ઈક્વિટી મ્યુ. ફંડો પાસે કેશ ઓન હેન્ડ જૂનમાં ઘટી ૧૯ મહિનાના તળિયે રહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બજારમાં સુધારાને કારણે ફન્ડોનું ઈક્વિટીમાં ફરી રોકાણ
મુંબઈ : સમાપ્ત થયેલા જૂનમાં દેશના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ્સ ધરાવતા ફન્ડો પાસે હાથમાં રોકડની માત્રા ઘટી ૧૯ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. ભારતીય ઈક્વિટી બજારમાં મક્કમતાને કારણે ફન્ડ હાઉસો ઈક્વિટીમાં ફરી પાછા નાણાં ઠાલવી રહ્યા છે.
જૂનમાં યુદ્ધની સ્થિતિ શાંત પડી હતી અને ક્રુડ તેલના ભાવ પણ નીચે ગયા હતા જેને કારણે ઈક્વિટી બજારમાં સુધારો જોવા મળ્યો હતો.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ્સમાં કેશ હોલ્ડિંગ્સ ગત મહિને ઘટી રૂપિયા ૧.૮૪ લાખ કરોડ રહ્યું હતું, જે નવેમ્બર ૨૦૨૪ બાદ સૌથી નીચી સપાટીએ રહ્યું હતું. મેમાં કેશ હોલ્ડિંગ્સનો આંક રૂપિયા ૧.૮૮ લાખ કરોડ રહ્યો હતો.
ફન્ડોની ઈક્વિટી એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ની સરખામણીએ કેશ હોલ્ડિંગ ઘટી ૪ ટકા રહ્યું હતું. જે ડિસેમ્બર ૨૦૨૫ના અંતે ૪.૯૦ ટકા જોવા મળ્યું હતું, એમ એેક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
૫૪ જેટલા સક્રિય ફન્ડોમાંથી ૩૧ ફન્ડોએ તેમના કેશ બેલેન્સમાં ઘટાડો કર્યો હતો જ્યારે ૨૩ ફન્ડો પાસે કેશમાં વધારો થયો હતો. ગત મહિને ભારતીય ઈક્વિટી બજાર મક્કમ રહી હતી અને મુખ્ય ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટી બન્ને બે ટકા જેટલા વધ્યા હતા.મિડકેપ તથા સ્મોલકેપમાં પણ રિકવરી જોવા મળી હતી.
જૂનમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડોમાં રોકાણ પ્રવાહ મેની સરખામણીએ ૨૬ ટકા વધી રૂપિયા ૨૮૯૭૩ કરોડ રહ્યો હતો. જેમાં સૌથી વધુ આકર્ષણ મિડકેપ ફન્ડોમાં જોવા મળ્યું હતું. ઈક્વિટી સ્કીમ્સમાં કુલ રોકાણ પ્રવાહમાંથી ૪૦ ટકા સ્મોલ તથા મિડકેપ ફન્ડોમાં જોવા મળ્યો હોવાનું જાહેર થયેલા ડેટામાં જણાવાયું હતું.
ફન્ડોની એકંદર એયુએમ પણ વધી રૂપિયા ૮૨.૦૫ લાખ કરોડ રહી હતી. સોનાચાંદીના ભાવમાં પીછેહઠને કારણે રોકાણકારો ફરી ઈક્વિટીમાં રોકાણ તરફ વળ્યા હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ગયા વર્ષની વિક્રમી સપાટીએથી કિંમતી ધાતુમાં હાલમાં નોંધપાત્ર પીછેહઠ થઈ છે.









