Business

શેરબજારનો ‘મહારથી’ નીકળ્યો કરિયાણાનો વેપારી, 100 સ્ક્વેર ફૂટની દુકાનનું રજિસ્ટ્રેશન ‘રિસર્ચ એનાલિસ્ટ’ તરીકે કરાવ્યું હતું

By GS TEAM
30 Dec 20252 mins read
TukuTouch Logo
શેરબજાર નિયામક સંસ્થા સેબી (SEBI) એ તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જે સાંભળીને રોકાણકારો જ નહીં, પણ ખુદ સેબીના અન્ય અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા છે. તમિલનાડુના મદુરાઈમાં 100 સ્ક્વેર ફૂટની એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવતી એક વ્યક્તિ કાગળ પર 'સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ' બની બેઠો હતો. આ મામલો સામે આવ્યા બાદ સેબીએ તાત્કાલિક અસરથી પુરૂસ ખાન નામના આ શખસનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારનો ‘મહારથી’ નીકળ્યો કરિયાણાનો વેપારી, 100 સ્ક્વેર ફૂટની દુકાનનું રજિસ્ટ્રેશન ‘રિસર્ચ એનાલિસ્ટ’ તરીકે કરાવ્યું હતું
AI તસવીર

Business News: શેરબજાર નિયામક સંસ્થા સેબી(SEBI)એ તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જે સાંભળીને રોકાણકારો જ નહીં, પણ ખુદ સેબીના અન્ય અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા છે. તમિલનાડુના મદુરાઈમાં 100 સ્ક્વેર ફૂટની એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવતી એક વ્યક્તિ કાગળ પર 'સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ' બની બેઠો હતો. આ મામલો સામે આવ્યા બાદ સેબીએ તાત્કાલિક અસરથી પુરુસ ખાન નામના આ શખ્સનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે.

શું છે સમગ્ર મામલો?

આ આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વર્ષ 2022માં એક રોકાણકારે સેબીના 'SCORES' પોર્ટલ પર ફરિયાદ કરી. આ ફરિયાદ મુજબ, www.optionresearch.in નામની વેબસાઇટ 'શ્યોર શોટ' કોલ્સ આપતી હતી અને રોકાણકારોને તેમની મૂડી ડબલ કરવાની લાલચ આપતી હતી. એક રોકાણકારે તો રૂ. 50,000 ભરીને આ સર્વિસ પણ લીધી હતી, જેમાં તેને રૂ. 4 લાખનું નુકસાન થયું હતું. આ અંગે સેબીએ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આ વેબસાઇટ પર પુરુસ ખાનનો રજિસ્ટ્રેશન નંબર ડિસ્પ્લે થતો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે વર્ચ્યુઅલ સુનાવણી થઈ ત્યારે સેબીના અધિકારી સંતોષ કુમાર શુક્લાએ જોયું કે પુરુસ ખાનને તો શેરબજારના 'શ'ની પણ ખબર નહોતી ! તે ભાઈ તો નાનકડી દુકાનમાં બિસ્કિટ, તેલ અને સાબુ વેચતા હતા.

છેતરપિંડીની જાળ: 'બૅંક કર્મચારી' બનીને ડૉક્યુમેન્ટ્સ પડાવ્યા

આ તપાસમાં પુરુસ ખાને બચાવમાં દલીલ કરતાં કહ્યું હતું કે, 'ઓપ્શન રિસર્ચ કંપની'(ORC)ના એક પાર્ટનર જી. ફહીથ અલીએ તેની સાથે છેતરપિંડી કરી છે. અલીએ બૅંક કર્મચારી હોવાનો ડોળ કરીને પુરુસ ખાન પાસેથી રિસર્ચ એનાલિસ્ટની નોકરીનું બહાનું આગળ કરીને તેના તમામ અંગત દસ્તાવેજો અને સર્ટિફિકેટ્સ પડાવી લીધા હતા. બાદમાં આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પુરુસ ખાનના નામે રિસર્ચ એનાલિસ્ટનું રજિસ્ટ્રેશન કરાવી લીધું અને લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી.

સેબીની આરોપીઓ તેમજ સંસ્થાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી

જો કે, સેબીએ અવલોકન કર્યું કે પુરુસ ખાને જ પોતાની વિગતો અને ઈ-મેલ આઇડી-પાસવર્ડ શેર કર્યા હતા, જેના કારણે અન્ય લોકો તેનો દુરુપયોગ કરી શક્યા. અગાઉ આ કેસમાં તેને શંકાનો લાભ આપીને પેનલ્ટીમાંથી મુક્તિ અપાઈ હતી, પરંતુ આ વખતે સેબીએ ગંભીર નોંધ લઈને પુરુસ ખાનનું રિસર્ચ એનાલિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. એટલું જ નહીં, સેબીએ સંબંધિત સંસ્થાઓને પણ રૂ. 6-6 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે આરોપીઓને રૂ. 30.39 લાખ રિફંડ કરવાનો તેમજ બે વર્ષ માટે માર્કેટમાં કોઈ પણ પ્રકારના વ્યવહાર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: 2026માં બદલાઈ જશે ટેક્સ સિસ્ટમ! આવકવેરાથી લઈને તમાકુ ઉત્પાદનો પર અસર, જાણો નવા નિયમ

નોંધનીય છે કે, આ કિસ્સો રોકાણકારો માટે લાલબત્તી સમાન છે. કોઈ પણ 'ટિપ્સ' આપનાર વ્યક્તિ માત્ર રજિસ્ટર્ડ છે તેટલું જ જોવું પૂરતું નથી, તેની વિશ્વસનીયતાની તપાસ કરવી પણ એટલી જ જરૂરી છે.