'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપોર્ટ છાપ્યાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Journalist Ravi Nayak Case: અમેરિકાના જાણીતા અખબાર 'ધ વોશિંગ્ટન પોસ્ટ'માં અદાણી ગ્રૂપમાં ભારત સરકાર અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) દ્વારા 3.9 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ સમાચાર લખનાર પત્રકાર રવિ નાયરે કોઈ પણ નક્કર આધાર-પુરાવા વિના આ અહેવાલ મૂક્યો હોવાની સ્પષ્ટતા LIC(ભારતીય જીવન વીમા નિગમ) દ્વારા કરવામાં આવી છે. LICના જણાવ્યા મુજબ રવિ નાયરે પોતાના અહેવાલમાં ખોટા અને બનાવટી દસ્તાવેજોને આધાર બનાવ્યા હતા. આ ભ્રામક સમાચારને કારણે અદાણી ગ્રૂપની શાખને મોટું નુકસાન પહોંચ્યું હતું, જેથી રવિ નાયર વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પત્રકારે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યાનો આક્ષેપ
નવરંગપુરા સ્થિત અદાણી હાઉસના ડેપ્યુટી જનરલ મેનેજરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત 24મી ઓક્ટોબરના રોજ 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના ઈ-પેપરમાં એક આર્ટિકલ પ્રકાશિત થયો હતો. આ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર અને જીવન વીમા નિગમ (LIC) અદાણી ગ્રૂપની કંપનીઓમાં જાહેર ભંડોળમાંથી આશરે 3.9 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે. આ અહેવાલમાં ચોક્કસ દસ્તાવેજોનો હવાલો આપીને રોકાણની શરતો, બોન્ડ રેટિંગ અને આંતરિક મંજૂરીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ખુલાસો માંગ્યો પણ કોઈ યોગ્ય જવાબ ન મળ્યો
આ આર્ટિકલ દિલ્હીના દ્વારકા સેક્ટર-2માં આવેલા આશા દીપ એપાર્ટમેન્ટમાં રહેતા રવિ નાયર દ્વારા લખવામાં આવ્યો હતો. આ અહેવાલ સામે આવતા જ LICએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી હતી કે આ સમાચાર તદ્દન ખોટા છે અને LIC પોતાના તમામ રોકાણો નિયમોનુસાર જ કરે છે. એલઆઈસીની આ સ્પષ્ટતાના જવાબમાં રવિ નાયરે સોશિયલ મીડિયા પર કેટલાક બનાવટી દસ્તાવેજોના સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા હતા. બીજી તરફ, અદાણી ગ્રૂપે જ્યારે આ બાબતે પત્રકાર પાસે ખુલાસો માંગ્યો ત્યારે કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો.
ખોટા સમાચાર ફેલાવવા મામલે ફરિયાદ
ખોટા અને ભ્રામક સમાચારને કારણે અદાણી ગ્રૂપ અને LICની પ્રતિષ્ઠાને નુકસાન થવાની સાથે રોકાણકારોના હિતોને પણ અસર પહોંચી હતી. આથી, LIC દ્વારા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)માં સત્તાવાર ડિસ્ક્લોઝર મોકલીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અદાણી ગ્રૂપમાં રોકાણના સમાચાર તદ્દન પાયાવિહોણા છે. આમ, અદાણી ગ્રૂપ અને LIC અંગે ખોટા સમાચાર ફેલાવવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે રવિ નાયર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.









