Business

8મા પગારપંચ અગાઉ DAમાં 3%નો વધારો 'નક્કી'! હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થઈ શકે

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા(DA)માં 3% વધારાની સંભાવના છે. લેબર બ્યુરોના જૂન 2026ના આંકડા મુજબ, DA 60%થી વધીને 63% થશે. આ વધારો 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો મોટો વધારો હોઈ શકે છે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં જાહેરાત બાદ એરિયર્સ સાથે ચૂકવણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

8મા પગારપંચ અગાઉ DAમાં 3%નો વધારો 'નક્કી'! હવે મોંઘવારી ભથ્થું વધીને 63% થઈ શકે
IMAGE - IANS

Central Govt Employees DA Hike: કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા(DA)માં વધારો થવાની શક્યતા સ્પષ્ટ થઈ ગઈ છે. લેબર બ્યુરો દ્વારા જૂન 2026 માટેના મોંઘવારીના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેના આધારે નવી ગણતરી પૂરી થઈ ગઈ છે. આ તાજા આંકડા મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો મળી શકે છે, જેથી તેમનું કુલ DA 60%થી વધીને 63% થઈ જશે.

8મા પગાર પંચ પહેલા છેલ્લો મોટો વધારો?

જુલાઈ 2026નો આ DA વધારો 7મા પગાર પંચ હેઠળ છેલ્લો મોટો વધારો હોઈ શકે છે. સરકારે 8મા પગાર પંચની રચના કરી દીધી છે, પરંતુ તેની ભલામણો લાગુ થવામાં હજુ સમય લાગશે. જ્યાં સુધી નવું પે સ્ટ્રક્ચર અમલમાં ન આવે, ત્યાં સુધી તમામ DA રિવિઝન હાલના 7મા પગાર પંચના નિયમો મુજબ જ કરવામાં આવશે.

કેવી રીતે થઈ જુલાઈ DAની ગણતરી?

શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના લેબર બ્યુરોએ જૂન 2026 માટે મોંઘવારીનો નવો આંકડો (CPI-IW) જાહેર કર્યો છે, જે વધીને 151.9 થયો છે. આ પહેલાં મે 2026માં આ આંકડો 150.8 હતો. જૂન મહિનાનો આ આંકડો આવતાં જ હવે જુલાઈથી મોંઘવારી ભથ્થામાં(DA) કેટલો વધારો થશે તેની ગણતરી સ્પષ્ટ થઈ ગઈ છે. આમ તો ગણતરી મુજબ DA 63.75% બને છે, પરંતુ સરકારી નિયમ પ્રમાણે પોઇન્ટ પછીના આંકડા ગણવામાં આવતા નથી, જેથી કર્મચારીઓને 63% લેખે જ ચૂકવણી કરવામાં આવશે.

ક્યારે મળશે નવું DA અને એરિયર્સ?

મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જુલાઈ, 2026થી અમલી ગણાશે. જોકે, સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જ કરવામાં આવશે. સામાન્ય રીતે જુલાઈ મહિનાના DAની જાહેરાત સપ્ટેમ્બર કે ઑક્ટોબર મહિનામાં કરવામાં આવતી હોય છે, જેથી કર્મચારીઓને પાછલા મહિનાઓનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.

કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે?

જો કેબિનેટ દ્વારા 3% વધારાની મંજૂરી આપવામાં આવે, તો વિવિધ બેઝિક પે(મૂળ પગાર) ધરાવતા કર્મચારીઓને માસિક આ મુજબ ફાયદો થશે:

  • ₹18,000 મૂળ પગાર: દર મહિને આશરે ₹540નો વધારો થશે.
  • ₹35,400 મૂળ પગાર: દર મહિને આશરે ₹1,062નો વધારો મળશે.
  • ₹56,100 મૂળ પગાર: દર મહિને આશરે ₹1,683 વધુ મળશે.

(નોંધ: આ માહિતી ઉપલબ્ધ આંકડા અને ગણતરી પદ્ધતિ પર આધારિત છે. આખરી દર કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ જ માન્ય ગણાશે.)