Business

NSE અને BSE ના પ્રી-ઓપન નિયમોમાં આજથી મોટો ફેરફાર: જાણો શેરબજારના રોકાણકારો પર શું થશે અસર?

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. NSE અને BSE એ પ્રી-ઓપન સેશનના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે 7 સપ્ટેમ્બર 2026થી લાગુ પડશે. હવે સવારે 9:00 થી 9:05 સુધી જ માર્કેટ ઓર્ડર મૂકી શકાશે. 9:05 થી 9:10 દરમિયાન માત્ર લિમિટ ઓર્ડર સ્વીકારાશે. આ બદલાવથી બજારમાં હેરાફેરી અટકશે અને ભાવમાં સ્થિરતા આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

NSE અને BSE ના પ્રી-ઓપન નિયમોમાં આજથી મોટો ફેરફાર: જાણો શેરબજારના રોકાણકારો પર શું થશે અસર?

Stock Market Rule Change : જો તમે ભારતીય શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્ત્વના છે. ભારતના બંને પ્રમુખ શેરબજારો, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના પ્રી-ઓપન પ્રોટોકોલમાં ફેરફાર થયો છે. બંને એક્સચેન્જોએ આજથી એટલે કે 7 સપ્ટેમ્બર 2026થી પ્રી-ઓપન સેશન (સવારે 9:00 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી)ના નિયમોમાં નવો સુધારો લાગુ કર્યો છે.

નવા નિયમોમાં શું-શું બદલાવ થયો?

સવારે 9:00 થી 9:05 વાગ્યા સુધી:

આ 5 મિનિટ દરમિયાન 'માર્કેટ ઓર્ડર' (જે કિંમત નક્કી કર્યા વગર તરત જ ખરીદ-વેચાણ માટે હોય છે) અને 'લિમિટ ઓર્ડર' (નક્કી કરેલી કિંમત પર ખરીદ-વેચાણ માટે), આ બંને પ્રકારના ઓર્ડર મૂકી શકાશે.

સવારે 9:05 થી 9:10 વાગ્યા સુધી:

આ સમયગાળા દરમિયાન હવે માત્ર 'લિમિટ ઓર્ડર' જ મૂકી, બદલી કે રદ કરી શકાશે. આ વિન્ડોમાં નવા માર્કેટ ઓર્ડર સ્વીકારવામાં આવશે નહીં. અગાઉ આ સમયગાળો 9:07 વાગ્યા સુધીનો હતો, જેને વધારીને 9:10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કિંમત નક્કી કરતી વખતે હવે માર્કેટ ઓર્ડરને લિમિટ ઓર્ડર કરતાં પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે.

રોકાણકારો પર આ ફેરફારની શું અસર પડશે?

સમયસર ઓર્ડર આપવો પડશે: જે રોકાણકારો રાતોરાત આવેલા સમાચાર અથવા વૈશ્વિક બજારોના ઉતાર-ચઢાવના આધારે ATM (એટ-ધ-માર્કેટ) ઓર્ડર આપે છે, તેમણે પોતાના માર્કેટ ઓર્ડર સવારે 9:05 વાગ્યા પહેલાં જ સબમિટ કરવા પડશે.

બજારમાં હેરાફેરી અટકશે: આ બદલાવથી બજારમાં થતી કૃત્રિમ સટ્ટાખોરી અટકશે. અગાઉ કેટલાક મોટા ખેલાડીઓ ઓર્ડર વિન્ડો બંધ થવાના આખરી સમયે મોટા માર્કેટ ઓર્ડર મૂકીને શેરોના ભાવમાં કૃત્રિમ ઉછાળો કે કડાકો લાવતા હતા અને એક્ઝિક્યુશન થાય તે પહેલાં જ ઓર્ડર રદ કરી દેતા હતા. 9:05 પછી માર્કેટ ઓર્ડર બંધ થવાથી આવી ગરબડ બંધ થશે.

ઓર્ડર પ્રોસેસિંગમાં સરળતા: જો તમારે તમારો ખરીદ-વેચાણનો ઓર્ડર ચોક્કસપણે એક્ઝિક્યુટ કરાવવો હોય, તો પ્રથમ 5 મિનિટ (9:00 થી 9:05) ની અંદર જ માર્કેટ ઓર્ડર મૂકવો પડશે. 9:05 થી 9:10 વચ્ચે મુકાતા લિમિટ ઓર્ડર બજારને લિક્વિડિટી પૂરી પાડશે, જેથી માર્કેટ ઓર્ડર સરળતાથી મેચ થઈ શકશે.

ભાવમાં અચાનક ઉછાળો નહીં આવે: રોકાણકારો 9:05 થી 9:10 ની વિન્ડો દરમિયાન શરૂઆતી ઓર્ડર ફ્લો જોઈને પોતાની રણનીતિ બનાવી શકશે, કારણ કે આ દરમિયાન માર્કેટ ઓર્ડર ન હોવાથી અચાનક ભાવમાં તીવ્ર ઉછાળો કે ઘટાડો નહીં થાય. આ નવું સ્ટ્રક્ચર ગયા મહિને શરૂ કરાયેલા ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) ની પ્રક્રિયા સમાન છે, જેનાથી શેરના સાચા ભાવ નક્કી કરવામાં સ્થિરતા આવશે.

(નોંધ: એક્સપર્ટ્સની ભલામણો, સૂચનો, વિચારો અને અભિપ્રાયો તેમના પોતાના છે, ગુજરાત સમાચારના નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.)