Business

ક્રૂડ ઉછળી ૮૮ ડોલર પાર: સોનામાં મંદી અટકી: વૈશ્વિક બજાર ૪૦૦૦ ડોલર ઉપર

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરીબજારમાં આજે સત્તાવાર બંધ હોવા છતાં, વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ વધતા ઘરઆંગણે પણ તેજી જોવા મળી. અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 1000 અને ચાંદી કિલો દીઠ રૂ. 1000 વધ્યા. વિશ્વબજારમાં પ્લેટીનમ $1600 નજીક પહોંચ્યું. ક્રૂડતેલના ભાવ પણ ઈરાન-અમેરિકા તણાવ અને યુક્રેન હુમલાને કારણે ઉછળ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ ઉછળી ૮૮ ડોલર પાર: સોનામાં મંદી અટકી: વૈશ્વિક બજાર ૪૦૦૦ ડોલર ઉપર

ઘરઆંગણે સોના-ચાંદી ઉંચકાયા: પ્લેટીનમ ઉછળી ૧૬૦૦ ડોલર નજીક પહોંચ્યા: ડોલર ઈન્ડેક્સમાં બેતરફી વધઘટ
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ ઘટતા અટકી વિશ્વબજાર પાછળ ફરી વધી આવ્યા હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં દેશના ઝવેરીબજારોમાં આજે મંદીને બ્રેક વાગી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૯૯૨થી ૩૯૯૩ ડોલરવાળા ઉછળી ભાવ ૪૦૦૦ ડોલરની સપાટી કુદાવી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૦૧૭થી ૪૦૧૮ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધ્યા હતા તથા અમદાવાદ ચાંદીના ભાવ પણ કિલોદીઠ ૧૦૦૦ ઉંચા બોલાતા થયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૫૫.૩૬થી ૫૫.૩૭ વાળા વધી ઉંચામાં ભાવ છેલ્લે ૫૫.૯૧થી ૫૫.૯૨ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં વૈશ્વિક સોનામાં નીચા મથાળે ફંડોની લેવાલી ફરી વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૧૯૦૦ બોલાયા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૭૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૧૩૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૯૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીા ભાવ જીએસટી વગર રૂ.૨૦૦૦ વધી રૂ.૨૧૭૫૦૦ બોલાતા થયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી તથા ભાવ વધુ ૪ ટકા વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળી ઉંચામાં બેરલના ૮૮.૩૮ ડોલર થઈ છેલ્લે ભાવ ૮૮.૧૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૨.૭૬ થઈ ૮૨.૪૯ ડોલર રહ્યા હતા. ઈરાન- અમેરિકા વચ્ચે ઘર્ષણ વધતાં ક્રૂડના ભાવ ફરી ઉછળતા જોવા મળ્યા હતા. દરમિયાન, હોર્મુઝ રુટ પર ઓઈલ ટેન્કરોની અવરજવર રુંધાતી જોવા મળી હતી. દરમિયાન, યુક્રેને રશિયાના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રકચર પર હુમલાઓ શરૂ કર્યાના સમાચારની અસર પણ ક્રૂડતેલ બજાર પર જોવા મળી હતી. ઈરાને કુવેતમાં પણ હુમલો કર્યાના સમાચાર હતા. જોકે અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન કરતી ઓઈલ રિગ્સની સંખ્યા ગયા વર્ષ કરતાં ૪૪ વધી ૫૮૮ના મથાળે પહોંચી છે તથા ત્યાં ઉત્પાદન વધી રહ્યાના વાવડ મળ્યા હતા.