કંપનીઓની ત્રીજા ત્રિમાસિકની કામગીરી એકદરે નબળી જોવા મળે તેવી વકી

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીઓની રેવેન્યુ તથા અર્નિંગ્સમાં એક અંકમાં વૃદ્ધિ જોવા મળશે.
મંદ માગ, રૂપિયામાં વોલેટિલિટી તથા ઊંચા ફુગાવા જેવા પરિબળો કંપનીઓની કામગીરી પર અસર કરી રહ્યા છે.
વિવિધ બ્રોકરેજ પેઢીઓ દ્વારા મુકાયેલા અંદાજ પ્રમાણે ડિસેમ્બર ત્રિમાસિકમાં નિફટી૫૦ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૭.૯૦ ટકા વૃદ્ધિ જોવા મળશે. જે વર્તમાન નાણાં વર્ષના ત્રણ ત્રિમાસિક ગાળામાં સૌથી ઊંચી હશે. વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ દર ૧.૮૦ ટકા રહ્યો હતો જ્યારે નાણાં વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સંયુકત નેટ પ્રોફિટમાં ૧૫.૪૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
નિફટી૫૦ કંપનીઓના સંયુકત નેટ વેચાણમાં વાર્ષિક ધોરણે ૫.૧૦ ટકા વૃદ્ધિ જોવા મળશે જે બીજા ત્રિમાસિક ગાળામાં જોવા મળેલી ૪.૫૦ ટકાની સરખામણીએ સાધારણ ઊંચી છે. ગયા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ વૃદ્ધિ ૫.૪૦ ટકા રહી હતી, એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીઓની રેવેન્યુમાં સતત સાતમા ત્રિમાસિકમાં એક અંકી વધારો જોવા મળશે.
રિસર્ચ પેઢી દ્વારા ૫૦માંથી ૪૮ કંપનીઓના પરિણામોના અંદાજને ધ્યાનમાં લઈ નેટ પ્રોફિટની ધારણા રૂપિયા ૧.૯૭ ટ્રિલિયન મૂકી છે જે બીજા ત્રિમાસિક ગાળામાં રૂપિયા ૧.૮૮ ટ્રિલિયન રહ્યો હતો અને ગયા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નેટ પ્રોફિટ રૂપિયા ૧.૮૩ ટ્રિલિયન રહ્યો હતો.
નેટ વેચાણ આંક જે વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં રૂપિયા ૧૫.૫૫ ટ્રિલિયન રહ્યો હતો તે ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂપિયા ૧૪.૫૧ ટ્રિલિયન રહેવાની ધારણાં છે. ગયા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં આ આંક રૂપિયા ૧૩.૮૧ ટ્રિલિયન રહ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
અન્ય ક્ષેત્રોની સરખામણીએ બેન્કિંગ, ફાઈનાન્સ તથા વીમા ક્ષેત્રની કંપનીઓ અર્નિંગ્સ તથા રેવેન્યુ મોરચે સારી કામગીરી દર્શાવશે એમ બ્રોકરેજ પેઢીઓની ધારણાંને આધારે તૈયાર કરાયેલા સદર રિપોર્ટમાં જણાવાયું હતું.




