Get The App

સોનાના ભાવ વધતાં સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
સોનાના ભાવ વધતાં સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું 1 - image


Gold Silver Prices: ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ આજે વધીને 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ગઈકાલે 1,34,170 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. વધુમાં, 22 કેરેટ સોનાનો ભાવ વધીને 1,24,810 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે, અને 18 કેરેટ સોનાનો ભાવ વધીને 1,02,120 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. ભારતમાં આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ વધીને 2,19,100 રૂપિયા થયો છે.

સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું

છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી છે. આ બંને કિંમતી ધાતુમાં રોકાણ કરનારા લોકોને તગડું રિટર્ન મળી રહ્યું છે. બીજી તરફ સામાજિક પ્રસંગોમાં સોના-ચાંદીના વ્યવહારોના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. આ સંજોગોમાં કેટલાક સમાજે લગ્ન પ્રસંગોમાં સોના-ચાંદીના દાગીનાના વ્યવહારો બંધ કરવા કે ઘટાડવાના પણ નિર્ણયો લીધા છે. મહત્ત્વનું છે કે, સોનાના ભાવ વધતાં ટ્રેન્ડ પણ બદલાયો છે. લોકોમાં ગોલ્ડ ETFમાં રોકાણ કરવાનું આકર્ષણ પણ વધી રહ્યું છે. ત્યારે સોનાના સતત વધતાં ભાવ અંગે રોકાણકાર, વેપારી, ગૃહિણી અને સામાજિક આગેવાન શું કહે છે, તે જાણીએ. 

સોના-ચાંદીના દાગીનાની ખરીદીમાં 50% ઘટાડોઃ વેપારી

સોના-ચાંદીના દાગીનાના વેપારી દિલીપભાઈએ જણાવ્યું કે, સોનાનો ભાવ વધ્યો છે તેનાથી ગ્રાહકો પર અસર પડવાથી વેપારીઓને પણ તકલીફ પડે છે. ગ્રાહકો ખરીદીમાં બહુ જ ધ્યાન રાખે છે. ખરીદ શક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે. અંદાજિત 40થી 50 ટકાનો તો અત્યારે ઘટાડો ખરીદીમાં દેખાય જ છે પણ ગ્રાહકને ખરીદવું હોય પણ નથી ખરીદી શકતા. તેથી તેઓ લાઇટ વેઇટ દાગીના પર વધારે ફોકસ કરે છે. અત્યારે તો 40થી 50 ટકાનો ધંધામાં ઑલરેડી ઘટાડો જ છે. આગામી સમયમાં જો આવું રહ્યું તો ઘણી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. સોનાના ભાવ વધારાથી લોકો ચાંદી તરફ આકર્ષાય છે ચાંદીમાં પણ સારી ડિઝાઇનો મળી રહે છે, પરંતુ તેનો ભાવ પણ ખાસ્સો વધ્યો છે. એટલે કસ્ટમરને તકલીફ તો છે જ.


સુવિધા મુજબ 1-1 ગ્રામ ગોલ્ડ અથવા ગોલ્ડ ઈટીએફ લેવાઃ એક્સપર્ટ

ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ સુનિલભાઈએ જણાવ્યું કે, અત્યારે સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે હવે એમાં સામાન્ય માણસ માટે ખરીદી કરવી બહુ મુશ્કેલ છે. જો કે, આ માટે ઘણાં ઓપ્શન છે. સોનાની જગ્યાએ ચાંદીમાં થોડું થોડું ઇન્વેસ્ટ કરો. ચાંદી પણ સોના કરતાં ડબલ સ્પીડે વધી રહી છે, તો જરૂર પડ્યે ચાંદીને સોનામાં કન્વર્ટ કરી શકાય છે. એટલે કે, ચાંદી વેચીને સોનું ખરીદી શકાય છે. મધ્યમ પરિવારે ગોલ્ડ ખરીદવું હોય તો એવું જરૂરી નથી કે અત્યારે મોટી રકમમાં જ લેવું. નાની એમાઉન્ટમાં 1-1 ગ્રામ ગોલ્ડ લેવું, જે રીતે પૈસાની સગવડ હોય, જે રીતે બચત થતી હોય, એ રીતે તમે ગોલ્ડમાં રોકાણ કરી શકો છો અથવા ઈટીએફમાં 2000 ભાવ છે, તો 2000ના ગોલ્ડ ઈટીએફ લઈ શકાય. એ ફિઝિકલ સાચવવું ન પડે કારણ કે, તે તમારા એકાઉન્ટમાં સચવાઈ રહે છે.

સોનું લેવા માટે પણ લોન લેવી પડશેઃ ગૃહિણી

સોનાના ભાવમાં થયેલા વધારા વિશે ગૃહિણી ધરાબહેને જણાવ્યું કે, સોનાના ભાવ તો વધ્યા જ છે. પહેલાના ભાવ પ્રમાણે પણ મોંઘું જ હતું. જેમ જેમ મોંઘવારી વધે એમ મોંઘું લાગતું હતું, પણ તોય એ વખતે ખરીદશક્તિ હતી. એઝ અ હાઉસવાઇફ એમ થાય કે થોડું ઘણું 5 કે 10 ગ્રામ થોડું લઈને મૂકી દઈએ. પણ હવે જે રીતની સ્થિતિ સર્જાઈ છે, એ પ્રમાણે તો એમ થાય કે ગોલ્ડ લોનના બદલે ગોલ્ડ લેવા લોન લેવી પડશે. આવું થઈ ગયું છે. એટલે સોનું લેવા માટે પણ હવે પ્લાનિંગ કરવું પડશે એવું થઈ ગયું છે. જેમ જેમ પૈસા ભેગા થાય એમ એમ 5 ગ્રામ કે એક અથવા બે ગ્રામ ભેગું કરીને લેવું જ પડે તો જ ઈઝી પડે. કારણ કે સોનું એ જ વસ્તુ છે, જે કાલ કોઈ ઈમર્જન્સી આવે તો એ વેચીને તે સિચ્યુએશન ફેસ કરી શકીએ.  

ભરવાડ સમાજમાં લગ્ન કરવા માટે મર્યાદિત સોનું આપવાનું વિચારવું પડશેઃ આગેવાન

ભરવાડ સમાજના આગેવાન છગનભાઈએ સોનાના સતત વધતાં ભાવ વિશે જણાવ્યું કે, ભરવાડ સમાજમાં સોનાની લેતીદેતીનું દુષણ ઊભું થઈ ગયું છે. એટલે ભરવાડ સમાજે એક નવી દિશા અપનાવવી પડશે અને સોનાની લેવડ દેવડ પર કાપ મૂકી સમાજમાં દાખલો બેસાડવો પડશે. કારણ કે 20% લોકો એવા છે જે સક્ષમ છે, બાકીના 80% સક્ષમ નથી. એમાં પણ 20% લોકો સિવાય 80% લોકો પોતાના દીકરા-દીકરીના સગપણ નથી કરી શકતા અને તે પણ સોનાના વધતા ભાવના કારણે. એમાં પણ સામેવાળો પક્ષ સોનું માંગે છે તો એમની પાસે કોઈ વ્યવસ્થા નથી હોતી એટલે દીકરા-દીકરીઓના સગપણ થતા નથી. સમાજે આ દિશામાં એક કાર્યવાહી કરવી પડે કે, છોકરા-છોકરીના લગ્ન કરવા માટે મર્યાદિત સોનું આપવું. ચાર તોલા પાંચ તોલા એવું એક મર્યાદાના ભાગરૂપે સોનું આપવું જોઈએ. જેથી દીકરા દીકરીઓને પોતાના યોગ્ય જીવન સાથી મળી રહે. 

આ પણ વાંચો: Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ

છેલ્લા 10 વર્ષના સોનાના ભાવ (24 કેરેટ)
વર્ષપ્રતિ દસ ગ્રામ ભાવ
20251,31,000 - 1,37,000
202477,000 - 78,000
202363,000 - 65,000
202252,000 - 55,000
202148,000 - 48,700
202048,600 - 50,000
201935,000 - 39,000
201831,000 - 31,400
201729,000 - 29,700
201628,000 - 28,600
201526,000 - 26,300