Business

વેપાર તાણથી ઓકટોબરમાં અમેરિકા ખાતે ચીનની નિકાસમાં 25 ટકાનો જંગી ઘટાડો

By GS TEAM
8 Nov 20251 min read
વેપાર તાણથી ઓકટોબરમાં અમેરિકા ખાતે ચીનની નિકાસમાં 25 ટકાનો જંગી ઘટાડો

મુંબઈ : અમેરિકામાં નિકાસમાં જોરદાર ઘટાડાને પરિણામે ઓકટોબરમાં ચીનની એકંદર નિકાસ નબળી પડી છે. ચીનની સરકાર દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે ઓકટોબરમાં અમેરિકા ખાતે નિકાસ વાર્ષિક ધોરણે ૨૫ ટકા ઘટી છે, જેને કારણે એકંદર નિકાસ વાર્ષિક ધોરણે ૧.૧૦ ટકા ઘટી છે. વર્તમાન વર્ષના ફેબુ્રઆરી બાદ નિકાસમાં આ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

આ અગાઉ સપ્ટેમ્બરમાં નિકાસમાં ૮.૩૦ ટકા વધારો જોવા મળ્યો હતો. ચીન અન્ય બજારોમાં નિકાસ કરી રહ્યું હોવાછતાં અમેરિકા પર તેની નિર્ભરતા વધુ હોવાનું ઓકટોબરના નિકાસ આંક પરથી કહી શકાય એમ છે. 

ગયા વર્ષના ઓકટોબરમાં નિકાસ ૧૨.૬૦ ટકા વધી હતી જે વર્ષ કરતા વધુ સમયની ઊંચી સપાટીએ રહી હતી. 

અમેરિકા ખાતે ચીનની નિકાસ સતત સાતમાં મહિને દ્વીઅંકમાં ઘટી છે. પોતાની નિકાસને ટકાવી રાખવા ચીન સાઉથઈસ્ટ એશિયા અને આફ્રિકાની બજારો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

ચીનની આયાત ગયા મહિને ૧ ટકા વધી હતી, જે સપ્ટેમ્બરમાં ૭.૪૦ ટકા વધી હતી. આયાતમાં ઘટાડો ચીનમાં ઘરઆંગણે અર્થતંત્ર પડકારોનું સામનો કરી રહ્યું હોવાનું સૂચવે છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

અમેરિકા સાથેની વેપાર તાણ ઘટાડવાના તાજેતરના પ્રયાસોને જોતા આગળ જતા ચીનની નિકાસ ફરી વધી શકે છે. અમેરિકાએ ચીન પરના વધારાના ટેરિફ હાલ પૂરતું મોકૂફ રાખતા નિકાસમાં ફરી વધારો થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.