Business

કાપડ ઉદ્યોગને મોટી રાહત! વધુ 2 મહિના 0% કસ્ટમ ડ્યુટી સાથે વિદેશથી કપાસની આયાત કરી શકાશે

By GS Team
31 Oct 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગને મોટી રાહત આપતા કપાસની આયાત પરની કસ્ટમ ડ્યૂટી મુક્તિ 2 મહિના લંબાવી છે. હવે 31 ડિસેમ્બર 2026 સુધી વિદેશથી કપાસની આયાત ડ્યૂટી-ફ્રી રહેશે. કપાસની ઓછી આવક અને ઉત્પાદન ઘટવાની આશંકા વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. તેનાથી કાપડ મિલોને કાચો માલ સસ્તા ભાવે મળશે, જે ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાપડ ઉદ્યોગને મોટી રાહત! વધુ 2 મહિના 0% કસ્ટમ ડ્યુટી સાથે વિદેશથી કપાસની આયાત કરી શકાશે

Cotton Import Duty Exemption 2026 : કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગને રાહત આપવા માટે કપાસની આયાત પર કસ્ટમ ડ્યૂટીમાં મળતી છૂટ વધુ બે મહિના લંબાવી છે. હવે 31 ડિસેમ્બર 2026 સુધી વિદેશમાંથી કપાસની આયાત કરવા પર કોઈ કસ્ટમ ડ્યૂટી ચૂકવવી પડશે નહીં. અગાઉ આ છૂટ 31 ઓક્ટોબર સુધી જ લાગુ હતી. દેશમાં કપાસની ઓછી આવક અને આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાની આશંકા વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. તેનાથી કાપડ મિલો અને ગારમેન્ટ ઉદ્યોગને કાચો માલ ઓછા ખર્ચે મળી શકશે. નાણા મંત્રાલયે 30 ઓક્ટોબરના રોજ જાહેરનામું નંબર 35/2026-કસ્ટમ્સ દ્વારા આ છૂટનો સમયગાળો લંબાવ્યો છે. અગાઉ સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર 2026 સુધી કપાસની આયાત પર લાગતી 11 ટકા કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરી હતી. હવે આ રાહત ડિસેમ્બરના અંત સુધી ચાલુ રહેશે.

કપાસના ઓછા ઉત્પાદનની આશંકા વચ્ચે નિર્ણય

સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે દેશમાં કપાસની ઉપલબ્ધતાને લઈને ચિંતા વધી રહી છે. વર્ષ 2026-27ની સિઝનમાં કપાસનું ઉત્પાદન ઘટવાની આશંકા છે. ખેતીના વાવેતર વિસ્તારમાં ઘટાડો અને મહારાષ્ટ્ર તથા કર્ણાટક જેવા મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની અસરને તેના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યાં છે. નવી સિઝનના કપાસની આવક અનેક બજારોમાં શરૂ થઈ ગઈ છે, પરંતુ હાલ મંડીઓમાં અપેક્ષા કરતાં ઓછો જથ્થો પહોંચી રહ્યો છે. તેના કારણે કપાસના ભાવ ઊંચા રહ્યા છે. ખેડૂતો પણ સારા ભાવની આશામાં પોતાની ઉપજ વેચવામાં ઉતાવળ કરી રહ્યા નથી. ઉત્પાદન ઘટવાની આશંકા અને ખેડૂતો દ્વારા વેચાણમાં થઈ રહેલા વિલંબને કારણે બજારમાં સપ્લાય પર અસર પડી રહી છે.

મંડીઓમાં દરરોજ કેટલી થાય છે કપાસની આવક?

ઉપલબ્ધ આંકડા પ્રમાણે દેશની મંડીઓમાં દરરોજ આશરે 70 હજારથી 80 હજાર ગાંસડી કપાસની આવક થઈ રહી છે. કપાસની એક ગાંસડીનું વજન 170 કિલોગ્રામ હોય છે. બજારની અપેક્ષા પ્રમાણે આ આવક ઓછી છે. દિવાળી બાદ મંડીઓમાં કપાસની આવક વધવાની શક્યતા છે. 23 ઓક્ટોબર સુધી દેશમાં કુલ આશરે 15 લાખ ગાંસડી કપાસની આવક થઈ હતી. બીજી તરફ, આ સિઝનમાં કપાસનો વપરાશ આશરે 23 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. ઓછી આવક અને ઉત્પાદન અંગેની ચિંતાને કારણે કાપડ મિલો માટે કાચા માલની ઉપલબ્ધતા મોટો મુદ્દો બની છે.

કાપડ મિલોની ઉત્પાદન કિંમતમાં ઘટાડો થઈ શકે છે

કપાસની આયાત પર કસ્ટમ ડ્યૂટીની છૂટ લંબાવવાથી દેશની કાપડ મિલોને વિદેશમાંથી કપાસ ખરીદવાનો વિકલ્પ મળશે. આયાત પર 11 ટકા કસ્ટમ ડ્યૂટી નહીં લાગતાં કંપનીઓની ખરીદીનો ખર્ચ ઘટી શકે છે. ખાસ કરીને નાની અને મધ્યમ કક્ષાની કાપડ કંપનીઓને આ નિર્ણયથી રાહત મળવાની શક્યતા છે. કાચા માલના વધતા ભાવને કારણે આ કંપનીઓ પર ઉત્પાદન ખર્ચનું દબાણ રહેતું હોય છે. આયાત પરની છૂટથી ભારતીય કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવામાં પણ મદદ મળી શકે છે. જોકે, વિદેશથી કપાસની આયાત વધવાથી સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા વધી શકે છે અને તેના કારણે સ્થાનિક કપાસના ભાવ પર દબાણ આવવાની શક્યતા પણ છે.