ઊંચા વ્યાજ દર વચ્ચે લોન વૃદ્ધિ મંદ પડતા દેશની બેન્કોના માર્જિન પર દબાણ

મુંબઈ : ઊંચા વ્યાજ દર વચ્ચે લોન વૃદ્ધિ મંદ પડતા દેશની બેન્કોના માર્જિન પર દબાણ આવી રહ્યું છે.ભારતની ખાનગી તથા જાહેર ક્ષેત્રની મોટી બેન્કોમાંથી છ બેન્કોની એકંદર લોન વૃદ્ધિ વર્તમાન નાણાં વર્ષમાં મંદ પડી ૧૨.૩૦ ટકા રહેવાની એસએન્ડપી ગ્લોબલ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
ગયા નાણાં વર્ષમાં લોન વૃદ્ધિનો દર૨૨.૫૦ ટકા રહ્યો હતો. ઊંચા વ્યાજ દરો વચ્ચે લોન વૃદ્ધિ મંદ પડતા દેશની બેન્કો પર માર્જિન દબાણ આવી રહ્યું છે. મોટાભાગની બેન્કોમાં નેટ ઈન્ટરેસ્ટ માર્જિન નીચું રહેવા ધારણાં છે.
થાપણના ઊંચા દરો પણ માર્જિન પર દબાણ આવવાનું કારણ છે. લોન વૃદ્ધિ મંદ પડવા છતાં બેન્કો ઊંચો નફો દર્શાવશે, જો કે નફામાં વૃદ્ધિનો દર ધીમો પડશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
પોતાની બેલેન્સ શીટસને મજબૂત બનાવવા કેટલીક બેન્કોએ કન્ઝયૂમર લોન્સ ઘટાડી રિટેલ લોનમાં વધારો કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. અમેરિકા તથા યુરોપની કેન્દ્રીય બેન્કો દ્વારા વ્યાજ દરમાં ઘટાડા કરાયા હોવા છતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા લાંબા સમયથી ઊંચા વ્યાજ દર જાળવી રખાયા છે.
ઊંચા ફુગાવાને કારણે રિઝર્વ બેન્કે રેપો રેટ ઊંચા જાળવી રાખવાની ફરજ પડી છે. દરમિયાન લિક્વિડિટીમાં વધારો કરવાના રિઝર્વ બેન્કના પગલાંને કારણે રેપો રેટમાં ઘટાડો થવાની શકયતા વધી ગઈ હોવાનું મનાય રહ્યું છે.




