Get The App

ગત નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિકમાં પડકારો વચ્ચે પણ કંપનીઓના પરિણામ પ્રોત્સાહક

- યુદ્ધની સંપૂર્ણ અસર નવા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જોવા મળવા સંભાવના

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
ગત નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિકમાં પડકારો વચ્ચે પણ કંપનીઓના પરિણામ પ્રોત્સાહક 1 - image

મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક એટલે કે ચોથા ત્રિમાસિક ગાળામાં દેશની કંપનીઓ પર યુદ્ધની ખાસ ગંભીર અસર પડી નહીં હોવાનું કંપનીઓના જાહેર થઈ રહેલા પરિણામો પરથી સંકેત મળી રહ્યા છે. જો કે ભારતીય કંપનીઓ પર યુદ્ધની સંપૂર્ણ અસર નવા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં જ જોવા મળશે તેવી ધારણાં મૂકવામાં આવી રહી છે. 

કંપનીઓના અત્યારસુધી જાહેર થયેલા પરિણામોમાં યુદ્ધના પડકારો વચ્ચે પણ અર્નિંગ્સ મોરચે પ્રોત્સાહક ચિત્ર જોવા મળી રહ્યું છે. બેન્કો, નોનબેન્ક ધિરાણદાર કંપનીઓ તથા મેટલ કંપનીઓના અપેક્ષા કરતા સારા પરિણામો જોવા મળ્યા હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.

યુદ્ધને કારણે ઊર્જા તથા કોમોડિટીસની કિૅંમતમાં જોરદાર વધારો થતા કંપનીઓની રેવેન્યુમાં  વૃદ્ધિ જોવા મળી છે. ૧૪૦ લિસ્ટેડ કંપનીઓનો સંયુકત નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૧૪ ટકા ઊંચો જોવા મળ્યો છે. છેલ્લા ૧૦ ત્રિમાસિકમાં આ સૌથી ઝડપી વૃદ્ધિ છે. અપવાદાત્મક લાભ અને નુકસાનને એડજસ્ટ કર્યા બાદ આ વૃદ્ધિ જોવા મળી છે.

સમીક્ષા હેઠળની કંપનીઓનો સંયુકત એડજસ્ટેડ નેટ પ્રોફિટ વધી રૂપિયા ૧.૨૮ ટ્રિલિયન રહ્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિકમાં રૂપિયા ૧.૧૨ ટ્રિલિયન રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં આ આંક રૂપિયા ૧.૨૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો.  નાણાં વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિકમાં આ કંપનીઓના નેટ પ્રોફિટમાં અપવાદાત્મક લાભ અને નુકસાનને એડજસ્ટ કર્યા બાદ૧.૭૦ ટકા વધારો જોવા મળ્યો હતો. 

સ્ટોક બ્રોકર હાઉસો, બેન્કો, વીમા કંપનીઓના કામકાજમાં તંદૂરસ્ત વધારો થયો છે. આ ક્ષેત્રની કંપનીઓનો સંયુકત નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે  રૂપિયા ૫૨૦૦૦ કરોડ પરથી ૧૮.૫૦ ટકા વધી રૂપિયા ૬૧૭૦૦ કરોડ આસપાસ રહ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. 

નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીઓને બાદ કરવામાં આવતા અન્ય ક્ષેત્રની કંપનીઓની કામગીરી પણ માર્ચ ત્રિમાસિક મજબૂત રહી હોવાનું નોંધવામાં આવ્યું છે.  અત્રે ઉલ્લેખનિય છે કે યુદ્ધને કારણે દેશની કંપનીઓના કામકાજ પર ખાસ કરીને નિકાસ ક્ષેત્રની કંપનીઓની કામગીરી પર અસર પડી છે, જે નવા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોમાં જોવા મળશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.