેડીયમના ભાવ ૯૫૦ વાળા વધી ૯૬૩ થઈ ૯૫૧થી ૯૫૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવવધતા અટકી છેલ્લે ૦.૧૩ ટકા નરમ રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૯૧૦૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનાના ભાવ વધતા અટકી રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૮૦૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૦૩૦૦ રહ્યા હતા. કમુરતા તથા ઉંચા ભાવના પગલે બજારમાં નવી માગ ધીમી રહી હતી.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. અમેરિકાએ ઈરાન તથા રશિયા પર નવા અંકુશો જાહેર કર્યાના સમાચાર હતા. આના પગલે વિશ્વબજારમાં રશિયા તથા ઈરાનનું ઓઈલ ઓછું આવવાની શક્યતા સર્જાઈ છે. વૈશ્વિક ભાવ વધી ત્રણ મહિનાની ટોચે પહોંચ્યા હતા. વૈશ્વિક સ્તરે વિન્ટરના પગલે હિટીંગ ઓઈલની ડિમાન્ડ૨ પણ વધ્યાના વાવડ હતા.
વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૯.૩૬ વાળા વધી ૮૦.૭૫ થઈ છેલ્લે ૭૯.૭૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૭.૮૬ થઈ ૭૬.૫૭ ડોલર રહ્યા હતા. ભારતમાં રશિયા ખાતે થતી ક્રૂડની આયાત ઘટી બાર મહિનાના તળીયે ઉતરી જતાં તેની સામે ઈરાક તથા યુનાઈટેડ આરબ અમિરાતના દેશોમાંથી ભારતમાં ક્રૂડની આયાત વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.




