૨૦૨૧થી અત્યાર સુધીમાં ચીનની ઘરગથ્થુ સંપત્તિમાં 18 ટ્રિલિયન ડોલરનું નુકસાન

અમદાવાદ : વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં કોરોના મહામારી સિવાય આંતરિક આર્થિક બાબતોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મોટા ફટકા પડયા છે. મંદ સ્થાનિક અને નિકાસ માંગ બાદ કોરોના વાયરસને કારણે લોકડાઉન અને એવરગ્રાન્ડેની કટોકટીએ અર્થવ્યવસ્થાને હલાવી નાંખી છે અને ઘરગથ્થુ સંપત્તિમાં ૧૮ ટ્રિલિયન ડોલરના નુકસાનનો અંદાજ મુકાયો છે.
છેલ્લા બે દાયકાથી ઝડપી આર્થિક વિકાસનો આનંદ માણનાર ચીન હવે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છેલ્લા ૪-૫ વર્ષથી ઈતિહાસના સૌથી મોટા રિયલ એસ્ટેટ બબલના વિસ્ફોટ સાથે ઝઝૂમી રહી છે. ચીનના પ્રોપર્ટી માર્કેટમાં છેલ્લા ત્રણ વર્ષમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેના ડિફોલ્ટ બાદ ૨૦૨૧થી અત્યાર સુધીમાં ચીનની ઘરગથ્થુ સંપત્તિમાં ૧૮ ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા ૩ વર્ષમાં ચીનમાં ધોવાઈ ગયેલ આ સંપત્તિનો આંકડો ૨૦૦૮-૦૯ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન અમેરિકાને થયેલા નુકસાન કરતાં પણ વધુ છે.
ચીનની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી વધુ પડતા દેવા, વધુ પડતા બાંધકામ અને વધારાની ઉત્પાદન ક્ષમતાના બોજથી દબાયેલી છે. આ સમસ્યાઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર પરિણામો લાવી રહી છે. ચીનની સૌથી વધુ પડતી ટ્રમ્પના આગમન સાથે શરૂ થઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા બાદ ચીને શરૂ કરેલ ટ્રેડ વોર ચીનને ભારે પડયું હતુ.
બાદમાં સ્થાનિક રિયલ એસ્ટેટ માંગ મંદ પડતા ચીનની સૌથી મોટી રિયલ્ટી કંપની એવરગ્રાન્ડે ધ્વસ્ત થઈ. માત્ર આ એક જ નહિ અન્ય ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓ ભારે દેવાદાર છે અને મિલકતોની માંગનો અભાવ કટોકટીમાં વધુ ઉમેરાયો છે.
ચીનના ઘણા ભાગોમાં, 'ભૂતિયા નગરો' અથવા ત્યજી દેવાયેલા શહેરોમાં બાંધકામના ઉદાહરણો જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉત્પાદન ક્ષમતા વાસ્તવિક માંગ કરતાં ઘણી વધારે છે, જે કિંમતો અને આથક સ્થિરતાને અસર કરે છે.




